૧૪મીએ નવ આત્માઓનો દીક્ષા અંગીકાર ઉત્સવ
નવ આત્માઓના કલ્યાણ મહોત્સવના કેસર છાંટણે લખાયા આમંત્રણ: દરેક સત્કાર્યમાં ગુરૂવર્યોની ઉપસ્થિતિ આપણી મનસ્થિતિને ગુણમય બનાવે છે: નમ્રમુનિ
આત્મા જાગૃત થયા પછી સંસારમાં એક ક્ષણ પણ આકરી લાગે છે તેમ રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમુનિ મહારાજે ગરવા ગીરનારની ગોદમાં નવ આત્માઓના કલ્યાણ મહોત્સવના કેસર છાંટણે આમંત્રણ લખતા પ્રસંગે જણાવ્યું હતું. દરેક શુભ અવસરે ઉપકારીઓ આપણને વારંવાર સ્મરણમાં આવતા હોય અને આ જિનશાસન પર તીર્થંકર ભગવંતોનો, ગણધર ભગવંતોનો, આચાર્ય ભગવંતોનો અને કેટલાય ગુરુવર્યોનો મહાઉપકાર છે,આ ભાવો સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સા.ના પરમ શરણમાં આગામી ૧૪ ફેબ્રુઆરીએજૈન દીક્ષા અંગીકાર કરવા થનગની રહેલા નવ-નવ આત્માઓના ભાગવતી જૈન દીક્ષા મહોત્સવની આમંત્રણ પત્રિકા આલેખનનો અવસર ગિરનારની ધરા પર મંગલતા પ્રસરાવી ગયો હતો. મુમુક્ષુ ફેનિલકુમાર અજમેરા, મુમુક્ષુ શ્રેયમબેન ખંધાર, મુમુક્ષુ એક્તાબેન ગોસલીયા, મુમુક્ષુ નિરાલીબેન ખંધાર, મુમુક્ષુ અલ્પાબેન અજમેરા, મુમુક્ષુ આયુષીબેન મહેતા, મુમુક્ષુ નિધિબેન મડીયા, મુમુક્ષુ મિશ્વાબેન ગોડા તેમજ મુમુક્ષુ દિયાબેન કામદારના ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિના ઉપક્રમે આયોજિત કરવામાં આવેલાં આત્મયાત્રા દીક્ષા મહોત્સવની આમંત્રણ પત્રિકા આલેખનના આ શુભ અવસરે લાઈવના માધ્યમે દેશ-વિદેશના હજારો ભાવિકો જોડાઈને ધન્ય બન્યાં હતાં.
ઉંચેરા ગિરનારની પાવન ધરા પર ગુરુવર્યોના જયકાર અને દીક્ષાર્થીઓના પ્રવેશ વધામણાં બાદ દરેક શુભ કાર્યમાં ગુરુવાર્યોના આશીર્વાદની મહત્તા દર્શાવતા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજે ફરમાવ્યું હતું કે, દરેક સદ્કાર્યમાં ગુરુવર્યોની ઉપસ્થિતિ આપણી મનસ્થિતિને ગુણમય બનાવી દે છે. ગુરુવર્યોની ભાવ ઉપસ્થિતિ માત્ર પણ આપણી અંતરમાં રહેલા અહમ અને મમના અવગુણોને દૂર કરી દે છે.એકવાર જેમનો આત્મા જાગૃત થઈ ગયો હોય પછી એના માટે સંસારમાં એક ક્ષણ પણ રહેવું આકરું થઈ જતું હોય છે. સંસાર અને સંસારીઓ વચ્ચે રહેવા છતાં એમના દિલની અલિપ્તતા સંયમભાવોની દ્રઢતાનું દર્શન કરાવતી હોય છે. જે સંયમના માર્ગ પર આજ સુધી અનેક આત્માઓએ પ્રયાણ કરીને આત્મકલ્યાણ કર્યું છે, એ જ સંયમ માર્ગની પ્રેરણા અનેકોને આપવા માટે આજનો અવસર આવ્યો છે.
આ અવસરે સંયમની એવી અનુમોદના કરી લઈએ કે ભવિષ્યમાં આપણાં સંયમના બીજ રોપાઈ જાય. આજે આ અવસરને નિહાળીને સંકલ્પ કરી લઈએ કે, મિંચાતી આંખ પહેલા દેહ પર પ્રભુની પછેડી હોય અને નયનોમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ છલકાતો હોય. આજની અનુમોદનાના બીજ ભવિષ્યમાં આપણી આરાધનાનું વટવૃક્ષ બને એવી મંગલ ભાવના ભાવીએ. દીક્ષાર્થીના માતા પિતા અને અનેક સેવાભાવી ભાવિકોના હસ્તે આદ્ય ગુરૂવર્યોને દીક્ષા મહોત્સવમાં આમંત્રણ આપતાં મંગલ આલેખન કરવામાં આવતાં સર્વત્ર હર્ષ-હર્ષ છવાયો હતો.નવ-નવ આત્માઓના ભવોભવનું કલ્યાણ કરાવી દેનારા શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના અનેકવિધ મંગલમય કાર્યક્રમો ૨૮-૧ થી ૧૪-૦૨ સુધી આયોજિત કરવામાં આવ્યા છે. અઢાર દિવસ સુધી ગિરનારની ધરાને ગુંજાવનારા આ મહોત્સવનો શુકનવંતો પ્રારંભ ૨૮.ના આત્મ સંગ્રામની દેવ દુંદુભિ સ્વસ્તિક વિધિથી કરવામાં આવશે. મહોત્સવના આયોજિત દરેક કાર્યક્રમમાં દેશ-વિદેશના અનેક સંઘો સાથે દરેક ધર્મપ્રેમી ભાવિકોને લઇવ પ્રસારણના મધ્યમે જોડાવાનું ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.