મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના ભકતોના આસ્થા સ્થાન સમા ૧૪૬ વર્ષ જુના પ્રાચીન મંદિર પંચનાથ મહાદેવના પરિસરમાં લોકોને નજીવા દરે યોગ્ય સારવાર મળી રહે, તેવા શુભ આશયથી રૂપિયા ૩૧ કરોડના ખર્ચે બનેલી ૫૦ બેડની મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલને ખુલ્લી મુકી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, જીવ અને શિવના સંગમ સમા આ શિવ મંદિરમાં આવેલી આધુનિક હોસ્પિટલમાં દર્દીઓની સેવા પણ કરાશે. આજના સમયમાં મેડિકલ સારવાર ખૂબ ખર્ચાળ નીવડે છે, ત્યારે રાહત-નજીવા દરે આ હોસ્પિટલ દર્દીઓનો ઈલાજ કરશે. પંચનાથ હોસ્પિટલ એ ભકતો માટે આસ્થાનું અને દર્દીઓ માટે સારવાર બંનેનું કેન્દ્ર બની છે. એ આનંદની વાત છે કે પંચનાથ ટ્રસ્ટને અનેક દાતાઓ -સેવાભાવીઓ મળ્યા છે, જેના થકી હોસ્પિટલનું આધુનિક બિલ્ડીંગ બની શકયુ છે. હોસ્પિટલનું મિશન સાથે ઉત્તમ રીતે સંચાલન થઈ રહ્યું છે. આ માટે પંચનાથ ટ્રસ્ટના સંચાલકોને મુખ્યમંત્રીએ અભિનંદન આપ્યા હતા. સરકાર માટે આરોગ્ય એ વિકાસની પ્રાથમિકતાના પાયામાં રહેલું છે. એટલે જ સરકાર દ્વારા ગરીબો માટે આયુષ્માન ભારત યોજના, અમૃતમ યોજના ચલાવવામાં આવી રહી છે. જેના થકી પાંચ લાખ રૂપિયાની સારવારનો ખર્ચ સરકાર ચૂકવી રહી છે. “સ્વચ્છ ભારત અભિયાન દ્વારા શૌચાલયોના નિર્માણ, મહિલાઓને દેશી ચૂલાના ધુમાડાથી મુકત કરવા માટે નિ:શુલ્ક ગેસ કનેકશન આપવાની “ઊજાલા યોજના વગેરે તેના ઉદાહરણો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ૨પ લાખથી વધુ લોકોને કોરોનાની રસી અપાઈ ચુકી છે. રાજકોટમાં એઈમ્સ પણ બની રહી છે. આમ આવનારા દિવસમાં ગુજરાત મેડીકલ હબ બનશે
કથાકાર રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, મહાદેવ બિરાજમાન છે, તેવા પવિત્ર સ્થળે આરોગ્ય મન્દિર પણ દર્દીની સેવા-ઉપચાર માટે છે. જે સરાહનીય વાત છે. દાતાઓએ પણ આધુનિક હોસ્પિટલ માટે દાનની સરવાણી વહાવી સામાજિક દાયિત્વ નિભાવ્યું છે. આ તકે દાતા કિશોરભાઈ કોટેચા, ધીરુભાઈ ડોડીયા, અમેરિકા સ્થિત ડો.રામાણી પરિવારનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે પંચનાથ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગ માંકડે અતિ આધુનિક હોસ્પિટલમાં સહયોગ આપનાર સર્વે દાતાઓનો આભાર વ્યક્ત કરીને જણાવ્યું હતું કે આ નવનિર્મિત હોસ્પિટલમાં ભગવાન મહાદેવના આશીર્વાદથી દર્દીઓની સેવા થતી રહેશે.
૧૦૦૮ ચોરસવાર જગ્યામાં ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની સુવિધા ધરાવતી નવનિર્મિત અદ્યતન હોસ્પિટલના દરેક માળ પર છ હજારથી પણ વધારે સ્ક્વેર ફૂટનું બાંધકામ કરવામાં આવ્યું છે. આખું ભવન સંપૂર્ણપણે વાતાનુકૂલિત છે. કોરોના મહામારી સંદર્ભે માસ્ક, સેનીટાઇઝેશન અને સામાજિક અંતરનું આ હોસ્પિટલમાં ચુસ્તપણે પાલન કરવામાં આવશે. બેઝમેન્ટમાં ૪૫૦૦ ચોરસ વારથી પણ વધારે જગ્યામાં પાર્કિંગની સુવિધા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર રાહત દરના મેડીકલ સ્ટોર, રીસેપ્શન કાઉન્ટર, પ્રતિક્ષાલય તથા શુધ્ધ પીવાના પાણીની સગવડ છે. પહેલા માળે જનરલ પ્રેકટીશનર ઉપરાંત ૧૪ નિષ્ણાત તબીબોની સવલત મળી શકશે.
જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્યો સર્વ ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી, ઉપકુલપતિ વિજય દેસાણી, અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મિરાણી, રાજુભાઇ ધ્રુવ, મતી અંજલીબેન રૂપાણી, નાગરિક બેંકના ટ્રસ્ટી જયોતિન્દ્ર મહેતા, પંચનાથ ટ્રસ્ટના મંત્રી તનસુખ ઓઝા સહિતના ટ્રસ્ટીઓ, કાર્યકરો તથા નાગરિકો ઉપસ્થિત રહયા હતા.