શાદી ડોટ કોમ પરથી લગ્ન વાચ્છુકની વિગતો મેળવી કારસો ઘડ્યો
ઓનલાઈન ખરીદી કરતા વખતે છેતરપિંડી થાય છે. પણ હવે તો કોઈ વ્યક્તિ પોતાના જીવનસાથી શોધવા માટે ઓનલાઈન પ્રયાસ કરે તો ત્યાં પણ નાણાકીય છેતરપિંડી થતી હોવાનું બહાર આવ્યું છે. સાઈબર ગુનેગારો લગ્ન કરાવતી વેબસાઈટ પરથી માહિતી મેળવી ઠગાઈ કરતા હોવાનું ખુલ્યું છે. આવી ઠગાઈ કરતા નાઈઝીરીયન દંપતિની પોલીસે ધરપકડ કરી છે.
જામનગરની સાઇબર ક્રાઇમ સેલની ટીમને ઇન્ટરનેટના માધ્યમથી જામનગરની જ એક મહિલા સાથે રૂપિયા ૩૬ લાખની છેતરપિંડી આચરનાર આરોપી સુધી પહોંચવામાં મોટી સફળતા સાંપડી છે, અને ઇલેક્ટ્રોનિક વીજાણુઓના માધ્યમોના આધારે તપાસનો દોર દિલ્હી સુધી લંબાવી, ત્યાંથી એક નાઇજીરિયન નાગરિક અને તેની પત્નીને પકડી લઈ જામનગર લઈ આવ્યા છે અને પાંચ દિવસના રીમાન્ડ પર લીધા છે. જ્યારે તેઓ પાસેથી બેન્કના એટીએમ કાર્ડ, ટેબ્લેટ, લેપટોપ, સહિતની અનેક સામગ્રી અને ઠગાઇના પૈસાથી ખરીદ કરેલા ઘરેણાં વગેરે કબજે કરી લીધા છે. જે દંપતીએ અન્ય રાજ્યોમાં પણ અનેક લોકોને શીશામાં ઉતાર્યાની હોવાનું જાણવા મળી રહ્યું છે.જામનગરમાં રહેતી એક શિક્ષીકાએ ગત જાન્યુઆરી ૨૦૨૦માં સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પોતાની સાથે શાદી.કોમના નામે લગ્ન કરાવી આપવાના બહાને ૩૬,૮૨,૫૦૦ જેટલી રકમ કટકે-કટકે પડાવી લઇ વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદની તપાસ જામનગરની સાઇબર ક્રાઇમને સોંપવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક વિજાણુના જુદા જુદા માધ્યમોની મદદથી સાયબર સેલની ટીમે તપાસનો દોર છેક દિલ્હી સુધી લંબાવ્યો હતો અને ત્યાં ધામા નાખી છેતરપિંડી આચરનાર એક નાઇજીરિયન નાગરિક અને તેની પત્નીની અટકાયત કરી લીધી હતી. જ્યારે તેઓના રહેણાંક મકાનમાંથી લેપટોપ, ટેબલેટ, સહિતની સામગ્રી કબજે કરી લીધી હતી.સાઇબર સેલની ટીમે ઉપરોક્ત કેસ બાબતે ખૂબ જ ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી અને સાયબર સેલના ઇન્ચાર્જ પીઆઇ કે.જે ભોયે ઉપરાંત હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ બિપિનકુમાર દેસાણી વગેરેએ દિલ્હીમાં જનકાર રોડ કુતુબબિહાર જિલ્લો -દ્વારકા મા એક ભાડાના રહેણાંક મકાનમાં રહેતા નાઇજીરિયન નાગરિક જહોન ચીબુઝોર ઇઝરાયેલ તથા તેની પત્ની સવિતા ઇરપ્પા વાલેકરની અટકાયત કરી લીધી હતી. તેઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી જામનગર લઈ આવ્યા હતા. અને જામનગરની અદાલત સમક્ષ રજુ કરી પાંચ દિવસના રીમાન્ડ પર લીધા છે.
સાયબર સેલની ટીમે તેઓના રહેણાંક મકાનમાંથી ૧૩ જેટલા ટેબલેટ અને મોબાઈલ ફોન, ઉપરાંત અલગ અલગ કંપનીના સીમકાર્ડ, ૩ નંગ પેન ડ્રાઈવ, છ નંગ મેમરી કાર્ડ, જુદી જુદી બેંકના ૧૪ નંગ એટીએમ કાર્ડ, જુદા જુદા પાંચ નંગ સરકારી ઓળખકાર્ડ, ૧ નંગ હુન્ડાઈ કંપનીનું ટીવી, અલગ અલગ કંપનીના ત્રણ નંગ રાઉટર, બે નંગ હોટસ્પોટ, એક લેપટોપ, એક સ્પીકર, તેમજ છેતરપિંડીથી મેળવેલી રકમ માંથી ખરીદ કરેલા એક લાખ ૨૭ હજારની કિંમતના ઈમીટેશન જ્વેલરી ના ઘરેણા, જ્યારે ૧,૨૨૦ રૂપિયાની રોકડ રકમ મળી ૧.૯૧ લાખની માલમતા કબ્જે કરી લઇ સાયબર સેલની ટીમ દ્વારા સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. શાદી.કોમના નામે વેબસાઈટ પરથી જામનગરની ફરિયાદી મહિલાનું નામ સરનામું અને મોબાઈલ નંબર મેળવી લઈ તેની સાથે લગ્નના નામે છેતરપીંડી કરવાનું શરૂ કર્યું હતું. અને જુદા જુદા પાર્સલો મોકલવાના બહાને કસ્ટમ ડ્યુટી ભરવાના બહાના હેઠળ અલગ અલગ સમયે ૩૬,૮૨,૫૦૦ જેટલી રકમ જુદા જુદા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. જે ચીટર દંપતીએ જામનગર ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ અનેક લોકોને શીશામાં ઉતાર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જે અંગે બંનેની ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. ઉપરોક્ત સમગ્ર કામગીરી જામનગરના મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ સાઈબર ક્રાઇમ સેલના ઈન્ચાર્જ વગેરેએ કરી હતી.