ગૌ સેવાના જતન-સંવર્ધન અને ગૌ સેવાની પ્રવૃતિને વેગવાન બનાવવા માટે સરકાર દ્વારા કોઈ કસર બાકી રખાતી નથી. ગૌસેવાના અભિયાનને ખરા અર્થમાં વેગવાન બનાવવા માટે સરકારમાં કામધેનું આયોગની રચના કરવામાં આવી છે. આવનાર દિવસોમાં વન ખાતાના સંકલનથી ગાય અભ્યારણ્યની રચના અને ગ્રાસ બેંક સુધીની વ્યવસ્થા માટે સરકાર કટીબદ્ધ છે. ત્યારે ગૌ ધનના રઝળપાટના મુખ્ય કારણ એવા ઘાસની અછતનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં હવે કામ કરવાની જરૂરત છે. ગૌશાળા અને ગાયો સાચવતી સંસ્થાઓ મોટેભાગે ઘાસની અછતની સમસ્યાનો સામનો કરી રહી છે. સરકાર અને ખાનગી રાહે ફંડ ફાળાથી ચાલતી ગૌશાળાઓમાં વર્ષના છ મહિના સુધી ઓછા, વત્તા અંશે ઘાસની અછતની સમસ્યા રહેતી હોય છે. ગાય પાલન અને ગૌસંવર્ધનમાં ઘાસની અછતનો મુદ્દો વ્યાપક પ્રમાણમાં નડતરરૂપ રહે છે ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે અને ગાયોને કાયમી સુરક્ષીત કરવા માટે ગુજરાતમાં જેવી રીતે ખેતી હોય એની ખેતી નહીં પરંતુ ખેતી કરે એની ખેતીના અભિગમ સાથે કોઈને પણ ખેતી કરવી હોય તેને સરકારી જમીન ૩૦ વર્ષની લીઝ ઉપર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આવી જ રીતે રાજ્યમાં હજ્જારો હેકટર ફાઝલ પડેલી જમીનો, સરકારી ખરાબાઓ, ગૌસેવા સાથે સંકળાયેલી સંસ્થાઓ અને ગૌશાળાઓને ઘાસના ઉત્પાદન માટે લીઝ ઉપર આપવાની જોગવાઈ હવે અનિવાર્ય બની છે.
ગાયનું ધાર્મિક મહાત્મય અમોધ છે. ૩૩ કરોડ દેવી-દેવતાઓની પુણ્યશાળી મનાતી ગાયનો રઝળપાટ એ ધર્મદ્રોહ છે. ગાય અત્યારે અપુરતા ઘાસના કારણે રઝળતી હોય તો આ સમસ્યાઓનો કાયમી ઉકેલ માટે ગૌશાળાઓને ઘાસ ઉત્પાદન માટે સરકારી જમીનો આપવી જોઈએ. કાઉ સેન્ચ્યુરીનું નિર્માણ અને ઘાસના ઉત્પાદન માટેની ગ્રાસ બેંકની સાથે સાથે ભારત સરકારે ગાયોના સંરક્ષણ, સુરક્ષા માટે ગાય આધારિત ઉદ્યોગ, ગાય આધારિત પર્યાવરણ સુરક્ષા અને ભારતીય પ્રજાતિની ગાયોને સુરક્ષીત કરવા માટે અનેક પગલાઓ ભર્યા છે ત્યારે હવે ગાયને સાચવતી સંસ્થાઓને જો ઘાસ વાવવા માટે સરકારી જમીનો મળી જાય તો ગાયનું ખરા અર્થમાં સંવર્ધન અને સુરક્ષા કવચ મળી રહે.