રાજકોટના પ્રબુદ્ધ નાગરિકોના મતે પક્ષ કોઇપણ હોય લોકોની સવલતો પુરી થવી જોઇએ
રાજકોટની સ્માર્ટ પ્રજા ૨૧ ફેબ્રુઆરીએ સ્માર્ટ નગરસેવકો પર વિશ્ર્વાસ મુકશે: ૨૩મીએ પરિણામ
વોર્ડ નં. ૧૦ થી ૧૮માં લોકો સ્માર્ટ બન્યા અને નગરસેવકોને પણ સ્માર્ટનેસ તરફ આગળ વધવા ફરજ પાડી
રાજકોટ કોર્પોરેશન ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.૨૧ ફેબ્રુઆરીએ મતદાન બાદ ૨૩ ફેબ્રુઆરીએ ઉમેદવારોના ભાવિ નક્કી થઈ જશે ત્યારે છેલ્લા ૫ વર્ષમાં કોર્પોરેટરોએ વોર્ડમાં કરેલા કામો દ્વારા લોકો કેટલા સંતુષ્ટ છે? તે જાણવાનો પ્રયત્ન અબતક ચેનલ દ્વારા કરવામાં આવ્યો હતો.વોર્ડ ૧ થી ૧૮ ના એન.જી.ઓ, જ્ઞાતિ અગ્રણીઓ સહિત પ્રબુદ્ધ નાગરિકોએ અબતક ચેનલને વોર્ડની હાલની સ્થિતિ તેમજ આવનારા વર્ષોમાં રહેવાસીઓની મહત્વકાંક્ષાઓ વર્ણવી હતી. રાજકોટના રહેવાસીઓ સ્માર્ટ સિટીની જેમ સ્માર્ટ નગર સેવકો ઈચ્છે છે.
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. શહેર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે તેમજ અનેક વોર્ડના ઉમેદવારો પણ નક્કી થઈ ચૂક્યા છે. ટિકિટના અપેક્ષિત ઉમેદવારોથી લઈને કાર્યકરો અને સંગઠના હોદ્દેદારોએ નિરીક્ષકોને પોતાની રજુઆત કરી છે. આ વખતે ઉમેદવાર પસંદગી માટે ખાસ અપેક્ષાઓ તમામ પાર્ટીએ રાખી છે જેમાં ઉમેદવાર નું સામાજિક કામોનું બેકગ્રાઉન્ડ, સોસીયલ મીડિયામાં તેની પહોંચ, સ્થાનિક લેવલે લોકપ્રિયતા, પાર્ટી માટે કરેલા કામો અને લાયકાત ગણવામાં આવી રહી છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની સેન્સ ની પ્રક્રિયા પહેલા શહેર ભાજપના ૪ થી ૫ દિગજ્જ નેતાઓએ ચૂંટણી ન લડવાની વાત કરી છે જેમાં નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, કશ્યપ શુક્લ, અરવિંદભાઈ રૈયાણી સહિતના અગ્રણીઓએ ચૂંટણી ન લડવા માટે પોતાની વાત દર્શાવી ચુક્યા છે. ગત ચૂંટણીમાં ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ બેઠકો મળતા કોંગ્રેસ ઉમેદવારો અને કાર્યકરોનો ઉત્સાહ બમણો છે તો સાથેજ આ વર્ષે ત્રીજી પરિબળ આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી જીતાડવાનો પ્રયત્ન કરી રહી છે.ત્યારે આવનારા દિવસોમાં રાજકોટ મહાનગર પાલિકામાં કોણ બાજી મારશે? તે જોવું રહ્યું.
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના ૧૮ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના ૭૨ ઉમેદવારો માટે કુલ ૭૮૪ જેટલા અપેક્ષિત વ્યક્તિઓ સેન્સ પ્રક્રિયામા આવ્યા હતા. ભાજપ અગ્રણીઓ પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ, જાગૃતિબેન પંડ્યા,મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઈ ત્રિવેદી ,આદ્યશક્તિબેન મજમુદાર ,બાબુભાઈ બોખીરિયા,ભરતસિંહ ગોહિલ, બીજલબેન પટેલ,નરહરિભાઈ અમીન, માધાભાઈ બોરીચા અને નિમુબેન બાંભણીયા દ્વારા સેન્સ લેવામાં આવી હતી ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના અગ્રણીઓ દ્વારા “ટીકીટ” માટે કોઈ પણ પ્રકારની ભલામણ ચલાવવામાં નહીં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ભાજપ દ્વારા પેઈજ સમિતિની રચના કરી પેઈજ પ્રમુખો પણ બનાવવામાં આવ્યા છે.જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પેઈજ પ્રમુખ બન્યા છે. પેઈજ સમિતિ દ્વારા ગ્રાઉન્ડ લેવલે ભાજપે માઇક્રો પલાનિંગ કર્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા નગરજનોને વિકાસરૂપી અંધારા માંથી બહાર આવવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.
