ગુજરાત વિધાનસભા ચૂંટણી ન લડવા ‘આપ’નો નિર્ણય
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજનીતિક હલચલમાં વધારો થયો છે. રાજકીય પક્ષો ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગ‚પે એકશન પ્લાન ઘડી રહ્યાં છે અને ચૂંટણી પહેલા જ મજબૂત માળખુ ઉભુ કરવા માટે તૈયારી હાથ ધરી છે. તો બીજી તરફ સામાન્ય માણસો માટે લડવાનું સુત્ર લઈને રાજકીય ક્ષેત્રમાં ઉતરેલી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ચૂંટણી લડવા પારોઠના પગલા ભર્યા છે. અગાઉ સામાન્ય માણસો માટેની લડાઈને ચાલુ રાખવા અને ભ્રષ્ટાચાર સામે સતત કામગીરી કરવાની વાતો કરનારા આપે ગુજરાત વિધાનસભામાં લગીરે રસ દાખવ્યો નથી. તો બીજી તરફ ભાજપના પૂર્વ ધારાસભ્ય કે જેઓએ ભાજપ સાથે છેડો ફાડીને આપમાં જોડાયા હતા તેવા ડો.કનુભાઈ કલસારીયાએ આગામી વિધાનસભા ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવારી નોંધવાનું નક્કી કર્યું છે. કારણ કે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત વિધાનસભા માટે તમામ પક્ષો દ્વારા તૈયારી શ‚ થઈ છે. તેવામાં આમ આદમી પાર્ટીએ પારોઠના પગલા ભરતા હવે આપની ખાસ અસર રહી ન હોવાનું દેખાઈ રહ્યું છે. એક સમયે આમ આદમી પાર્ટી ભારતમાં ત્રીજા મહત્વના પક્ષ તરીકે ઉભરી રહ્યું હતું પરંતુ હવે વિધાનસભા ચૂંટણીમાં પણ પાછીપાની કરવામાં આવી રહી છે.
ડો.કનુભાઈ કલસારીયા સ્વતંત્ર ઉમેદવારી ભલે નોંધાવે પણ આપમાંથી રાજીનામુ આપવાના નથી. તેઓએ કહ્યું હતું કે, ૨૦૧૨માં પક્ષના પાંચ નેતાઓએ સદ્ભાવના મંચ હેઠળ ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. આ મિશન અંતર્ગત પક્ષના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને કહેવામાં આવ્યું હતું કે, મહુવા, રાજુલા, ગારીયાધાર અને અન્ય બે બેઠકો ઉપરથી સદ્ભાવના મંચ હેઠળ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવામાં આવશે અને આ રજૂઆતને મંજૂરી પણ આપવામાં આવી હતી. કોઈપણ જાતના પાર્ટી સીમ્બોલ વિના આગામી સમયમાં સદ્ભાવના મંચ વધુ બેઠકો ઉપરથી ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના પણ દર્શાવવામાં આવી હતી.
આ ઉપરાંત કહેવામાં આવ્યું હતું કે, કોંગ્રેસને ટક્કર આપવાનો કોઈ હેતુ નથી પણ ભાજપને સત્તામાં આવતું રોકવા માટે આ લડાઈ લડવામાં આવી રહી છે. જો કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય પ્રશ્ર્ન તો આપનો જ રહેશે કારણ કે આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાંથી ઉમેદવારી નોંધાવવા પીછેહટ કરી છે અને હવે જો આગામી સમયમાં ઉમેદવારી નોંધવા બાબતે નિર્ણય લેવામાં આવે તો પણ લોકોનો ભરોસો જીતી શકે તેવી શકયતા ઓછી છે.