૧૫૦ ફૂટ રીંગ રોડ પર રામાપીર ચોકડી, નાના માવા સર્કલે બનનારા ઓવરબ્રિજ, કેકેવી ચોકમાં મલ્ટીલેવલ બ્રિજ અને જડ્ડુસ રેસ્ટોરન્ટ ચોકમાં બનનારા ઓવર બ્રીજનું પણ ખાતમુહૂર્ત કરવા માટે મુખ્યમંત્રી પાસે મંગાશે સમય
ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા સતત ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગો પર અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે શહેરના રૈયા રોડ પર આમ્રપાલી રેલવે ફાટક પાસે કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણધીન અંડર બ્રિજનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ જવાની આરે છે.કમુરતા ઉતરતાની સાથે જ આમ્રપાલી બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે.આ ઉપરાંત અલગ અલગ ચાર બ્રિજના ખાતમુહૂર્ત અને ૩ વોટર હેડ વર્ક્સ ના લોકાર્પણ માટે મુખ્યમંત્રી પાસે સમય માગવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
શહેરના રૈયા રોડ પર આમ્રપાલી રેલવે ફાટક પાસે કરોડો રૂપિયાના ખર્ચે અંડર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે.રેલવે દ્વારા બનાવામાં આવી રહેલા આ બ્રિજનું મોટાભાગનું કામ હાલ પૂર્ણતાના આરે છે.એક સપ્તાહ પૂર્વે મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે બ્રિજના કામની સ્થળ વિઝીટ કર્યા બાદ એવી ઘોષણા કરી હતી કે આમ્રપાલી બ્રિજ જાન્યુઆરી માસમાં લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. દરમિયાન હવે બ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ જવા પામ્યું હોય કમુરતા ઉતારવાની સાથે જ આ બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મૂકી દેવા માટે મહાપાલિકા દ્વારા ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રામાપીર ચોકડી અને નાના મોવા સર્કલ ખાતે બનાનરા ઓવરબ્રિજ , જ્યારે કે.કે.વી સર્કલ પાસે કોટેચા ચોકથી લઇ આત્મીય કોલેજ સુધી મલ્ટીલેવલ ઓવરબ્રિજ બનાવવામાં આવનાર છે અને કાલાવાર રોડ પર જડડૂસ રેસ્ટોરન્ટ વાળા ચોક ખાતે પણ ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે .જેનો કોન્ટ્રાક્ટ ફાઈનલ થઇ ગયો છે.આ ચાર અલગ-અલગ બ્રિજના ખાતમુહૂર્ત માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસે સમય માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.પાંચ વર્ષ પૂર્વે પાલિકાની હદમાં ભરેલા કોઠારીયા અને વાવડી ગામમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અહીં વોટર હેડ વર્ક્સનું નિર્માણ કરાયું છે. જ્યારે ગાર્ડન ખાતે પણ એક વોટર વર્કસ વોટર હેડ વર્કસનું કામ પૂર્ણ થઇ ગયું છે જેનું પણ કમુરતા ઉતરતા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી દેવામાં આવશે.મહાપાલિકાની ચૂંટણીની તારીખોનું એલાન થતાની સાથે આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે આવામાં આચારસંહિતા અમલમાં આવે તે પૂર્વે આમ્રપાલી બ્રીજનું લોકાર્પણ અને અન્ય ચાર બ્રિજ તથા ૩ વોટર હેડ વર્ક્સનું ખાતમુહૂર્ત કરી દેવા માટે મહાપાલિકા દ્વારા તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યું છે.