તો… આગામી અઢી દાયકામાં આપણા ઘર પરિવારમાં કેટલાક સંબંધો કાયમી માટે સમાપ્ત થઈ જશે
એકંદરે ફેશનની મૂર્ખતા, હું અને હુંની મૂઢતા અને અજ્ઞાનતાને કારણે અનેક પરિવારો અંત: તરફ તો નથી જઈ રહ્યા ને…?
કથળેલી કુટુંબ વ્યવસ્થા આખરે તો દુ:ખને નોતરૂ આપે છે
વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્ર્વમાં કદાચ બીજા સ્થાને હશે. દેશમાં વસ્તી વધરાને નાથવા સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે.જેમાં વિવિધ યોજનાઓ હેઠળ મળવાપાત્ર સહાયનો લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. જેથી સરકારના ‘અમે બે અમારા બે’ના સૂત્રને સાર્થક કરવા સમાજમાં પણ જાગૃકતા આવી છે. જોકે વસ્તી વધારાને અટકાવવા માટેના સરકાર તેમજ જુદી જુદી સંસ્થાઓ દ્વારા લેવામાં આવતા પગલા પ્રસંશનીય હોય વર્તમાન યુગમાં મોટાભાગનાં અને ખાસ કરીને શિક્ષીત વર્ગનો સહયોગ ઉડીને આંખે વળગે તેવો રહ્યો છે.
જોકે હજુ કયાંક કયાંક પરિવારનાં વડીલો દ્વારા ‘નાનુ કુટુંબ’ની વાતનો વિરોધ થઈ રહ્યો છે. પરંતુ પરિવાર જો નાનો હોય તો બાળકોનો પણ સારો ઉછેર થઈ શકે. જેમકે શિક્ષણ, રમત-ગમત સંગીત, સંસ્કૃતિ શિક્ષણ સાથે સાથે બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓમાં વિશેષ ધ્યાન આપી શકાય તે સ્વાભાવીક છે.
પરંતુ પરિવારમાં એક દિકરો અને એક દિકરી હોય તો નાનુ કુટુંબ સુખી કુટુંબ લાગે છે… પણ તેના ગંભીર પરિણામો તરફ આપણે કયારેય વિચાર્યું નથી. કે એ તરફ આપણું ધ્યાન ગયુ નથી. માત્ર એક દિકરો અને એક દિકરી હોય તો…? આવનારા ૨૦-૨૫ વર્ષોમાં આપણા ઘર પરિવારમાં કેટલાક સંબંધો કાયમી માટે સમાપ્ત થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. જેમકે ભાઈ-ભાભી, દેવર -દેવરાણી, જેઠ-જેઠાણી, કાકા-કાકી, દિયર-ભોજાય, ફઈ-ફુવા, મામા-મામી, માસા-માસી સહિતના બધા નહી તો પણ અમૂક સંબંધો આપણા ઘરોથી સમાપ્ત થઈ જશે તેમાં શંકાને સ્થાન નથી.
માત્ર સાડા ત્રણ લોકોનાં પરિવારો બચશે હિંમત આપવા વાળો મોટો ભાઈ નહી હોય, ના ઘરમાં ભાભી હશે ના નખરાળો દિયર હશે, દેરાણી, જેઠાણી નણંદ વિનાની વહુ એ પણ બાપડી એકલી હશે. તેની સાથે હસવા, વાતો કરવા કે મદદ કરવા કે મશ્કરી (મજાક) કરવાવાળુ કોઈ નહી હોય.
આમ સામાન્ય રીતે વિચારીએ તો આ બાબતો પણ યોગ્ય હોઈ શકે ખરી. બીજી તરફ આપણે દ્રષ્ટી કરીએ તોએકંદરે ફેશનની મૂર્ખતા અને હું અને હુંની મૂઢતા અને અજ્ઞાનતાને કારણે…. પરિવારો અંત: તરફતો નથી જઈ રહ્યાને…?
આજ આપણે નરી આંખે જોઈએ છીએ કે વર્તમાન પરિસ્થિતિમાં અનેક ઠેકાણે બે ભાઈઓ સાથેના પરિવારો પણ જાણે કે છેલ્લા તબકકામાં ન હો…! પહેલા ચાર-ચાર ભાઈઓનાં મોટા પરિવારો કાચા મકાનોમાં એક સાથે ખુશ ખુશાલ રહેતા હતા હવે મોટાબંગલામાં અઢી લોકો રહેવાની ફેશનમાં દોટમૂકી રહ્યા છે. શું વિશાળ મકાનમાં જીવન એકલવાયું નથી લાગતુ…? મન ઉદાસ થાય છે ને…? આપણે આ દિશામાં ખૂબજ પ્રમાણિક પણે વિચારવું જોઈએ ખરૂ…?
આ પડકારજનક સદીમાં, આપણા એકલા બાળકને ભાઈઓનાં ખંભા પર હાથ રાખ્યા વિના કઈ જવાબદારી કોણ આપશે…? સાજે-માંદે… કોણ કોના ખબર અંતર પૂછે…? કોણ તાત્કાલીક સારવારમાં લઈ જશે…? લગ્ન પ્રસંગ કે અન્ય તહેવારોની ઉજવણીમાં કોની સાથે આનંદ-પ્રમોદ કરશું…? આ એક મોટી ચીંતાજનક બાબત છે. એકલા બેસી ચિંતન-મંથન કરીએ અને વિચારીએ.
આશ્ર્ચર્ય અને દુ:ખ પમાડે તેવી વાત તો એ છે કે થોડા ઘણા પરિવારો બચ્યા છે. ત્યાં પણ અમૂક ઠેકાણે નવી પેઢીની છોકરીઓને સમૂહ પરિવારમાં રહેવું નથી. એવી શરતે તો એ લગ્ન માટે હા પાડે છે. આથી વૃધ્ધાશ્રમો વધતા જાય છે. થોડા વર્ષો પછી આવી કુટુંબ વ્યવસ્થાની ભયાનકતા એવી હશે કે જેમાંદુ:ખ સિવાય કંઈ નહી મળે… જેથી દિન-પ્રતિદિન વણસતી અને ર્જીણ થતી કુટુંબ વ્યવસ્થાને બચાવવા અને તેની જાળવણી કરવા આપણે આગળ આવવું પડશે.