આત્મીય યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને આત્મીય યુનિ.ના અધ્યક્ષ ત્યાગવલ્લભ સ્વામીજીની ઉપસ્થિતમાં યોજાયો
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં રાજકોટની આત્મીય યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભ યોજાયો હતો.પદવીદાન સમારોહમાં વિવિધ વિધાશાખાના ૪૫૮ વિદ્યાર્થીઓએ પદવી એનાયત ડિગ્રી એનાયત કરવામાં આવી અને૧૫ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્નાતક અને સ્નાતકોત્તર ડિગ્રી મેળવતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે અત્યાર સુધી કરેલા નિયત અભ્યાસક્રમને બદલે હવે જીવનના અચોક્કસ અભ્યાસક્રમમાં પણ આપ સૌ અવ્વલ રહેશો અને ઉચ્ચ જીવનમૂલ્યોને સ્થાપિત કરશો, તેવી સમાજને આપની પાસેથી અપેક્ષા છે.
વિશ્વની ઉચ્ચ ક્રમાંકિત સંસ્થાઓમાં બિરાજતા વિવિધ ભારતીય તેજસ્વી તારલાઓના જીવનમાંથી પ્રેરણા લેવા તેમણે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકારે અમલી બનાવેલી વિદ્યાર્થીલક્ષી યોજનાઓનો લાભ લઇ ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા મંત્રી ચુડાસમાએ છાત્રોને આહ્વાન કર્યું હતું.
પદવીદાન સમારોહમાં વિવિધ વિધાશાખાના ૪૫૮ વિદ્યાર્થીઓએ પદવી એનાયત ડિગ્રી એનાયત કરવામાં આવી: ૧૫ વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો
બિન પરંપરાગત ઉર્જા, સતત વિકસતી ટેકનોલોજી, વણખેડાયેલા ક્ષેત્રો, વગેરેમાં રહેલી નવી-નવી તકોનો લાભ લેવા મંત્રી ભુપેન્દ્રસિંહે ઉપસ્થિત છાત્રોને જણાવ્યું હતું, અને ખાનગી યુનિવર્સિટીઓને પણ રાજ્યસરકાર દ્વારા પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવશે, તેમ ઉમેર્યું હતું. મંત્રી ચુડાસમાના હસ્તે વિવિધ વિદ્યાશાખાના તેજસ્વી વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વિડીયો સંદેશાને આ પ્રસંગે પ્રસારિત કરવામાં આવ્યો હતો.
આમંત્રિતોએ દિપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આત્મીય યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ કર્નલ એમ.પી. સિંઘે આત્મીય યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારંભને ખુલ્લો મુકતા યુનિવર્સિટીની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. ત્યાગવલ્લભ સ્વામીએ ઉપસ્થિતોને આશીર્વચન પાઠવ્યા હતા. આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શિક્ષણ થકી સમાજસેવા કરવાના શપથ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર ડોક્ટર આશિષ કોઠારી, જુદી જુદી વિદ્યાશાખાઓના કાળમાં વડાઓ તથા ઉચ્ચ ક્રમાંકિત છાત્રો, અધ્યાપકગણ, વાલીઓ, બિનશૈક્ષણિક કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.