વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું અર્થતંત્ર પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલર સુધી વિકસાવવાના રોડમેપ માટે તબક્કાવાર આયોજન થઈ રહ્યું છે. આજે નાણામંત્રીએ રજૂ કરેલી એક પણ રૂપિયાના કરવેરા વિનાના બજેટથી ભવિષ્યના વિકાસનો રોડ મેપ તૈયાર થઈ રહ્યો છે. કોરોનાગ્રસ્ત અર્થતંત્ર વચ્ચે આરોગ્ય ક્ષેત્ર તેમજ માળખાકીય ક્ષેત્રે વધુ નાણાની ફાળવણી ગરીબથી માંડી દરેક ક્ષેત્રના વિકાસ માટે જ પ્રયાસો કરી સંરક્ષણ, ગ્રામ્ય અર્થતંત્ર, શિક્ષણ અને આંતર માળખાકીય સુવિધાની સાથે સાથે માનવ સંશાધન પ્રોત્સાહક યોજના સાથેની અનેક જોગવાઈઓ સાથેનું બજેટ સંપૂર્ણપણે વિકાસનો રોડમેપ બની રહ્યો છે. અર્થતંત્રના વિકાસનો ડોઝ બનનારૂ મોદી સરકારનું એક વિવિધ હેતુલક્ષી અને દિર્ધ દ્રષ્ટિ ભરેલું આ બજેટ કોઈપક્ષ ક્ષેત્રમાં નાણાની ખાદ્ય ન રહે, કરદાતાઓ પર કોઈનું દબાણ ન રહે તેવું આ બજેટ વર્તમાન મુશ્કેલીઓને નિશ્ર્ચિત આયોજન થકી ભવિષ્યના સૂર્યોદય તરફ લઈ જનારૂ ગણી શકાય.
બિન નિવાસી ભારતીયોની રોકાણ મર્યાદામાં ફેરફાર ઉપરાંત બુઝુર્ગ કરદાતાઓને થોકબંધ રાહતો આઈટી ફોર્મ ભરવામાંથી મુક્તિ અને આયાત-નિકાસ ક્ષેત્રના સંતુલીત આયામોને ઉજાગર કરતા બજેટમાં ક્યાંય આર્થિક અસંતુલીત અવ્યવસ્થા ઉભી ન થાય તેની કાળજી રાખવામાં આવી છે. પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરની આર્થિક વિરાસતની પ્રાપ્તી માટેનું સરકારનું લક્ષ્ય આ બજેટમાં પ્રતિબીંબીત થાય છે. કોઈપણ ક્ષેત્રને જરાપણ વિચલીત કર્યા વગર જાવક અને આવકનું સંતુલન સાજવાનો ખુબજ સારો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોરોના મહામારીની મંદી અને આર્થિક કટોકટીના દૌરમાં જ્યારે વિશ્ર્વ આખુ બેચેન બન્યું છે ત્યારે આત્મનિર્ભર ભારતના ક્ધસેપ્ટ અને સ્કીલ ઈન્ડિયાના સહારે ભારતનું બજેટ ૬ સ્થંભો આધારિત આર્થિક ઉન્નતિનું પર્યાય બન્યું છે. આરોગ્ય, આંતર માળખાકીય સુવિધા, કૃષિ, માનવ સંશાધન વિકાસ અને પાયાગત મુડી આધારિત વિકાસની સાથે સાથે ભવિષ્યના આયોજનો પર છ સ્થંભો પર ઉભુ થયેલું વર્ષ ૨૦૨૦-૨૧નું આ બજેટ ખરા અર્થમાં ભવિષ્યના વિકાસનો રોડ મેપ બની રહેવાનું છે તેમ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી.