કોરોના કટોકટી-વૈશ્ર્વિક મંદી વચ્ચે આત્મનિર્ભર ભારત ઘરેલુ ઉત્પાદનમાં વૃદ્ધિ અને આયાતની અવેજીથી વિદેશી હુંડીયામણની બચત કરવામાં સફળ
કૃષિ પ્રધાન ભારતનું અર્થતંત્ર પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું વિશાળ કદ ધરાવતું થાય તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્યને નિર્ધારીત સમયમાં પૂર્ણ કરવા માટે આર્થિક ક્ષેત્રે શરૂ થયેલા સુધારાના પગલાઓ હવે પરિણામદાયી બની રહે તેવા સંજોગો ઉજળા બન્યા છે. ભારતીય અર્થતંત્રમાં તેજીની રફતાર વધુ તેજ બનતી જાય છે. કોરોનાના કપરાકાળમાં નિકાસ ક્ષેત્ર, ઉત્પાદન અને ઘરેલુ ઉધમને લઈને અર્થતંત્રમાં સકારાત્મક રીતે આર્થિક વૃદ્ધિદરમાં આવતી ગતિને લઈને આગામી દિવસોમાં અર્થતંત્રની ગાડી પાટે ચડી જાય તે નિશ્ર્ચિત બન્યું છે.
એક તરફ સમગ્ર વિશ્ર્વમાં ગયા વર્ષે લાંબાગાળાના લોકડાઉન અને આર્થિક પ્રવૃતિઓ, ઉદ્યોગ ક્ષેત્ર ઠપ્પ રાખવાની મજબૂરી વચ્ચે ભારત આંતરીક આર્થિક ક્ષેત્ર સ્વબળે આત્મનિર્ભરતા કેળવીને હાલક-ડોલક થયેલી વિશ્ર્વની આર્થિક નાવની પરિસ્થિતિમાં પણ ભારત પોતાની રીતે સક્ષમતાથી ઉભુ રહેવામાં સફળ થયું હતું. વૈશ્ર્વિક, આર્થિક મંદી વચ્ચે અમેરિકન ડોલરની વધઘટ ઉત્પાદન ઘટાડો અને આયાત ભારણની સ્થિતિમાં ભારતે રૂપિયાના અવમુલ્યન અને ફૂગાવાને પોતાના હિતમાં ફાયદારૂપ બનાવવા માટે જે રણનીતિ અખત્યાર કરીને આયાતની અવેજીમાં ઘર આંગણે ઉત્પન્ન થતી વસ્તુઓથી કામ ચલાઉની કુનેહથી આયાતમાં ઘટાડો કરીને વિદેશી હુડીયામણમાં જે બચત કરી તેમાંથી અર્થતંત્રને નક્કર મજબૂતી મળવા પામી છે.
વર્લ્ડ બેંકની તાકીદ છતાં અમેરિકન ડોલરની સતત ખરીદી અને ડોલર ફંડ હેઝીંગમાં ભારતે દાખવેલી ચીવટથી વૈશ્ર્વિક બજારમાં ભારતની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની છે. બજારની વિશ્ર્વસનીયતા અને અર્થતંત્રના નક્કર માપદંડને લઈને ભારતની મુડી બજાર પણ વૈશ્ર્વિક મુડી રોકાણનું વિશ્ર્વાસનું પ્રતિક બની છે. વિદેશી મુડી રોકાણમાં ભારતે નવા-નવા શિખરો સર કરવાનું શરૂ રાખ્યું છે. બોમ્બે સ્ટોક એક્ષચેન્જ અને નેશનલ સ્ટોક એક્ષચેન્જની અનેક સ્ક્રીપ્ટોમાં વિદેશી મુડી રોકાણની સતત આવકને પગલે બજારનું નેટવર્થ સતત વધતું જાય છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં સારા વર્ષના પગલે વધેલુ ઉત્પાદનની સાથે સાથે રીયલ એસ્ટેટ, વૈશ્ર્વિક વેપાર, નિકાસ ક્ષેત્ર અને કરકસરની સાથે સાથે નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગોની વધેલી કાર્યક્ષમતા અને હવે કોવિડ-૧૯ની રસીના ઉત્પાદન અને વધી રહેલી આર્થિક સધ્ધરતાને લઈને ભારતનું અર્થતંત્ર વધુ સધ્ધર અને તેજીનો પ્રર્યાય બની રહ્યું છે તેમાં બે મત નથી.