જવાબદારો સામે પગલા લેવાની કોર્ટની તાકીદ બાદ ફૂડ સેફટી ઓફિસરને શો-કોઝ નોટિસ ફટકારતાં મ્યુનિ.કમિશનર
ખાદ્ય સામગ્રીમાં નમુના લેવામાં બેદરકાર કોર્પોરેશનની આરોગ્ય શાખાને મ્યુનિસિપલ કોર્ટ દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે.જવાબદાર સામે પગલાં લેવાની કોર્ટની ટકોર બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફુડ સેફટી ઓફિસરને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની આરોગ્ય આરોગ્ય શાખાના ફૂડ સેફટી ઓફિસર કૌશિક ભાઈ સરવૈયા દ્વારા તારીખ ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ શહેરના કોઠારિયા રોડ પર તિરૂપતિ સોસાયટી શેરી નંબર ૨ માં સાક્ષી ગૃહ ઉદ્યોગ માંથી મોતીચૂરના લાડવાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું.જે પરીક્ષણમાં નાપાસ જાહેર થતા કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો.તારીખ ૨૭ નવેમ્બર ૨૦૧ ના રોજ કોર્ટે આપેલા ચુકાદામાં વેપારીનો નિર્દોષ છૂટકારો થયો હતો અને કોર્પોરેશન કોર્ટમાં કેસ હારી ગયું હતું.આ સમગ્ર પ્રકરણમાં સેમ્પલ લેવામાં અને લેબોરેટરીમાં મોકલવામાં ફૂડ સેફટી ઓફિસર ની બેદરકારી સામે આવી હતી સાક્ષી રજૂ કરવામાં પણ તેઓ નિષ્ફળ નિવડ્યા હતા આ કેસમાં મ્યુનિસિપલ કોર્ટ દ્વારા કોર્પોરેશનની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી અને જવાબદારો સામે પગલા લેવા તાકીદ કરાઇ હતી કોર્ટના હુકમના પગલે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા ફુડ સેફટી ઓફિસર ને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને ખુલાસો રજૂ કરવા તાકીદ કરાઈ છે.