પીઆરએલ તથા જેમિની વેધશાળાની આ નવી શોધથી ૩૫૦ વર્ષ જૂના રહસ્ય પરથી વધુ એક નવો પડદો ઉંચકાયો
આજ થી લગભગ ૩૫૦ વર્ષ જૂની વાત છે. એન્થેલ્મ વોઇતુરેટ નામના એક ફ્રેંચ સંત તથા ખગોળશાસ્ત્રી એ આકાશ માં એક તેજસ્વી ચમકારો જોયો. એ વખતે અવકાશ વિજ્ઞાન તેટલું વિકસિત નહોતું. પરંતુ આ કુશળ ખગોળશાસ્ત્રી એ વિશ્વ માં સૌપ્રથમ ચલિત તારાઓ ના સ્થાન તથા દશા દર્શાવતા એક નકશા(ઇફેમરિસ) નું નિર્માણ કર્યું. એન્થેલ્મ એ જોયેલ આ તેજસ્વી ચમકારો થોડા મહિનાઓ માં ધ્રુવ તારા જેટલો તેજસ્વી થઈ ગયો. આ નોંધપાત્ર ઘટના પર તે સમય ના બીજા ખગોળશાસ્ત્રીઓ નું ધ્યાન ગયું. જોહનસ હેવેલીઔસ અને ગીઓવની કસીની એ એક વર્ષ ના સમયગાળા માં આ ચમકારો વિલીન થયો ત્યાં સુધી તેના પર અભ્યાસ કર્યો. સ્વચ્છ આકાશ માં ઉત્તર દિશા માં દેખાયેલ આ આ ચમકારો વિશ્વ ના સૌથી પહેલા શોધાયેલા ‘નોવા’ નું ઉદાહરણ હતો.
આપણે સહુ જાણીએ છીએ કે રોજ આપણું અર્ઘ્ય સ્વીકારતા સૂર્યદેવ એક તારા સ્વરૂપે પૃથ્વી થી કરોડો કિલોમીટર દૂર છે. પરંતુ શું તમે એ જાણો છો કે સૂર્યદેવ ની ઉમર કેટલી છે? બ્રમ્હાંડ માં આવેલ દરેક તારાઓ ની ઉમર જાણી શકાય છે. આપણાં સૂર્યદેવ પણ એક તારા જ છે જેમની ઉમર લગભગ સાડા ચાર અબજ વર્ષ ની છે! વાત અહી એ છે કે જેમ આપણાં જીવન માં બાળપણ, યુવાવસ્થા તથા વૃદ્ધાવસ્થા આવે છે તેમ તારાઓ ના જીવન માં પણ અલગ અલગ અવસ્થાઓ આવે છે, જેને ખગોળશાસ્ત્ર માં અલગ અલગ રીતે સમજાવામાં આવે છે. નેબ્યૂલા નામ થી ઓળખાતા વાયુઓ ના વાદળ થી જનમતા તારાઓનો જીવનકાળ નોવા અથવા સુપર નોવા નામથી ઓળખાતા પ્રચંડ વિસ્ફોટ થી પૂર્ણ થાય છે. આ ઉપરાંત તારાઓ ને તેમના રંગ અને કદ ના માપદંડ થી પણ વિભાજિત કરવામાં આવે છે. જો એક વૃદ્ધ તારો સૂર્ય કરતાં ૧૦ થી ૫૦ ગણું કદ ધરાવે છે તો તેને જાયંટ સ્ટાર કહેવાય છે. જો કોઈ તારા નું કદ સૂર્ય કરતાં ૧૦ માં ભાગનું હોય તો તેને વ્હાઇટ ડવાર્ફ કહેવાય છે. આ જ રીતે જો કોઈ તારા નું કદ સૂર્ય કરતાં ૫૦ થી ૫૦૦ ગણું હોય તો તેને સુપર જાયંટ કહેવાય છે. જોડિયા તારાઓ નું પણ અસ્તિત્વ હોય છે. કોઈ ૨ તારાઓ જો એક જ કેન્દ્ર ને ફરતે ભ્રમણ કરતાં હોય તો તે જોડિયા તારાઓ કહેવાય છે.
