ગમે તે ઘડીએ કોંગ્રેસ રાજકોટ માટે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી દેશે
કોંગ્રેસ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો પૈકી ૧૪ વોર્ડની ૨૨ બેઠકો માટે ૨૨ ઉમેદવારોના નામની જાહેરાત અગાઉ કરી દેવામાં આવી છે. વધુ ૨૨ નામો કોંગ્રેસ સ્ક્રીનીંગ કમીટી દ્વારા ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. આજ સાંજ સુધીમાં ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી દેવામાં આવશે. અગાઉ જાહેર કરવામાં આવેલા ૨૨ ઉમેદવારોની યાદીમાં કોંગ્રેસે ૧૦ સીટીંગ કોર્પોરેટરોને ફરી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. આજે સવારથી ઉમેદવારના નામો ફાઈનલ કરવાનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં બપોર સુધીમાં અલગ અલગ વોર્ડ માટે વધુ ૨૨ નામો ફાઈનલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં વોર્ડ નં.૧૭માંથી શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વોર્ડ નં.૩માંથી પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, વોર્ડ નં.૧૫માંથી મહાપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. જ્યારે વોર્ડ નં.૭માંથી પ્રદિપભાઈ ત્રિવેદીના નામ પર મહોર લાગી છે. આજે સાંજ સુધીમાં કોંગ્રેસ ગમે તે ઘડીએ ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી દેશે. જો કે તમામ ૭૨ બેઠકોના નામ કોંગ્રેસ દ્વારા અલગ અલગ ત્રણ કે ચાર યાદીમાં જાહેર કરાય તેવું લાગી રહ્યું છે. અમુક વોર્ડમાં હજુ એક સુત્રતા જણાતી નથી. જેના કારણે ઉમેદવારોના નામ નક્કી કરવામાં મુશીબત ઉભી થઈ રહી છે. વોર્ડ નં.૧ માટે પણ મહિલા ઉમેદવારનું નામ જાહેર કરાયા બાદ કોંગ્રેસમાં ભડકો થયો છે.