અહેમદભાઈ પટેલ અને અભયભાઈ ભારદ્વાજના અકાળે નિધનથી
કેન્દ્રીય પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીની તારીખનું એલાન: ૧૧મી ફેબ્રુઆરીએ જાહેરનામુ પ્રસિધ્ધ ૧૮મી સુધી ફોર્મ ભરી શકાશે: હાલ રાજ્યસભામાં ભાજપના ૬ અને કોંગ્રેસના ૩ સભ્યો
કોંગ્રેસના કદાવર નેતા અહેમદભાઈ પટેલ અને ભાજપના અગ્રગણ્ય આગેવાન-પ્રખર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજના અકાળે અવસાનથી ખાલી પડેલી ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટે આગામી ૧લી માર્ચે એક સાથે પેટા ચૂંટણી યોજાશે. હાલ ગુજરાતમાં રાજ્યસભાની જે ૧૧ બેઠકો છે તેમાં કોંગ્રેસ પાસે માત્ર ૩ જ્યારે ભાજપ પાસે ૬ બેઠકો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની બંને બેઠકો માટે અલગ અલગ મતદાન હાથ ધરવા અગાઉ કરવામાં આવેલી માંગણી કેન્દ્રીય ચૂંટણીપંચે ફગાવી દીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું ધમધમાટ શ થઈ જશે અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીના પરિણામના એક દિવસ પૂર્વે મતદાન હાથ ધરાશે અને સાંજે જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે.
વૈશ્ર્વિક મહામારી કોરોનાના કારણે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા અભયભાઈ ભારદ્વાજ અને કોંગ્રેસના કદાવર નેતા અહેમદભાઈ પટેલનું અકાળે અવસાન થતાં રાજ્યસભાની આ બે બેઠકો ખાલી પડી છે. જેના માટે આજે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા મતદાનની તારીખનું સત્તાવાર એલાન કરી દેવામાં આવ્યું છે. રાજ્યસભાની બે બેઠકો માટેની ચૂંટણીનું આગામી ૧૧મી ફેબ્રુઆરીના રોજ પ્રસિધ્ધ થશે. ૧૮મી ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ૧૯મી ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ૨૨મી ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. ૧લી માર્ચના રોજ સવારે ૯ થી બપોરે ૪ વાગ્યા સુધી મતદાન હાથ ધરવામાં આવશે. રાજ્યસભાની ચૂંટણીમાં માત્ર ધારાસભ્યો જ મતદાન કરી શકતા હોય છે. મતદાનની અવધી પૂર્ણ થયા બાદ સાંજે ૫ વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે.
ગુજરાત વિધાનસભામાં હાલ જે રીતે ભાજપ અને કોંગ્રેસ પાસે સભ્ય સંખ્યાબળ છે તે જોતા બન્ને પક્ષને ફાળે ૧-૧ બેઠક જાય તેવું લાગી રહ્યું છે. રાજ્યસભાની બેઠક જીતવા માટે ૬૧ એકડા એટલે કે, ફર્સ્ટ પ્રેફરન્સ મતની જરીયાત રહે છે. ભાજપ પાસે ૧૨૨ ધારાસભ્યો ન હોવાના કારણે તેઓ કોઈપણ ભોગે બે બેઠક હાસલ કરી શકે તેમ નથી. બીજી તરફ કોંગ્રેસ પાસે ૬૦ જ ધારાસભ્યો છે છતાં તે એક બેઠક આસાનીથી જીતી જશે તેવું હાલ લાગી રહ્યું છે.
બન્ને બેઠકો જીતવા ભાજપે કોંગ્રેસના ૧૧ ધારાસભ્યો તોડવા પડે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત જૂન માસમાં યોજાયેલી ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોમાં ભાજપ ૩ બેઠકો પર વિજેતા બન્યું હતું. હાલ રાજ્યસભામાં ગુજરાતના સાંસદ તરીકે પરસોતમભાઈ પાલા, મનસુખભાઈ માંડવીયા, એસ.જયશંકર, જુગલજી ઠાકોર, રસીલાબેન બારા અને નરહરી અમીન ભાજપના સભ્ય તરીકે ચૂંટાઈને રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરી ર્હયાં છે. જ્યારે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ નારણભાઈ રાઠવા, અમીબેન યાજ્ઞીક અને શક્તિસિંહ ગોહિલ કરી રહ્યાં છે.
રાજ્યસભાની ચૂંટણીમાં સામાન્ય લોકોએ મતદાન કરવાનું ન હોય તેથી ખાસ રોમાંચકતા રહેતી નથી. હાલ સભ્ય સંખ્યા મુજબ બન્ને પક્ષ ભાજપ અને કોંગ્રેસને એક-એક બેઠકો મળે તેવી સંભાવના જણાય રહી છે. લાંબા સમય બાદ ભાજપે રાજ્યસભાની ટીકીટ રાજકોટને ફાળવી હતી પરંતુ અભયભાઈ ભારદ્વાજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધાના થોડા જ દિવસોમાં તેઓ કોરોનાની બીમારીમાં સપડાયા હતા અને ત્યારબાદ તેઓનું અવસાન નિપજયું હતું હવે ભાજપ હાઈકમાન્ડ ફરી રાજ્યસભાની ટીકીટ માટે રાજકોટના કોઈ નેતાની પસંદગી કરશે કે કેમ તે અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે.