ભૂમાફીયા સામેના કાયદાનો અમલ કરી શકાશે? લોકોમાં પૂછાતો પ્રશ્ન
મામલતદાર પ્રાંત અધિકારી, કલેકટર બધુ જાણે છે કોઇ હાથ દઝાડવા ઇચ્છતું નથી
વિસાવદર તાલુકાના સરસઇ ગામમાં સરકારી જમીનમાં ગૌશાળા નામે બંગલા બનાવનારા સામે મામલતદાર, ડે.કલેકટર સહિતનું તંત્ર રાજકીય વગના કારણે પગલા લેવા હિંમત કરી શકતું ન હોવાથી લોકોમાં ચર્ચા થઇ રહી છે.
ગુજરાતમાં જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ (વટહુકમ) ૨૦૨૦ નો અમલ થઇ રહ્યો છે. ત્યારે જુનાગઢ જીલ્લામાં આ કાયદાનો અમલ માત્ર કાગળ ઉપર થઇ રહ્યો છે. જીલ્લાના રેવન્યુ અધિકારીઓ પેશકદમી કરનારાઓને જાહેરમાં છાવરી રહ્યા છે. વિસવાદરના પ્રાંત અધિકારી તથા મામલતદાર કાયદાના ચુસ્તપાલન કરનારા હોય તે રીતે સામાન્ય નાગરીકોને કાયદાનો અમલ કરાવે છે. ત્યારે ભુમાફીયાની કોની સુચનાથી છુટ અપાઇ છે..? તેવો પ્રશ્ર્ન પ્રજામાંથી ઉઠી રહ્યા છે.
વિસાવદર તાલુકાના સરસઇ ગામે નટવરપુરા ગૌશાળામા જાહેર સરકારી જમીન ઉપર આખે આખી ગૌશાળા ઉભી થઇ ગઇ છે. આ બાબતે અનેક વખત સમાચારો પ્રસિઘ્ધ થયા છે. અને અધિકારી આ બાબતે પગલા ભરવા માંગતા હોય તે રીતે વાતો કરે છે, પરંતુ સતાધારી પક્ષના મંત્રીના કહેવાથી કોઇ પગલા લેવાતા નથી.
આ નટવરપુરા ગૌશાળામાં આશરે ૧૦૦ જેટલો ગૌ શાળાના મરણથી ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી ફાટી નીકળી છે, ત્યારે હિન્દુ ધર્મના નામે વાતો કરતા અને મતો મેળવી રાજકારણ કરતા નેતાઓ આ બાબતે મૌન સેવી રહ્યા છે.
ગુજરાતમાં પેશકદમી કરનારા માટે બનેલા કાયદાનો ઉપયોગ શા માટે રેવન્યુ અધિકારી કરતા નથી હજુ પણ જે ગૌ માતાએ મોત સામે ઝઝુમી રહી છે તેની કોઇ ખેવના કરનાર નથી. ગામ લોકો તથા ગૌ પ્રેમીઓ દ્વારા ગાયોને લીો ચારો નાખવા મોકલવામાં આવે છે પરંતુ ટ્રસ્ટનો વહીવટ કરનારાઓ ગાયોને પુરતુ ખાવાનું પણ આપતા નથી કામ કરનારાને પગાર ચુકવાતો નથી.
સરસઇ ગામે નટવરપુરા ગૌશાળા પેશકદમીમાં બની છે તે હકિકત મામલતદાર તથા પ્રાંત અધિકારી અને કલેકટર જાણે છે પરંતુ ટ્રસ્ટીની પહોચ અને નાણાકીય જોરના કારણે કોઇ પગલા લેવાતા નથી. તેવું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.
ગુજરાત સરકારે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મુકતો કાયદો અમલમાં મુકયો છે. આ કાયદાની કદમ ર (સી) માં જમીનમાં અથવા તેની ઉપર મકાનો બનાવનાર કે કબ્જો રાખનાર તેમજ (ડી) મુજબ જમીન પચાવી પાડવી, જમીન પચાવી પાડનાર વ્યકિત ગેરકાયદે કબ્જો લેવા માટે બાંધકામ માટે કે નાણાકીય સહાય કરે કે કબ્જો રાખે તે તમામ ગુનેગાર ગણાય છે. તેમજ (ઇ) મુજબ ગેરકાયદેસ માળખું ઉભુ થયેલું છે. (આઇ) મુજબ બાંધકામની કોઇ મંજુરી મેળવ્યા વગર અનઅધિકૃત બાંધકામ થયેલું છે. તેમજ કલમ (૩) મુજબ જમીન પચાવી પાડવાનું કૃત્ય ગેરકાયદેસર હોવા બાબતની જોગાવાઇ છે.
જયારે કલમ (૪) મુજબ જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ છે, આ કાદાની પેટા કલમ (૪) (૩) મુજબ પેશકદમી કરનારને દોષીત ઠર્યોથી દસ વર્ષથી ઓછી નહિ પણ ચૌદ વર્ષની મુદત સુધીની કેદ તેમજ મિલ્કતોની જંત્રીની કિંમત સુધીના દંડની જોગવાઇ છે.
સરસઇ નટવરપુરા ગૌશાળાના ટ્રસ્ટી સામે શું ફોજદારી કાર્યવાહી કરવાની કોઇ રેવન્યુ અધિકારી હિંમત કરશે ખરા.. કે સતાધારી પક્ષના ઇશારે પક્ષના કાર્યકરોની જેમ પક્ષના મંત્રીઓ પ્રમુખોની સુચનાનો અમલ કરશે..?