પાઈપ લાઈનના કામ વિના જ નાણા ચૂકવી દીધા’તા
રિમાન્ડ પર લેવા તજવીજ: કુલ પાંચ ઝડપાયા
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ચૂર ગામમાં વિકાસના કામો થયા ન હોવા છતાં ૧.૮૯ લાખના બિલો મંજુર કરી દઈ સરકારી નાણાંનો વેડફાટ કરવા અંગે એસીબી દ્વારા ગુનો દાખલ કરાયા પછી આ પ્રકરણમાં નાસતા ફરતા રહેલા ચુર ગ્રામપંચાયતના પુર્વ ઉપ-સરપંચની એસીબીની ટીમે અટકાયત કરી લઇ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવતાં ધરપકડ કરી લેવામાં આવી છે. આ પ્રકરણમાં અગાઉ બે પૂર્વ સરપંચ અને તલાટી સહિત ચારની ધરપકડ થઈ ચૂકી છે.
જામજોધપુર તાલુકાના ચૂર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા સને ૨૦૧૬-૧૭ના વર્ષ દરમ્યાન પાણીનો ટાંકો અને ગામતળની પાઈપ લાઈનનું કામ થયું ન હોવા છતાં તે કામ પેટેના ૧,૮૯,૪૦૦ રૂપિયાનું ચૂકવણુ કરી દેવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં સરકારી નાણાંનો વેડફાટ થયો હતો જે અંગેની ખરાઈ કર્યા પછી એસીબીની ટીમ દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ગુના હેઠળ અગાઉ જામજોધપુર તાલુકાના ચૂર ગામના પૂર્વ સરપંચ મૂરીબેન નથુભાઈ રાઠોડ તથા નિતેશસિંહ ગંભીરસિંહ જાડેજાની ધરપકડ કરી લઈ તેઓને જેલ હવાલે કરાયા હતા.
જયારે તત્કાલીન અધિક મદદનીશ દર્શન હસમુખભાઈ પરમાર, ઉપરાંત તત્કાલિન તલાટી કમ મંત્રી રવજીભાઈ મનસુખભાઈ ધારેવાડીયાની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેઓ જેલ હવાલે થયા છે. આ પ્રકરણમાં તપાસ દરમિયાન ચુર ગામના પૂર્વ ઉપ સરપંચ કિશોરસિંહ લાલુભા જાડેજાની પણ સંડોવણી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેણે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીન મેળવવા માટે પણ અરજી કરી હતી. પરંતુ હાઇકોર્ટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. અને આરોપી નાસતો ફરતો હતો.
દરમિયાન ગઈકાલે રાત્રે એસીબીની ટીમ દ્વારા જામજોધપુર પંથકમાં ધામા નાખી આરોપી કિશોરસિંહ જાડેજાને પકડી લેવાયો હતો અને તેને જામનગર લઈ આવ્યા પછી તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવતાં તેની વિધિવત ધરપકડ કરી લેવામાં આવી છે. અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. ચુર ગામના ચકચારી પ્રકરણમાં કુલ ધરપકડનો આંક પાંચનો થયો છે.