રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રાજકોટ, પડધરી, લોધીકા તાલુકાના ગામોમાંથી ઠલવાતો ડુંગળીનો જથ્થો: દર વર્ષે દિવાળી બાદ શરૂ થતી સીઝનમાં ચાલુ વર્ષે મોડા વાવેતરને પગલે ઉત્પાદનમાં પણ એકથી દોઢ માસનો વિલંબ
ચાલુ વર્ષે અતિવૃષ્ટિ વચ્ચે ડુંગળીનું વાવેતર ફેઈલ થયા બાદ ખેડૂતોએ બે થી ત્રણ વખત ડુંગળી વાવી હતી. જેને પગલે ડુંગળીનું ઉત્પાદન પણ મોડુ થવા પામ્યું છે. ત્યારે હવે ડુંગળીનો પાક તૈયાર થતા છેલ્લા અઠવાડિયા સૌરાષ્ટ્રના યાર્ડોમાં ડુંગળી ઠલવાઈ રહી છે.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા અઠવાડિયાથી દૈનિક ૧૨ થી ૧૩ હજાર દાગીના એટલે કે ૬ થી ૭ હજાર કવીન્ટલ ડુંગળીની આવક થઈ રહી છે. હાલ ખેડૂતોને ડુંગળીના ભાવો પણ પ્રમાણમાં સારા મળી રહ્યાં છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીના પ્રતિ મણ રૂા.૧૭૫ થી ૪૦૦ સુધીના ભાવો બોલાઈ રહ્યાં છે. આ ઉપરાંત એ ક્વોલીટી ડુંગળીના ભાવો ૪૭૫ સુધી મળી રહ્યાં છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં રાજકોટ આસપાસના ૩૦ થી ૪૦ કિ.મી.ના એરીયામાંથી ડુંગળી આવી રહી છે. રાજકોટ, પડધરી, લોધીકા સહિતના તાલુકાના ગામોમાંથી ડુંગળી રાજકોટ યાર્ડમાં વેંચાણ અર્થે ઠલવાઈ રહી છે.
રાજકોટમાં ઠલવાતી ડુંગળીના જથ્થામાંથી ૭૫ ટકા માલ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે. ડુંગળીનો ૨૫ ટકા માલ લોકલ માટે રાખી અન્ય માલ પંજાબ, યુપી, બિહાર, બંગાળ સહિતના રાજ્યોમાં મોકલાઈ રહ્યો છે. દર વર્ષે દિવાળી બાદ ડુંગળીની આવક શરૂ થતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે અતિવૃષ્ટિથી વાવેતર મોડુ થતાં ઉત્પાદનમાં પણ વિલંબ થયો છે. જેને કારણે હાલ ડુંગળીની સીઝનની શરૂઆત થઈ છે. ડુંગળીના ભાવો સારા મળતા ખેડૂતો ખુશ ખુશાલ છે. મળતી માહિતી મુજબ જો ડુંગળી અન્ય રાજ્યોમાં સતત મોકલાતી રહેશે તો ખેડૂતોને આ સીઝનમાં ડુંગળીના પુરતા ભાવો મળી રહેશે.
બીજા રાજયોમાં ડુંગળીની માંગ હોવાથી ભાવ નીચે નહી પટકાય…
છેલ્લા અઠવાડિયાથી રાજકોટ યાર્ડમાં ભરપૂર પ્રમાણમાં ડુંગળી ઠલવાઈ રહી છે. ત્યારે આ માલ બીજા રાજયોમાં પણ મોકલાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટ યાર્ડમાં ઠલવાતી ડુંગળીમાંથી ૭૫% જેટલો માલ અન્ય રાજયમાં વેંચાણ અર્થે મોકલાય છે. માલ બીજા રાજયમાં જતો હોવાથી હાલ ખેડુતોને રૂ.૪૦૦ સુધીના ભાવો મળી રહ્યા છે. અને જો આવક સારી રહેશે તેમજ માલ અન્ય પંજાબ, યુપી, બિહાર, બંગાળ સહિતના રાજયોમાં મોકલાશે તો સીઝનના અંત સુધી ખેડૂતોને સારા ભાવો મળી રહેશે. હાલ ડુંગળીનો નવો પાક તૈયાર થતા સીઝનની શરૂઆત થઈ છે. મોડા વાવેતરને પગલે ડુંગળીની આવક હજુ ઘણો સમય ચાલશે.
રાજકોટ યાર્ડમાં દૈનિક ૬ થી૭ હજાર કિવન્ટલની આવક
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી ડુંગળીની પ્રમાણમાં સારી આવક થઈ રહી છે. દર વર્ષે દિવાળી બાદ ડુંગળીની આવક શરૂ થતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે અતિવૃષ્ટિને પગલે ડુંગળીનું મોડુ વાવેતર થવાથી ઉત્પાદનમાં પણ વિલંબ થયો છે. સુત્રોમાંથી જાણવા મળ્યામુજબ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં દૈનિક ૧૨ થી ૧૩ હજાર દાગીના એટલે કે ૬ થી ૭ હજાર કિવન્ટલ ડુંગળીની આવક થઈ રહી છે. રાજકોટ યાર્ડમાં રાજકોટ, પડધરી, લોધિકા તાલુકાના ગામોમાંથી ડુંગળી આવી રહી છે. રાજકોટ આસપાસનાં ૩૦-૪૦ કિમીનાં વિસ્તારમાંથી ખેડુતો પોતાની ડુંગળી વેચાણ અર્થે લાવી રહ્યા છે. ડુંગળીની આવક શરૂ થતા અન્ય રાજયોમાં પણ વેચાણ અર્થે મોકલાઈ રહી છે. જો સતત અન્ય રાજયોમાં ડુંગળી મોકલાશે તો ખેડુતોને ચાલુ વર્ષે પ્રમાણમાં સારા ભાવ મળી રહેશે.