સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો તખ્તો: કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા ભાજપના પ્રદેશ નિરીક્ષકો સોમવારે લેશે સેન્સ
પ્રત્યેક વોર્ડને સેન્સ આપવા એક કલાકનો સમય ફાળવાયો: સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ નિરીક્ષકો અને શહેર ભાજપ સંકલન સમિતિ વચ્ચે બેઠકમાં ત્રણ પેનલ માટે ૧૨ નામો નક્કી કરાશે
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આવતા સપ્તાહે તારીખોનું એલાન થાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવા ભાજપના દ્વારા આવતીકાલથી રાજ્યની ૬ મહાનગરપાલિકાઓ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.રાજકોટમાં પ્રદેશ નિરિક્ષકોની ચાર ટીમ દ્વારા સોમવારે અલગ-અલગ ચાર સ્થળોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.પ્રત્યેક વોર્ડના અપેક્ષિતોને સેન્સ પ્રકિયા દરમિયાન દાવેદારી રજૂ કરવમાં માટે એક કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ નિરીક્ષકો અને શહેર ભાજપની સંકલન સમિતિની બેઠક મળશે.જેમાં ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે વોર્ડ વાઈઝ ચાર નામોની ત્રણ પેનલ બનાવી કુલ એક વોર્ડ માટે ૧૨ નામો સ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે,મહાપાલિકાની આગામી ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવા ભાજપ દ્વારા સોમવારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ માટે નિરીક્ષકોની ચાર ટીમ બનાવવામાં આવી છે.જેમાં કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ અને જાગૃતિબેન પંડ્યા સોમવારે સવારે ૯:૩૦ કલાકથી વોર્ડ નંબર ૧, ૨, ૩ અને ૭ ના અપેક્ષિતોને સાંભળશે.જ્યારે ઉપલાકાંઠે ભાવનગર રોડ સ્થિત પટેલવાડી ખાતે રાજ્યસભાના સાંસદ નરહરિભાઇ અમીન, માધાભાઇ બોરીચા અને નિમુબેન બામણીયાની પેનલ વોર્ડ નંબર ૪,૫,૭ અને ૧૫ ના અપેક્ષિતોને સાંભળશે.કાલાવાડ રોડ સ્થિત હરિહર હોલ ખાતે મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઇ ત્રિવેદી અને આદ્યશક્તિબેન મજમુદારની પેનલ વોર્ડ નંબર ૮,૯,૧૦,૧૧ અને ૧૨ના અપેક્ષિતોને સાંભળશે.જ્યારે મીલપરા સ્થિત રાણીંગાવાડી ખાતે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા ભરતસિંહ ગોહિલ અને બિજલબેન પટેલની પેનલ વોર્ડ નંબર ૧૩,૧૪,૧૬,૧૭ અને ૧૮ના અપેક્ષિત કાર્યકરોને સાંભળશે. પ્રત્યેક વોર્ડના અપેક્ષિતોને ચૂંટણી લડવાની દાવેદારી રજૂ કરવા માટે એક-એક કલાકની ફાળવણી કરવામાં આવી છે.સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકોની ચાર ટીમ અને શહેર ભાજપની સંકલન સમિતિ વચ્ચે એક બેઠક યોજાશે જેમાં નિરીક્ષકો સમક્ષ જે કાર્યકર્તાઓએ કમળના પ્રતીક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તે નામો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવમાં આવશે અને પ્રત્યેક વોર્ડ માટે ચાર-ચાર નામોની ત્રણ પેનલ બનાવવામાં આવશે એટલે કે એક વોર્ડમાં કુલ ચાર બેઠકો હોય છે જેની સામે ભાજપ દ્વારા સંભવિત ઉમેદવારોના ૧૨ નામોની પેનલ બનાવી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.
શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી વધુમાં ઉમેર્યું હતું કે,મહાપાલિકાની ચૂંટણી માટે જે તે વોર્ડના પ્રમુખ,મહામંત્રી,વોર્ડ પ્રભારી,સીટીંગ કોર્પોરેટર ,પૂર્વ કોર્પોરેટર, ગત ટર્મના ઉમેદવાર, ધારાસભ્ય, સંસદસભ્ય, શહેર ભાજપના હોદ્દેદારો, શહેરના તમામ વોર્ડના હોદેદારો,વોર્ડની સંકલન સમિતિના સભ્યો,અલગ અલગ મોરચાના પ્રમુખ અને મહામંત્રી તથા સિનિયર આગેવાનો સેન્સ અપવા માટે અપેક્ષિત હોય છે અને તેઓ ચૂંટણી લડવા માટે દાવેદારી રજુ કરે છે.બપોરે ૩:૩૦ કલાકે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો બે કલાક માટે કોઈ કાર્યકર કે હોદ્દેદારોને વ્યક્તિગત રીતે પણ રજૂઆત કરવી હોય તો તેઓને સાંભળશે.તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિરીક્ષકો અને સંકલન સમિતિ વચ્ચે બેઠક યોજાશે.જેમાં વોર્ડ વાઈઝ ચાર નામોની ૩ પેનલો બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સેન્સમાં શક્તિ પ્રદર્શન કે ટોળાશાહી પર મનાઇ: કમલેશ મિરાણી
હાલ કોરોનાકાળમાં ભાજપ દ્વારા મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે સોમવારે જે પ્રક્રિયા કરવાની છે. જેમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. સેન્સ આપવા આવનાર કોઈપણ વ્યક્તિ શક્તિ પ્રદર્શન નહીં કરી શકે ટોળામાં આવી શકશે નહીં માત્ર ૧૦ થી ૧૫ વ્યક્તિઓ એક સાથે આવે તો તેને નિરીક્ષકો સમક્ષ જવા દેવામાં આવશે. બાકીના તમામને બહાર રહેવાની ફરજ પડાશે.તમામ વોર્ડમાં સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે સન્સ પ્રક્રિયામાં ટોળા ભેગા ન કરવા તેમ ’અબતક’ સાથેની વાતચીત દરમિયાન શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી જણાવ્યું હતું તેઓએ ઉમેર્યું હતું કે કોરોના ગાઈડલાઈનનું પાલન થાય અને જે ચાર સ્થળોએ પ્રક્રિયા કરવાની છે ત્યાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અલગ-અલગ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં પટેલવાડી ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી અને શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ વ્યવસ્થા સંભાળશે. હરિહર હોલ ખાતે દેવાંગભાઈ માંકડ, પુષ્કરભાઈ પટેલ અને નીતિનભાઈ ભૂત વ્યવસ્થામાં રહેશે.ભાજપ કાર્યાલય ખાતેની સંપૂર્ણ વ્યવસ્થા અનિલભાઈ પારેખ અને હરેશભાઈ જોષી સંભાળશે.જયારે રાણીંગાવાડી ખાતેની વ્યવસ્થામાં જીતુભાઈ કોઠારી અને પ્રફુલભાઈ કાથરોટીયા રહેશે. સોશિયલ ડિસ્ટન્સ સહિતની તમામ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેની તકેદારી રાખવામાં આવશે. જો કોઈ વ્યક્તિ સેન્સ માટે વધુ સંખ્યામાં સમર્થકો સાથે આવશે તો તેને અટકાવી દેવામાં આવશે અને નિયત કરાયેલા લોકોને જ નિરીક્ષકો સમક્ષ જવા દેવામાં આવશે.ટૂંકમાં ટિકિટની દાવેદારી માટે આવનાર કાર્યકરો કે આગેવાનો શક્તિ પ્રદર્શન કરી શકશે નહીં.