સત્યાગ્રહ હવે હઠાગ્રહના માર્ગે ?: કાનૂન માટે જ કાનૂન ભંગ !
કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ બીલ પરત ખેંચી લેવાની માંગ સાથે ખેડૂતોનું ચાલી રહેલુ આંદોલન હિંસાના માર્ગે વળી રહ્યું હોય તેમ હરિયાણા પોલીસે રવિવારે સાંજે દિલ્હી તરફ કુચ કરવાની પેરવી કરતા ખેડૂત નેતાઓને રેવાણી જિલ્લાના મેસાણી ચેકપોસ્ટ પાસે બળપ્રયોગ કરીને રોકવાનો પ્રયાસ કરતા આંદોલનકારી અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના મંડાણ થયા હોય તેવી પરસ્થિતિ ઉભી થઈ છે.
કોઈપણ સંજોગોમાં દિલ્હી પહોંચવાની પેરવી કરી રહેલા ખેડૂતોના ટોળાએ રવિવારની સાંજે ભુડીયા શિવાંગી ગામ પાસે દિલ્હી જવાના રસ્તે આગેકુચ શરૂ કરી ત્યારે દિલ્હી-જયપુર હાઈવે પર પોલીસે આંદોલનકારીઓનો રસ્તો રોક્યો હતો અને મસાણી પાસે રસ્તા પર આંતરવાની પેરવી કરી હતી અને ખેડૂતોએ જ્યારે પ્રતિકાર કર્યો ત્યારે પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરી તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ખેડૂતો મસાણી પાસે પહોંચ્યા ત્યારે ખેડૂતોએ બેરીકેટ તોડવાનો પ્રયાસ કર્યો હતો તેની સામે પોલીસે બળપ્રયોગ કરવાનું મુનાસીફ માનતા અફરા-તફરી મચી ગઈ હતી.
એસપી અભિષેક જરવાલે જણાવ્યું હતું કે, અમે ખેડૂતોને મસાણી પાસે જ અટકાવી દીધા હતા. ૩૧મી ડિસેમ્બરે ખેડૂતોએ પોલીસ દ્વારા ઉભી કરવામાં આવેલી બેરીકેટીક શાહજહાનપુર નજીક બેરીકેટ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ તોડફાડના પ્રયાસ વચ્ચે પોલીસે ટીયરગેસના સેલ અને પાણીનો મારો ચલાવ્યો હતો.
કોઈપણ સંજોગોમાં દિલ્હી પહોંચવા, રાજસ્થાન, હરિયાણા અને કેટલીક અન્ય જગ્યાએથી ખેડૂતો સતત જયપુર, દિલ્હી હાઈવે પર આગળ વધી રહ્યાં છે. તેઓ નવા કૃષિ કાયદાને ગમે તે સંજોગોમાં પાછો ખેંચવાની માંગ કરી રહ્યાં છે. ખેડૂતોનો દેખાવ રાજસ્થાન, હરિયાણા સરહદે વધુ જલદ બની ર્હયો છે. દિલ્હી ચલોનો આ મોરચો હવે કાનૂન માટે કાનૂન તોડનારો બની રહ્યો છે.