કોર્પોરેટરના સગાઓને ટિકિટ અપાતા નવાજુનીના એંધાણ
જામનગર: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા પોતાના પક્ષના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, આ પછી પક્ષ થી નારાજ થયેલા ભાજપના સિનિયર કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર એવા કરસનભાઈ કરમુરે મોડી રાત્રે ભાજપમાં થી રાજીનામું ધરી દીધું હતું.
આમ ભાજપમાં નામાવલી જાહેર થતાં જ કડાકા ભડાકા શરૂ થયા છે. અન્ય વોર્ડમાં પણ વિરોધ વંટોળ ઉભો થયો છે. આથી જ કેટલાક લોકો સાંજે શહેર ભાજપ કાર્યાલય પર દોડી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.
મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ની પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા, જેમાં અનેક સિનિયર કોર્પોરેટરની ટિકિટ કપાતાં કચવાટ જોવા મળ્યો હતો. જોકે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટ્રી દ્વારા એવો નિર્ણય લેવાયો હતો કે જેમને ત્રણ ટર્મ પૂરી થઇ છે તેમને ટિકિટ આપવી નહીં, આથી જામનગરના સિનિયર નગરસેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર એવા કરસન કરમુર કે જેઓએ સતત પાંચ ટર્મ પૂરી કરી છે. એટલે તેમને ટિકિટ મળવાની ન હતી. તે પહેલેથી જ નક્કી હતું. પરંતુ તેમની પાસે કોઇ સારા ઉમેદવારના નામ માંગવામાં આવ્યા હતા.પરંતુ તેની પણ કઈ નોંધ પક્ષ દવારા લેવામા ન આવી.
આથી પોતાનું અને પોતાના સમાજનું અપમાન કરવામાં આવ્યું છે, તેમ જણાવી તેઓ એ પક્ષમાંથી રાજીનામુ ધરી દીધું છે તેમ કરસનભાઈ કરમુરે એક વાતચીત માં જણાવ્યું છે. જાહેર થયેલી નામવલીમાં અનેક પૂર્વ કોર્પોરેટરના સગાને ટિકિટ ફાળવાઈ છે. જ્યારે પોતાની સાથે હળાહળ અન્યાય થયો છે. તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વોર્ડ ન.10 તત્કાલીન મેયર અને વોર્ડ ન.6ના પૂર્વ કોર્પોરેટર જશરાજ પરમાર (કે જેઓ કોંગ્રેસમાંથી વંડી ટપી ભાજપમાં જોડાયા) આ બંનેની ત્રણ ટર્મ થઈ હોય ત્યારે તેમની જગ્યાએ તેઓના પુત્રોને ટીકીટ આપવામાં આવી છે.ત્યારે મારી માંગણીનો પક્ષે અસ્વીકાર કર્યો છે. કરશનભાઇએ ગઈકાલે રાજીનામુ આપ્યા બાદ મોડી રાત્રે તેમના નિવાસસ્થાને તેમના ટેકેદાર અને કાર્યકરોના ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે કદાચ તેઓ અપક્ષ અથવા અન્ય પાર્ટીમાંથી લડે તો નવાઈ નહિ.