વોર્ડ-૧૬
તંત્રના ‘અછુતપણા’ને કારણે સરકારી સવલતોની કથળતી પરિસ્થિતિ: અકાલી હિન્દુ સેના
વોર્ડ નંબર ૧૬ના રહેવાસી પંકજ ભાઈ કે જે અકાલી હિન્દુ સેનાના પ્રમુખ છે તેમનું કહેવું છે કે કોર્પોરેટર શિક્ષિત હોવા જોઈએ જેમના પાસે પૂરતું નોલેજ હોવું જોઈએ. તેમનું કહેવું છે કે છેલ્લા દાયકામાં શહેરમાં જેટલા વિકાસના કામો થયા છે તે પ્રમાણમાં પ્રત્યેક બોર્ડમાં વિકાસ ના કામો ઓછા થયા છે, વોર્ડ નંબર ૧૬ માં પાણીની સમસ્યા પણ ઘણી છે જેમકે ચોમાસા દરમ્યાન શેરી ગલીઓમાં ખૂબ પાણી ભરાઈ જાય છે, અને આ સમસ્યાનો કોઈ નિવેડો લાવવામાં આવ્યો નથી. તેમને આશા છે કે આગામી સમયમાં શિક્ષણ ક્ષેત્રે, સફાઈના ક્ષેત્રે અને પાણીની સમસ્યાને લઈને જે તે કોર્પોરેટર ચૂટાઈ તે વોર્ડ માટે સારું કામ કરશે અને ખાસ કરીને નદી ની સાફ સફાઈ પર ધ્યાન દે તેવુ ઇચ્છે છે. તેમને રાજકોટના સેન્ટ્રલ વિકાસથી સંતોષ છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ કહી શકાય તેવા કામકાજ અને વિકાસ ના કામો થી તે અસંતુષ્ટ છે. સરકાર દ્વારા વોર્ડ નંબર ૧૬ માં ઘણી સારી એવી સરકારી સવલતો આપવામાં આવી છે પરંતુ તેને સરખી રીતે મેન્ટેન કરવામાં આવતા નથી.
આગામી સમયમાં ગંદકીની સમસ્યા દૂર થાય તેવી નગરસેવકો પાસે અપેક્ષા: પ્રવીણભાઇ ગોંડલીયા (સાધુ સમાજ અગ્રણી)
વોર્ડ નંબર ૧૬ના કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ ગોંડલીયા કે જે સાધુ સમાજના અગ્રણી છે અને તેમનું કહેવું છે કે, નગર સેવક એવા હોવા જોઈએ કે જે સમાજ માટે અને પોતાના વિસ્તાર માટે સારી કામગીરી કરે. છેલ્લા દાયકા ના કામકાજ થી અસંતુષ્ટ છે.
આગામી ચૂંટણી બાદ તેઓ કોર્પોરેટર થી એવી આશા રાખે છે કે લોકોના બધા જ પ્રશ્નો નો નિવેડો આવે, આપણી રાજ્ય સરકાર પણ બી.જે.પી. ની છે, તો જે તે કોર્પોરેટર તરીકે ચૂંટાય તે પણ ભારતીય જનતા પાર્ટીના જ હોય. વોર્ડ નંબર ૧૬ ની અંદર ઘણી એવી સમસ્યાઓ છે જેનો કોઇ ઉકેલ થયો નથી જેમકે સફાઈ ની સમસ્યા મુખ્ય છે. પ્રવીણભાઈનું કેહવુ છે કે, જનતા સાથે કોર્પોરેટર નો સંપર્ક તો હતો પરંતુ જે યોગ્ય કામગીરી થવી જોઈએ તે થતી નહોતી. તેઓ બી.જે.પી. ના કાર્યકરો અને સમાજ ને લગતા કામો થી ખુબજ સંતુષ્ટ છે.