બ્રમ્હાંડ ના રંગમંચ ની અનેરી ઘટના
ઇ.સ. ૧૬૭૦ માં એક એવી સંભવિત ઘટના બની જે કદાચ ઉત્તર દિશા માં દેખાયેલ તેજસ્વી ચમકારા નું કારણ હતી. વુલ્પેકુલા(ટીહાયભીહફ) નામના નક્ષત્ર માં આવેલ બંને જોડિયા તારાઓ માના એક વ્હાઇટ ડવાર્ફ(વૃદ્ધ તારો જે સૂર્ય ના ૧૦ માં ભાગ નું કદ ધરાવે છે) ની પોતાની ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા ક્ષીણ થઈ રહી હતી. તેના ગુરુત્વાકર્ષણ ને લીધે તે તેના જોડિયા તારા પાસે થી દ્રવ્ય અને ઉર્જા પોતાના કેન્દ્ર સુધી ખેંચી રહ્યો હતો. આ વ્હાઇટ ડવાર્ફ પોતાના જોડિયા તારા પાસે થી મળેલ હાઇડ્રોજન પોતાના કેન્દ્ર માં પરમાણુ સંલયન પ્રક્રિયા માં વાપરી શકે. પરંતુ તે પોતાના કેન્દ્ર પર વધુ પડતી ઉર્જા અને દ્રવ્ય ખેંચી લે છે. આ કારણે તેનું કેન્દ્ર એક પ્રચંડ વિસ્ફોટ માં પરિણામે છે. આ વિસ્ફોટ લાંબા સમય સુધી ચાલી શકે. આ જ કારણે ઇ.સ. ૧૬૭૦ માં જોવા મળેલ ચમકારો લગભગ એક વર્ષ સુધી જોવા મળ્યો હતો. આ સંપૂર્ણ ઘટના નોવા તરીકે ઓળખાય છે. જ્યારે એક સૂર્ય જેવો તારો પોતાની વૃદ્ધાવસ્થા માં પોતાના જોડિયા તારા પાસેથી વધુ પડતી ઉર્જા ખેંચી લે છે ત્યારે તેનું કેન્દ્ર આ ઉર્જા ના લીધે એક પ્રચંડ વિસ્ફોટ માં પરિણામે છે. તે સમય ના સંખ્યાબંધ પ્રયોગો આ ઘટના ને આલેખતા હતા.
વિવિધ ખગોળશાસ્ત્રીઓ એ આ ઘટના ને વિશ્વ ના સૌપ્રથમ શોધાયેલ નોવા તરીકે આલેખી. તે સમય ના શ્રેષ્ઠ ખગોળશાસ્ત્રી તથા ચંદ્ર ની નકશાવીસી ના પિતામાહ હવેલીઔસ દ્વારા આ ઘટના નું વર્ણન કરવા માં આવ્યું. હવેલીઔસ એ વુલ્પેકુલા(જેને લિટલ ફોક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે) નામના નક્ષત્ર ની શોધ કરી હતી. આ નક્ષત્ર જાણે કોઈ શિયાળે મોંમાં દબાવેલ હંસ જેવુ ચિત્ર જણાય છે. હવેલીઔસ એ આ ઘટના ને એક નવા તારા સ્વરૂપે વુલ્પેકુલા નક્ષત્ર માં આવેલ આ હંસ ની ડોક ની નીચે દર્શાવ્યું હતું.
પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત!!
ઉત્તર દિશા ના આ ચમકારા નું રહસ્ય આટલું સહેલું નહોતું. વર્ષ ૨૦૧૫ માં મેક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યૂટ ના વૈજ્ઞાનિકો એ પોતાના એક સંશોધન પત્ર માં આ ચમકારા ને નોવા ની ઘટના હોવા નું નકાર્યું. તેમના સંશોધન મુજબ કરોડો કિલોમીટર દૂર આ ઘટના ને ઇ.સ. ૧૬૭૦ માં નરી આંખે જોઈ શકાઇ હતી. જો આ ઘટના એટલી પ્રચંડ હોય તો તેને નોવા ના ગણી શકાય. તેમણે આ ઘટના ને બે તારાઓ વચ્ચે ના અથડામણ તરીકે દર્શાવી. સૂર્ય સમાન કદ ના ૨ તારાઓ વચ્ચે અથડામણ થવાથી આ તેજસ્વી ચમકારો જોવા મળ્યો હોય શકે. આ સાથે આ ઘટના ફરી એક રહસ્ય બની ને રહી ગઈ. ૨૦૧૮ માં આ જ વૈજ્ઞાનિકો એ એક નવું તથ્ય બહાર પાડ્યું જેણે આ ઘટના માં આવેલ તારા ને રેડ જાયંટ તરીકે ઓળખ અપાવી. તેના પુરાવા રૂપે ત્યાં નોંધાયેલ રેડિયોએક્ટિવ એલ્યુમિનિયમ હતું.
દુનિયા ભર ના ખગોળશાસ્ત્રીઓ નું માથું ચકરાવી દેતી આ ઘટના સી કે વુલ્પેકુલે નામથી ઓળખાય છે. તાજેતર માં આ કોયડા ને એક લેવલ વધુ અઘરો કરી દે તેવું તથ્ય બહાર પડ્યું છે. આ તથ્ય બીજા કોઈ નહીં પણ આપણી જ આગવી ભારતીય સંસ્થા પીઆરએલ તથા હવાઈ ખાતે આવેલ જેમીની વેધશાળા એ બહાર પાળ્યું છે. પીઆરએલ તથા જેમિની વેધશાળા ની આ નવી શોધ થી ૩૫૦ વર્ષ જૂના રહસ્ય સામે વધુ એક નવો પડદો છવાયો છે. પીઆરએલ ના વૈજ્ઞાનિક શ્રી દીપાંકર બેનેરજી ના નેતૃત્વ હેઠળ એક ટુકડી સી કે વુલ્પેકુલે ના ૨૦૧૮ માં આલેખાયેલ તથ્યો ને ફરી તપાસવા નો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમની મુશ્કેલી ને સરળ કરવા તેમણે પોતાના અવલોકન ને સી કે વુલ્પેકુલે ની આસપાસ આવેલ નેબ્યૂલા(બ્રમ્હાંડ માં આવેલ વાયુ ના વાદળો જે તારાઓ બનવા માં મદદરૂપ થાય છે) સુધી બહોળું કર્યું. આ સમગ્ર પ્રક્રિયા માં તેમણે આ વર્ષો જૂના રહસ્ય ને વધુ ઊંડાણ માં ધેકેલી દેતું તથ્ય જાણવા મળ્યું. જે રહસ્ય ને ૨૦૧૮ ના સંશોધન બે તારાઓ વચ્ચે ના અથડામણ તરીકે ઓળખાવતું હતું તે ખરેખર કોઈ બીજી જ ઘટના છે. ખરેખર તો સીકે વુલ્પેકુલે અત્યાર સુધી આલેખાયેલ અંતર કરતાં લગભગ ૫ ગણું વધારે દૂર છે! આ સાથે તે લગભગ ૨૫ ગણું વધારે પ્રચંડ બની જાય છે!
ભારત ના વૈજ્ઞાનિકો ની આ શોધખોળ એક અનેરી સિધ્ધી તરીકે આંકી શકાય. સીકે વુલ્પેકુલે ને અત્યાર સુધી દુનિયાભર ના વૈજ્ઞાનિકો તથા ખગોળશાસ્ત્રીઓ ખોટા અંતર થી માપી રહ્યા હતા. ભારત ના વૈજ્ઞાનિકો ની ટુકડી એ અત્યાર સુધી થયેલી આ ભૂલ ને વાસ્તવિક તથ્યો તથા અવલોકન થી સુધારી છે.
સીકે વુલ્પેકુલે એક એવો અવકાશીય પદાર્થ છે જે વિશ્વભર ના વૈજ્ઞાનિકો નું માથું ચકરાવી રહ્યો છે. બ્રમ્હાંડ ના રંગમંચ નું એક રહસ્યમય મોતી ક્યાં રહસ્યો ખોલશે તે ભવિષ્ય માં આપણાં મન ને આશ્ચર્ય થી ભરી દેશે.
સમય કોષ્ટક
- ઇ.સ. ૧૬૭૦: આકાશ ના ઉત્તર ભાગ માં એક રહસ્યમય ચમકારો
- ઇ.સ. ૨૦૧૫: મેક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સીકે વુલ્પેકુલે ના રહસ્ય પાછળ નું સંશોધન.
- ઇ.સ. ૨૦૧૮: મેક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સીકે વુલ્પેકુલે ઘટના ના એક તારા ને રેડ જાયંટ તરીકે ની ઓળખ
- ઇ.સ ૨૦૨૦: પીઆરએલ અને જેમીની વેધશાલા દ્વારા સીકે વુલ્પેકુલે નું પૃથ્વી થી વાસ્તવિક અંતર ની શોધ