પ્રથમ ઇનિંગની પ્રેરણા લઈ ભારત છેલ્લી ઇનિંગમાં ક્ષમતા પ્રમાણે રમશે તો સિરીઝ બચી જશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી અંતિમ ટેસ્ટ મેચમાં ભારતે ગુમવવાનું ઓછું છે પરંતુ નવોદિતો માટે ઉત્તમ તક સાંપડી છે તેવો અહેવાલ ’અબતક’ દ્વારા અગાઉ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારે અંતિમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં જ આ પ્રકારના દ્રશ્યો સ્પષ્ટ સામે આવ્યા હતા. ભારતના દિગ્ગજ ખેલાડીઓ જ્યારે કાંગારૂની બોલિંગ સામે પ્રદર્શન કરવામાં ઉણા ઉતર્યા ત્યારે ભારતના નવોદિતોએ જાણે કમાલ કરી હતી. સાતમા અને આઠમા ક્રમાંકે બેટિંગ કરવા આવેલા નવોદિત ખેડલાડીઓ શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરે ઓસ્ટ્રેલિયાના પીઢ બોલરોને જાણે માનસિક થકાવી દીધા હોય અને બોલરો પાસે પોતાનો કોઈ તોડ જ ન હોય તે રીતે આત્મવિશ્વાસ સાથે બંને ખેલાડીઓ રમ્યા હતા. બંને ખેલાડીઓએ જે રીતે મેચની કમાન સાંભળી હતી તેને જોતા ચોક્કસ કહી શકાય કે ભારતને આગામી સમયમાં શાર્દુલના રુપમાં નવો કપિલદેવ અને સુંદરના સ્વરૂપમાં મિડલ ઓર્ડરનો આધારસ્તંભ મળી રહ્યા છે.
અંતિમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ઇન્ડિયાની બેટિંગ લાઇનની જો વાત કરવામાં આવે તો ભારતના દિગ્ગજ ખેલાડીઓ જેવા કે, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા ઉણા ઉતર્યા હતા. જે સમયે આ ખેલાડીઓ ટીમને સંભાળવાની હતી ત્યારે જ પીઢ ખેલાડીઓએ મુર્ખતા કરીને આઉટ થયા હતા. રોહિત જે રીતે આઉટ થયો તેને મુર્ખતાભરેલો શોટ કહી શકાય જ્યારે પુજારાએ ગભરામણ આવીને વિકેટ ગુમાવી હતી. ત્યારે વર્ષ ૧૯૮૬-૮૭ માં જ્યારે નવી ટીમ ઇન્ડિયા બની રહી હતી ત્યારે અગ્રીમ હરોળના ખેલાડીઓ ઉણા ઉતરતા અને સાતમા અને આઠમા ક્રમાંકે આવીને કપિલદેવ જેવા ખેલાડીઓ મેચનો રૂખ પલટાવી દેતા તેવા જ દ્રશ્યો ગઈકાલે જોવા મળ્યા હતા. ગઈકાલની બેટિંગ જોઈને એવું કહી શકાય કે આગામી સમયમાં ભારતને વધુ સારી પ્લેઇંગ ઇલેવન મળનારી છે. ભારત એક ઓલ રાઉન્ડરની શોધમાં હતું ત્યારે શાર્દુલ ઠાકુર શ્રેષ્ઠ ઓલ રાઉન્ડર તરીકે મળી આવ્યો છે અને મિડલ ઓર્ડરના બેટ્સમેન તરીકે સુંદરે પરચો બતાવ્યો છે.
ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં બ્રિસ્બેન ખાતે બીજી ઇનિંગ્સમાં ૭ વિકેટે ૨૪૩ રન કર્યા છે. મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ ક્રિઝ પર ઊભા છે. અત્યારે વરસાદના લીધે મેચ અટકયો હતો. કાંગારુંને ફર્સ્ટ ઇનિંગ્સમાં ૩૩ રનની લીડ મળી હતી અને તેઓ ભારતથી ૨૭૬ રન આગળ છે. સ્ટીવ સ્મિથે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખતા કરિયરની ૩૧મી ફિફટી મારી હતી. તેણે ૭૪ બોલમાં ૭ ફોરની મદદથી ૫૫ રન કર્યા હતા. તે સિરાજની બોલિંગમાં ગલીમાં રહાણે દ્વારા કેચ આઉટ થયો હતો. સ્મિથે રિવ્યૂ લીધો હતો પરંતુ તેને પેવેલિયન ભેગું જ થવું પડ્યું હતું. તે પછી કેમરૂન ગ્રીન ૩૭ રને શાર્દુલ ઠાકુરની બોલિંગમાં સેક્ધડ સ્લીપમાં રોહિત દ્વારા કેચ આઉટ થયો હતો.
સિરાજે એક જ ઓવરમાં લબુશેન અને વેડને આઉટ કર્યા
માર્નસ લબુશેન ૨૫ રને મોહમ્મદ સિરાજની બોલિંગમાં સેક્ધડ સ્લીપમાં રોહિતના હાથે કેચ આઉટ થયો હતો. તેના ૨ બોલ પછી જ મેથ્યુ વેડ સિરાજની બોલિંગમાં શૂન્ય રને ડાઉન ધ લેગ કીપર પંત દ્વારા કેચ આઉટ થયો હતો. આ ઇનિંગ્સની ૩૧મી અને સિરાજની ૮મી ઓવર હતી.
ઓસ્ટ્રેલિયન ઓપનર્સ ડેવિડ વોર્નર અને માર્કસ હેરિસે બીજી ઇનિંગ્સમાં ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે ૨૫ ઓવરમાં ૮૯ રનની ભાગીદારી કરી હતી. હેરિસ શાર્દુલની બોલિંગમાં કીપર પંત દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે ૮૨ બોલમાં ૮ ફોરની મદદથી ૩૮ રન કર્યા હતા. તે પછી ડેવિડ વોર્નર સુંદરની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેણે રિવ્યૂ લીધો પરંતુ અમ્પાયરના નિર્ણયને ફેરવી શક્યો નહીં.
પ્રથમ ઇનિંગમાં શાર્દુલ અને સુંદરની ૧૨૪ રનની ’સુંદર’ ભાગીદારી
૧૮૬ રનમાં ૬ વિકેટ ગુમાવ્યા પછી શાર્દુલ ઠાકુર અને વી. સુંદરે ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી. શાર્દુલે પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ ફિફટી ફટકારતા ૧૧૫ બોલમાં ૯ ફોર અને ૨ સિક્સની મદદથી ૬૭ રન કર્યા હતા. તેણે અને સુંદરે સાતમી વિકેટ માટે ૨૧૬ બોલમાં ૧૨૩ રનની ભાગીદારી કરી. શાર્દુલ કમિન્સની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જ્યારે સુંદરે પણ પોતાની ડેબ્યુ ઇનિંગ્સમાં ફિફટી ફટકારતા ૧૪૪ બોલમાં ૭ ફોર અને ૧ સિક્સની મદદથી ૬૨ રન કર્યા હતા.
સુંદરે ૭૩ વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી
સુંદરે પોતાની ઇનિંગ્સ દરમિયાન એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તે ડેબ્યુ ઇનિંગ્સમાં ફિફટી અને ડેબ્યુ બોલિંગ ઇનિંગ્સમાં ૩ વિકેટ લેનાર ભારતનો બીજો પ્લેયર બન્યો છે. તેની પહેલાં ૧૯૪૭/૪૮ માં દત્તુ પડકરે કાંગારું વિરુદ્ધ જ સિડની ખાતે ડેબ્યુ ઇનિંગ્સમાં ૫૧ રન કર્યા હતા અને ૧૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી.