ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી સપનાને પૂરું કરવા માટે સરકારના તમામ ક્ષેત્રો આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યાં છે. કૃષિ પ્રધાન ભારતના અર્થતંત્રના ધરોહર ખેડૂત અને ખેતીના વિકાસ થકી વૃદ્ધિ દરથી લઈ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય તેમ હોવાથી ખેડૂત અને ખેતીને સદ્ધર બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે.

કૃષિ ઉત્પાદન વધારી ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ અને સંલગ્ન વેપાર ક્ષેત્રને પણ વિકસાવવાના પ્રયોજનો થઈ રહ્યાં છે ત્યારે આગામી પાંચ વર્ષમાં રૂા.૨૫ લાખ કરોડનો વેપાર કરવા માટે સરકારે ટેકસટાઈલ્સ ક્ષેત્રના વિસ્તારની એક મહા પરિયોજના હાથ પર લીધી છે. ભારતમાં કપાસનું ઉત્પાદન અને કપાસ સાથે સંકળાયેલા ખેડૂતોની આવક વધારવા માટે ટેકસટાઈલ્સ ઉદ્યોગને વિકસાવવાનું સરકારનું આયોજન અમલીય બની રહ્યું છે. ચીન, વિયેતનામ જેવા મેગા ટેકસટાઈલ્સ પાર્ક ધરાવતા દેશોની જેમ જ ભારતમાં ૫૯ જેટલા સરકારી મેગા ટેકસટાઈલ્સ પાર્ક ૨૫ લાખ કરોડ રૂપિયાનો ધંધો ૨૦૨૫-૨૬માં રળવા માટે સરકારે ચક્રોગતિમાન કર્યા છે.

કાપડ મંત્રાલયે કેબિનેટમાં મોકલેલી દરખાસ્તમાં રાષ્ટ્રીય કાપડ નીતિને લઈને ભારત વૈશ્ર્વિક કક્ષાના ઉત્પાદન અને નિકાસકાર બને તેવા આયોજનની દરખાસ્ત મોકલી છે.  નવી કાપડ નીતિને લઈને દેશમાં વેપાર-ઉદ્યોગ હાથસાળ, હેન્ડલુમ અને કાપડના નિકાસ માટે એક નવું અને સાનુકુળ વાતાવરણ ઉભુ થશે. સરકારની મેગા ઈન્ટરગ્રેટેડ ટેકસટાઈલ્સ રીઝીયન એન્ડ એપેરલ ‘મિત્રા’ પરિયોજના ટેકસટાઈલ્સ ઉદ્યોગના રોકાણ, વિકાસ અને વેપારની સાથે સાથે નિકાસ ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવશે.

ચીન અને વિયેતનામ અને ઈથોપીયા જેવા ટેકસટાઈલ્સ ઉદ્યોગના હબ ગણાતા દેશોની જેમ જ ભારતમાં ૭ ટેકસટાઈલ્સ પાર્ક ઉભા કરવા માટે ૧૦૦૦ એકર જમીનનું સંપાદન, પાણી, વિદ્યુત અને સ્થાનિક સંશાધનોના વિકાસ માટે કાર્ય હાથ ધરાશે. ભારતમાં મિત્રા પરિયોજના અંતર્ગત ૫૯ ટેકસટાઈલ્સ પાર્ક મંજૂર કરવામાં આવ્યા છે. તેમાંથી ૨૨ જેટલા તૈયાર થઈ ગયા છે અને બાકીના ટેકસટાઈલ્સ પાર્ક ઝડપથી પૂરા થાય તે માટે ચક્રોગતિમાન થયા છે. સરકારના સ્કીમ ફોર ઈન્ટેગ્રેટેડ ટેકસટાઈલ્સ પાર્ક અંતર્ગત ૨૦૦૫માં આંતર માળખાકીય સુવિધા ઉભી કરી ટેકસટાઈલ્સ ઉદ્યોગોને વિકસાવવા યોજના અમલમાં મુકી હતી.

સરકારી અને ખાનગી ભાગીદારીથી સરકાર ૪૦ ટકા જેટલી સહાય ૪૦ કરોડ રૂપિયાની મર્યાદામાં આપતી હતી. હવે સાત મેગા ટેકસટાઈલ્સ પ્રોજેકટથી ૫ વર્ષમાં ૨૫ લાખ કરોડ રૂપિયાનો વેપાર કરવા માટે સરકાર મેદાનમાં આવી છે.

ભારત અને તેમાં પણ ગુજરાતનો કપાસ એટલે ‘સફેદ સોનુ’

cotton

ફૂલ મેં ફૂલ કાઈકા… અચ્છા ફૂલ કપાસકા… ફૂલને સુગંધ સ્વરૂપ અને મોહનો પ્રતિક માનવામાં આવે છે. તેમાં સૌથી સારા ફૂલની ગણના થાય તો તે કપાસના ફૂલ ગણવામાં આવે છે. કપાસના ફૂલથી જ માનવનું તન ઢંકાયું, ખેડૂતોને રોજગારી મળી અને વિશ્ર્વ આખુ સુંદર બન્યું. વિશ્ર્વના કપાસ ઉત્પાદનમાં ભારત અને ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રનો કપાસ ગુણવત્તાની રીતે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સૌરાષ્ટ્રના કપાસના લાંબા રેસા, ઉજળો વાન કાપડ ઉત્પાદનમાં સૌથી વધુ ઉતારો આપનાર ગણાય છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કપાસ માટે યોગ્ય જમીન અને પાણી ઉપલબ્ધ છે. આથી જ અમદાવાદ ટેકસટાઈલ્સ ઉદ્યોગનું માનચેસ્ટર બન્યું હતું. સુરતનો સાડી ઉદ્યોગ હોય કે જેતપુરનો બાંધણી ઉદ્યોગ કપાસની ખેતીને આભારી છે ત્યારે અમદાવાદથી રાજકોટ વચ્ચે જો ક્યાંક ટેકસટાઈલ્સ પાર્કનું નિર્માણ થાય તો કપાસની ખેતીનો ગુજરાતમાં ફરીથી યુગ આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.