ભારતમાં કૃષિ, ફાર્માસ્યુટીકલ ક્ષેત્ર ઉપરાંત વિદેશ વેપારનું મહત્વ સમજી ભારતીય ઉદ્યોગોને ચીન સામેની વૈશ્ર્વિક
હરિફાઈમાં મજબૂત બનાવવા માટે ઉત્પાદન વૃદ્ધિ અને કોષ્ટ કટીંગ પર ખાસ ધ્યાન આપવા પર નાણામંત્રીની નજર
કોરોના કટોકટી અને લોકડાઉનને લઈ સમગ્ર વિશ્ર્વમાં આર્થિક મંદીના દૌરમાંથી પસાર થઈ રહેલા વિશ્ર્વના અનેક દેશો અત્યારે સંઘર્ષમય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે ત્યારે ભારતમાં કેટલીક ચોક્કસ રણનીતિ અને આગોતરા આયોજનથી કોરોના કટોકટીનો આ ગાળો અભિષાપના બદલે આશિર્વાદ રૂપ બની રહ્યો હતો. દુનિયામાં નાણાની ખેંચ ઉભી થઈ ત્યારે ભારતમાં ઘરેલું બચત અને કરકસરે ૧૫ લાખ કરોડ જેટલી બચતનું ભંડોળ રાજકોષીય અર્થતંત્રને મજબૂત બનાવ્યું. હવે તાણ અનુભવતા વિવિધ ક્ષેત્રો માટે નાણામંત્રી વહારે કેવી રીતે આવી શકશે તેનો એક રોડમેપ તૈયાર થયો છે.
કૃષિ નિર્માણ અને સેવા ક્ષેત્રે સરકારના ઐતિહાસિક સુધારાનો અમલ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાએ ૨૦૨૧માં ફળદાયી સાબીત થશે. કૃષિ ક્ષેત્ર, પ્રવાસન ઉદ્યોગ, મનોરંજન જેવા ક્ષેત્રોની મંદીને દૂર કરવા માટે સરકારના પ્રયાસો શરૂ થયા છે. રસીકરણ અભિયાન દરમિયાન વિવિધ ક્ષેત્રોને મદદ મળશે. કેન્દ્રીય બજેટમાં આર્થિક સંકટ અનુભવતા ક્ષેત્રો માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આગામી બજેટમાં રાજકોષીય ખાદ્યની ચિંતાઓને ધ્યાને લઈને વૃદ્ધિ પર પ્રાથમિકતા આપવાની આશા ઉભી થઈ છે. કૃષિ આંતર માળખીય સુવિધાના નિર્માણ અને સેવા ક્ષેત્રે સરકારે કેટલીક વિશેષ જોગવાઈઓના અમલનું મન બનાવ્યું છે. સૌપ્રથમ કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે અગ્રતા આપી છે. અર્થ શાસ્ત્રીઓને નિતી નિર્માતાઓ માટે કૃષિ ક્ષેત્રની કાયાપલટની આવશ્યકતા બતાવી છે. કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વૃદ્ધિ અને રાષ્ટ્રીય માર્કેટ બનાવવા માટે અન્ન ઉત્પાદન અને કોલ્ડ ચેઈનનું નિર્માણ અને આંતર માળખાકીય સુવિધાઓ વધારવા ઉપર સરકાર ધ્યાન આપશે. લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસને ખાસ કરીને વેપાર કરવાની સરળતા રહે, કિસાનો પાસેથી સામૂહિક ખરીદી, અનાજ અને ખેતીની જણસનું નાશવંત ટકાવારી ઘટે, અન્ન સંવર્ધન માટે કોલ્ડ ચેઈન, કોલ્ડ સ્ટોરેજ, ગોદામો અને ખેતીની આવક વધે તેવી વ્યવસ્થા માટે સામૂહિક ખેતી અને માર્કેટીંગ યાર્ડ વ્યવસ્થાના વિકલ્પ માટે સરકારે કમરકસી છે. કૃષિ ઉત્પાદન વધારવાની સાથે સાથે ડિજીટલાઈઝેશન, કૃષિ માહિતીઓ ખેડૂતો સુધી પહોંચે, સુચનાઓનો અમલ થાય અને વેપાર ઉદ્યોગમાં ખેડૂતોની જણસ આંતરરાષ્ટ્રીય સ્તરે વેંચાય તે માટેની વ્યવસ્થા કરતા ક્ષેત્રને નાણામંત્રી મદદરૂપ થશે. વિજળી, રેલવે પરિવહન અને સબસીડીના દર નક્કી કરવાથી લઈ મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી બે વર્ષમાં તમામ લક્ષ્યો ૫૦ ટકાથી વધુ પુરા થવા જોઈએ. ડિસેમ્બર ૨૦૨૦ની સ્થિતિએ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝના સર્વેક્ષણમાં કહ્યું છે કે, ૬૯ ટકા જેટલા ક્ષેત્રો ભવિષ્યમાં ચીનથી ભારત આગળ વધી જશે. વૈશ્ર્વિક માંગને પહોંચી વળવા માટે ભારતીય કંપનીઓને આર્થિક મદદથી લઈ કાયદાકીય મદદ આપવામાં આવશે. ભારતની વેપાર-વ્યવસ્થા, કોસ્ટ કટીંગ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના માલની માંગ વધે અને ઉત્પાદન કિંમત ઘટે તે માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે આમુલ પરિવર્તનની જરૂરીયાતોને ધ્યાને લઈ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રચના માટે મદદરૂપ થશે. આરોગ્ય સેવા ઉપર થતો ખર્ચ ઘટાડવા માટે સરકાર પગલા ભરશે.