સાત વર્ષ પૂર્વે ઠગાઈનો ભોગ બનનારને કચ્છ એલ.સી.બી.ની મધ્યસ્થી બાદ પણ ચીટર રકમ ન ચૂકવી
ઓટોમોબાઈલના ધંધાર્થીએ એસ.પી. સૌરભસિંઘને રજૂઆત કરતા ત્રણ સામે ગુનો નોંધાયો
વર્ષ ૨૦૧૪માં થયેલી ઠગાઇ અંગેની ફરિયાદ વર્ષ ૨૦૧૭માં ભુજ એલસીબી સમક્ષ અપાયા છતાં ગુનો નોંધાયો ન્હોતો. રાજકોટ રહેતા અને ઔટોમોબાઇલ વ્યવસાય સાથે સંકળાયેલ એક વેપારીએ ભુજના કુખ્યાત ચીટર અબ્દુલ કાસમ બજાણીયા સહિત ત્રણ સામે ૯૦ લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. રાજકોટના કુવાડવા રોડ પર રહેતા અને ઔટોમોબાઇલ વ્યવસાય કરતા જયદીપ ચંદુભાઈ પીપળીયાએ ભુજ એ/ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેની સાથે ભુજના કુખ્યાત ચીટર અબ્દુલ બજાણીયાએ વર્ષ ૨૦૧૪માં સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાનું કહીને તારીખ ૨૧/૮/૨૦૧૪ થી તારીખ ૧૫/૯/૨૦૧૪ સુધીના ગાળા દરમિયાન રૂપિયા ૯૦,૦૦,૦૦૦ મેળવી લઈ ઠગાઈ કરી હતી. જયદીપના જણાવ્યા પ્રમાણે તે ધોલેરાના ઓમદેવસિંહ ચુડાસમાના સંપર્કમાં આવ્યો હતો ત્યારે બાદ સસ્તા ભાવનું સોનું લેવા જયદીપે ઈચ્છા વ્યક્ત કરતા ઓમદેવસિંહ ચુડાસમાએ જયદીપને ભુજના ચિટર અબ્દુલ બજાણીયા સાથે સંપર્ક કરાવી આપ્યો હતો. અબ્દુલ બજાણિયા તેના સાગરિત સુલતાન સહિત ત્રણે જણાએ જયદીપને ૯૦ લાખમાં ઉતારી નાખ્યો હતો. આ રીતે ચિતિંગ થયા પછી જયદીપ પીપળીયાએ વર્ષ ૨૦૧૭ ભુજ આવીને ભુજ એલસીબીના તત્કાલિન પી.આઈ. પાસે પોતાની સાથે થયેલ ઠગાઈ અંગે ફરિયાદ રૂપે અરજી આપી હતી પરંતુ તત્કાલીન એલસીબી પી.આઈ. અને પોલીસ કર્મચારીઓ મળી જયદીપ અને ભુજના ચિટર અબ્દુલ બજાણિયા સાથે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી અને અબ્દુલ બજાણીયાને બોલાવી જયદીપ સાથે સમાધાન કરાવી પૈસા પાછા મળી જશે તેવો દિલાસો આપી જયદીપને રવાના કરી દીધો હતો. પરંતુ ફરિયાદીને અત્યાર સુધી આરોપીએ કોઈ પૈસા પરત ન આપતા આખરે ફરિયાદી પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભસિંગ પાસે આવી રજૂઆત કરતા એસ.પી. સૌરભસિંઘે આ ચિટર અને જે તે સમયના પોલીસ કર્મચારીઓ અધિકારીઓ સામે કડક રહે આગળ વધતા આરોપી અબ્દુલ બજાણીયા સહિત ત્રણ સામે ગુનો નોંધાયો છે.