નાના દબાણો દૂર કરી તંત્ર આત્મ સંતોષ માની લ્યે: મગર મચ્છોને જાણે છૂટોદૌર
દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દ્વારકા શહેરમાં ડીમોલીશનની કામગીરી હાથ ધરાઈ અને સરકારી જમીનોખૂલ્લી કરવામાં આવી તેમાં ગરીબ અને નાના માણસોના દબાણો દૂર થયા છેપરંતુ મસમોટા દબાણો તો રહી ગયા છે તેના પરથી વહીવટીતંત્રએ આસ્તેથીન જર સરકાવી લીધી હોય તેવું સ્પષ્ટ પણે જણાઈ આવેલ છે. કારણ કે હવે પછીનાં મગરમચ્છ જેવા દબાણો મોટાભાગનાં રાજકીય માથાઓના તથા તેના મળતીયાઓનાં હોય તેવા દબાણો હટાવવા માટે જો વહીવટીતંત્રના અધિકારીઓ તરાપ મારે તો તેમની નોકરીથી હાથ ધોઈ લેવા પડે તેવા સંજોગો ઉભા થયા છે.ત્યારે અચાનક જ ડીમોલેશનની કામગીરી અટકાવી દેવામાં આવી હોવાનું ખાનગી સુત્રોમાંથી જાણવા મળેલ છે.
દ્વારકામાં ગેરકાયદેસરનાં દબાણો હટાવવાની વહીવટીતંત્રની ઝુંબેશમાં કયાંકને કયાંક રાજકારણ આડું આવતું હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી દ્વારા અમલીકરાયેલ લેન્ડ ગ્રેબીંગ કાયદાનાં સરેઆમ લીરા ઉડી રહ્યા હોય તેમ હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ દબાણો હટાવવાની રજૂ કરાયેલી અરજી પૈકી એક પણ અરજીને ધ્યાને લેવામાં આવેલ નથી અને આવા દબાણો હટાવવા આંખ આડા કાન કરી દેવામાં આવી રહેલ છે. ડીમોલીશનની કામગીરી દરમ્યાન રાજકારણને વશ થઈને અમુક ચોકકસ તત્વોનાં દબાણો જ હટાવવામાં આવી રહ્યા છે. પરંતુ ડીમોલેશન કરવાનાં રસ્તામાં આવતા સતાધારી પક્ષના મગરમચ્છ જેવા દબાણો વહીવટીતંત્રનાં અધિકારીઓને ધ્યાને કયા કારણોસર આવેલા નથી તે પણ એક મોટો સવાલ છે. દબાણ હટાવવાની કામગીરીમાં વહીવટીતંત્ર દ્વારા એકને ગોળ, એકને ખોળ જેવી નીતિ અખત્યાર કરવામાં આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. શહેરનાં કબીર આશ્રમ નજીક વિશાળકાય જગ્યામાં ગાયનેક હોસ્પિટલનું મોટુ દબાણ વહીવટને કારણે દબાણ હટાવની યાદીમાંથી બહાર નીકળી ગયું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હવે જોવાનું એ છે કે દબાણ હટાવ ઝુંબેશમાં રાજકારણની કેટલી ભૂમિકા છે? તે તો આવનારો સમય જ કહેશે.
યાત્રાધામ દ્વારકામાં છેલ્લા ઘણા સમયથી સરકારી જગ્યા પર મોટા પ્રમાણમાં દબાણ થઈ ગયેલા અને સરકારી જગ્યાઓ પોતાની માલીકીની હોય તેમ માથાભારે તત્વો દ્વારા રાજકીય લાગવગના જોરે પુષ્કળ પ્રમાણમાં દબાણો કરીને પાકા બાંધકામો કરી લીધેલ હતા. ત્યારે આશરે બે સપ્તાહ પહેલા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાની સૂચનાથી દ્વારકા પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા, મામલતદાર એસ.એસ. કેશવાલા તથા નગરપાલીકા તંત્ર દ્વારા જે.સી.બી. સહિતના યાંત્રીક વાહનો સાથે નડતરરૂપ પાકા બાંધકામો તથા હંગામી સ્ટ્રકચરને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. અને આશરે સવાસો કરોડની સરકારી કિંમતી જગ્યાઓ ખૂલ્લી કરવામાં તંત્રને સફળતા સાંપડેલ પરંતુ દ્વારકામાં જેટલા સરકારી જગ્યા પર ગેરકાયદેસરનાં દબાણો છે તેમાના હજુ તો પાંચ ટકા જેટલા જ દબાણો દૂર થયા છે અને તેમાં પણ ગરીબ માણસોનાં દબાણો દૂર થયા છે કે જેમને આવકનાં અન્ય કોઈ સ્ત્રોત નથી અને આવા દબાણો હટાવીને તંત્રએ સંતોષમાની લીધો હોય તેમ દબાણની કામગીરી એકાએક અટકાવી દેવામાં આવી છે.