સૌરાષ્ટ્ર-કચ્છમાં નજીવી બાબતે થતા ઝઘડાના કારણે મહિલા સહિત ત્રણની કરપીણ હત્યા થયાનું પોલીસમાં નોંધાયું છે. ઉના તાલુકાના ગુંદાળા ગામે પિતા-પુત્ર વચ્ચે મજુરી કામ બાબતે ચાલતા ઝઘડામાં પાડોશીએ જાહેરમાં ગાળો કેમ બોલે છે કહી યુવાનને પાઇપ મારી હત્યા કર્યાની સાળા-બનેવી સામે ગુનો નોંધાયો છે. જ્યારે કોડીનારના બોડવા ગ્રામ પંચાયતના મહિલા સભ્યની અજાણ્યા શખ્સોએ હત્યા કર્યાનું અને અંજાર નજીક આવેલા વરસામેડી ગામના એટીએમમાં સિક્યુરિટીમેન તરીકે ફરજ બજાવતા પ્રૌઢની લૂંટના ઇરાદે અજાણ્યા શખ્સોએ કરપીણ હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે.
ઉનાના ગુંદાળા ગામે અપશબ્દ બોલતા યુવાનનું પાડોશીએ ઢીમઢાળી દીધું
પિતા-પુત્ર વચ્ચે મજુરીના પ્રશ્ર્ને ચાલતા ઝઘડામાં વચ્ચે પડેલા સાળા-બનેવીએ પાઇપ મારી કરી હત્યા
ઉના તાલુકાના ગુંદાળા ગામના યુવાનને જાહેરમાં ગાળો કેમ બોલે છે તેમ કહી પાડોશી સાળા-બનેવીએ પાઇપથી હુમલો કરી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગુંદાળાના જયંતીભાઇ વિરાભાઇ સોલંકી નામના ૨૮ વર્ષના યુવાનને માથામાં પાઇપ મારી હત્યા કર્યાની પાડોશમાં રહેતા અશરફ ઉમર નાયા અને અરમાન હૈદર સંધી સામે મનુ વિરાભાઇ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જયંતી સોલંકી તેના પુત્ર શેડો અને અશોક મજુરી કામે ગયા હતા તે મજુરીના પૈસા વાપરી નાખતા બંને પુત્રને ઠપકો દેતો હતો અને પોતાના જ પુત્રને ગાળો દેતો હોવાથી અશરફ અને હૈદરે જાહેરમાં ગાળો ન બોલવાનું કહી ઝઘડો કરી માથામાં પાઇપ મારી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
કોડીનારના બોડલા ગ્રામ પંચાયતના મહિલા સભ્યની હત્યા
મુકાદમ મહિલા શ્રમજીવીઓને કામે આવવાનું કહેવા નીકળ્યા બાદ લોહીથી ખરડાયેલો મૃતદેહ મળ્યો
કોડીનાર તાલુકાના બોડલા ગ્રામ પંચાયતના મહિલા સભ્યનું ગામની સીમમાં લોહીથી ખરડાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી હત્યાનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બોડલા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય નંદુબેન બાબુભાઇ રાઠોડની ગામના ભૂપતભાઇ સોલંકીની વાડી પાસેથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા મૃતકના પુત્ર સંદિપભાઇ રાઠોડે અજાણ્યા શખ્સો સામે છરીથી હુમલો કરી પોતાની માતાની હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.નંદુબેન રાઠોડ આજુબાજુના ગામમાં મજુરો પહોચતા કરવાનું મુકાદમનું કામ કરતા હોવાથી ગત રાતે દિપકભાઇ સોસાનો મજુરો બાબતે ફોન આવતા તેમને મળવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા પિતા-પુત્રએ શોધખોળ શ કરી હતી અને ગ્રામ પંચાયત કચેરીના સીસીટીવી ફુટેજમાં ચામુંડા માતાજીના મંદિર તરફ જતા હોવાનું જોવા મળ્યા હતા. નંદુબેનના મોબાઇલમાંથી ગુજરાતીમાં ટેકસ મેસેજ આવ્યો હતો. મને બચાવો, ધી વિરા, વિરા કાંતી અને પુના નાગજી એવો મેસેજ આવ્યો હતો. આથી નંદુબેનના મોબાઇલના મોબાઇલમાં રીંગ કરી હતી પરંતુ વાત થઇ શકી ન હતી અને બીજા દિવસે સવારે કિરીટ ચુડાસમા અને ભરત રાઠોડે નંદુબેનની લાશ ભૂપત સોલંકીની વાડી પાસે હોવાની જાણ કરતા સંદિપભાઇ રાઠોડ પોતાના કાકા સહિતના પરિવાર સાથે ઘટના સ્થળે દોડી જતા નંદુબેન લોહી લુહાણ હાલતમાં પડયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પી.આઇ. એસ.એન.ચુડાસમા સહિતના સ્ટાફે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી મૃતક નંદુબેનને મોબાઇલમાં મેસેજ કરતા કે લખતા આવતું ન હતું તો તેના મોબાઇલમાંથી ટેક્સ મેસેજ કોણે કર્યો તે અંગે તપાસ હાથધરી છે.
અંજારના વરસામેડી ગામે એટીએમના સિકયુરિટીમેનનું લૂંટના ઇરાદે ખૂન
એટીએમના સીસીટીવી કેમેરા બંધ હોવાથી હત્યામાં જાણભેદુની સંડોવણીની શંકા
પૂર્વ કચ્છના અંજાર નજીક વરસામેડી ગામે આવેલા એટીએમના સિકયુરિટી ગાર્ડની અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે. એટીએમના ચાર માસથી કેમેરા બંધ હોવાથી હત્યામાં જાણભેદુની સંડોવણીની શંકા સાથે પોલીસે ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ બનાસકાંઠાના ભાભોર ગામના વતની અને હાલ કચ્છમાં વરસામેડી ગામે આવેલી વેલસપન કંપની પાસે એસબીઆઇ બેન્કના એટીએમમાં સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા નવીન મણીલાલ સોલંકી નામના યુવાનની અજાણ્યા ત્રણ થી ચાર જેટલા બુકાનીધારી શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યાનું પોલીસમાં નોંધાયું છે. હત્યાના બનાવની પોલીસને જાણ થતા અંજાર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. હત્યા એટીએમમાં લૂંટ ચલાવવાના ઇરાદે થયાનું અને એટીએમના ચારેક માસથી કેમેરા બંદ હોવાથી હત્યામાં જાણભેદુની સંડોવણી હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે. ભૂજમાં પણ આ રીતે એટીએમના સિકયુરિટી ગાર્ડની હત્યા થઇ હોવાથી બંને બનાવમાં એક જ ગેંગની સંડોવણી હોવા અંગે પણ પોલીસ દ્વારા તપાસ થઇ રહી છે.