ગુજરાતની કર્મયોગી ભૂમિમાં કામ કરવાવાળો ક્યારેય ‘નવરો’ રહેતો નથી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં દરેક ક્ષેત્રમાં કર્મશીલ કર્મચારીઓની ઘટ જ રહે છે, હા ગમતા કામ માટે પ્રતિક્ષા કરવી પડે છે
દુનિયા મેં રહેના હે તો ‘કામ કર’ પ્યારે… જીવનની ઘટમાળ અને સામાજીક વ્યવસ્થામાં કર્મ કરવાનું સત્ય સનાતન બની રહ્યું છે. સંસારમાં કોઈ કામ વગરનું રહે નહીં તેની કુદરતી વ્યવસ્થા સમાજના દરેક વર્ગને પણ લાગુ પડે. દરેક હાથને કામ મળી જ જાય. કુદરતની પોષણ વ્યવસ્થામાં એક કહેવત છે કે, દાંત દીધા હોય તેને ચાવવાનું મળી જ જાય. બીજા શબ્દોમાં કહીએ તો હાથ આપવા વાળો કામ પણ આપી જ દે. હા એ વાત અલગ છે કે કેટલાક લોકોને કરવું હોય તે કામ નથી મળતું અને મન મારીને કામ કરવા અંગેનો અસંતોષ વેઠવો પડે છે. કર્મશીલ સામાજિક વ્યવસ્થામાં ગમતુ કામ બધાને નથી મળતું એ વાત અલગ છે પરંતુ કુદરતી વ્યવસ્થા અને સિદ્ધાંતો મુજબ કોઈ કામ વગર રહેતું નથી.
અલબત તાજેતરમાં આવેલા એક રાષ્ટ્રીય સર્વેમાં ગુજરાતમાં ૨૦૧૧-૧૨માં ૧૦૦ એ ૩ વ્યક્તિની બેરોજગારીનો નીચો દર અત્યારે વધીને ૧૦૦૦ એ ૩૩ સુધી એટલે કે, ૨૦૧૮-૧૯ના વર્ષમાં બેરોજગારીનો દર ૧૧ ગણો વધ્યાના શહેરી વિસ્તારના આંકડાઓ બહાર પડ્યા છે. બેરોજગારીનો દર ૨૦૧૧-૧૨માં ૧૦૦૦ વ્યક્તિ દીઠ ૮ હતો તે વધીને ૨૦૧૮-૧૯માં ૧૦૦૦ વ્યક્તિ દીઠ બેરોજગાર વ્યક્તિની સંખ્યા ૩૨એ પહોંચી હતી. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બેરોજગારી ઘટાડવા માટે રોજગાર મેળા જેવા આયોજનો કર્યા છે અને યુવાનોને રોજગારીની તકો ઉભી કરી હતી પરંતુ આવી રોજગારી કરતા યુવાનોને એક વર્ષ પછી જ તેમના કામથી દૂર કરી દેવામાં આવ્યા હતા. જો કે, આ આંકડા બેરોજગારીનો ખાનગી ક્ષેત્રના દર સાથે સુસંગત નથી.
૨૦૧૧-૧૨માં સર્વે મુજબ ૧૦૦૦ એ ૩૪ અને પછી ૨૦૧૮-૧૯માં આ આંકડો ૭૭એ પહોંચ્યો હતો. ગુજરાતનાં ગ્રામ્ય વિસ્તારમાં બેરોજગારીનો આંકડો પુરૂષમાં ૩૪ અને મહિલાઓમાં ૨૫ હજો. જ્યારે શહેરી વિસ્તારમાં પુરૂષ ૧૮ અને મહિલા ૩૮ બેકારોની શ્રેણીમાં આવતી હતી. ગુજરાતની સરખામણીમાં શહેરી બેરોજગારીનો દર કર્ણાટકમાં ૧૦૦૦ એ ૫૨, મહારાષ્ટ્રમાં ૬૪, તામિલનાડુમાં ૬૭, આંધ્રપ્રદેશમાં ૭૩, હરિયાણામાં ૮૭ અને કેરળમાં ૯૭ બતાવવામાં આવ્યો છે. આ તમામ આંકડામાં ગુજરાતની પરિસ્થિતિ સારી બતાવવામાં આવી છે. જો કે, ટેકસ કલેકશનમાં લોકડાઉન અને ત્યારબાદની પરિસ્થિતિમાં નાના અને મધ્યમ ઉદ્યોગમાં આવેલી ઓટ અને ઘરમાંથી કામ કરવાની ઉભી થયેલી સવલતથી બેરોજગારીનો આંકડાનો તાગ મેળવી શકાય. માર્ચથી ઓગષ્ટ મહિના દરમિયાન ઉદ્યોગો બંધ રહ્યાં હતા. ત્યારબાદ ફરીથી કામ શરૂ થયું ત્યારે વિસ્થાપિત મજૂરોની બેકારીનો પ્રશ્ર્ન તરત જ ઉકેલાય ગયો હતો.
સર્વે મુજબ ગુજરાતમાં બેકારીનો દર ગામડાઓમાં ૧૧ ગણો અને શહેરમાં ૪ ગણો વધ્યો હોવાનું બતાવવામાં આવે છે પરંતુ વાસ્તવિક ધોરણે ગુજરાતની પરિસ્થિતિ અલગ છે. ગુજરાતના મોટાભાગના ગામડાઓ કૃષિ અને સ્થાનિક ઉદ્યોગો પર નભી રહ્યાં છે. દરેક હાથને કામ આપવાની કુદરતની પરંપરા ગુજરાતમાં સવિશેષ લાગુ પડતી હોય તેમ અહીં સર્વે અને અંદાજના આંકડા ભલે બેકારીનો દર ૧૧ ગણો વધ્યાનું બતાવે પરંતુ વાસ્તવિક ધોરણે કામ કરનાર ક્યારેય બેકાર રહેતો નથી. ગુજરાતના દરેક ક્ષેત્રમાં કાબેલ શ્રમિક કામદાર કે, શિક્ષીત યુવાનોને કામ વગર રહેવું પડતું નથી. યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ ન મળે તે વાત અલગ છે પરંતુ ગુજરાતમાં દરેક હાથને કામ મળી જ જાય તેવી કુદરતી વ્યવસ્થાનો સમન્વય જોવા મળે છે. ગુજરાતમાં કામ કરવાવાળા બેકાર રહેતા નથી પણ સારૂ કામ ગોતવાવાળાને ગમતુ કામ મળતું ય નથી. ગુજરાતમાં બેરોજગારી નહીં પરંતુ સક્ષમ રોજગારીની ખોટ વર્તાય છે.
ગુજરાતમાં કામ કરવાની ધગશ રાખનાર ક્યારેય બેકાર રહેતા નથી
અત્યારની પરિસ્થિતિમાં પણ દરેક ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં માત્ર ખેતી જ નહીં વિવિધ પ્રકારની ઉદ્યોગો અને વ્યવસાયીક ક્ષેત્રે હંમેશા યોગ્ય કામદારોની અછત જ રહે છે. દરેક ક્ષેત્રમાં માણસોની ઘટ સામાન્ય સમસ્યા બની છે. હા ભણેલ-ગણેલ અને પસંદગીના કામનો આગ્રહ રાખનાર યુવાનોને ગમતા કામ મળવાની ટકાવારી ખુબજ ઓછી છે. જે ભણેલ-ગણેલ લોકો મળે તે કામ કરવા તૈયાર છે તેમાંથી કોઈ બેકાર રહેતું નથી.