સુરેન્દ્રનગર-વઢવાણ શહેર પ્રમુખની નિયુક્તિને લઇ કાર્યકરોમાં ભારે અસંતોષ: ૨૦૦ જેટલા કાર્યકરો પ્રદેશ કાર્યાલયે દોડી ગયા
કોંગ્રેસમાં સ્થાનિકોની ઉપેક્ષા, જૂથવાદ સહિતના પ્રશ્ર્નોને લઇને હંમેશા સમયાંતરે વિવાદો સર્જાતા રહે છે. ચૂંટણી પૂર્વે ઉકળતા ચરુ જેવી સ્થિતિ રહેવી પક્ષ માટે સામાન્ય ઘટના બની ગઇ છે. આવી જ એક ઘટના સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે ઝાલાવડ પંથકમાં જોવા મળી છે. જેમાં નારાજ ૨૦૦થી વધુ કાર્યકરોએ પ્રદેશ કાર્યાલયે દોડી જઇને પ્રદેશ પ્રમુખ સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં વિવિધ હોદ્દાઓ માટે નિમણુંક કરવામાં આવતા જ કોંગ્રેસનો આંતરિક કકળાટ બહાર આવ્યો છે. નવી નિમણુંકથી રોષે ભરાયેલ ૨૦૦થી વધુ આગેવાનો અને કાર્યકરો અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ દોડી ગયા હતા. અને જિલ્લાના નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલી સેન્સ મુજબ નિમણુંક ન થાય તો આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ તો નહીં છોડે પરંતુ ચૂંટણીમાં કામ નહીં કરવાની ચીમકી આપતા રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.
જિલ્લામાં હોદ્દેદારોની તાજેતરમાં વરણી કરવામાં આવી હતી. અગાઉ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી તેનાથી વિપરીત નિમણુંકો થઇ હોવાની રાવ સાથે જિલ્લાના ચેતનભાઇ ખાચર, કલ્પનાબેન ધોરીયા, કમલેશભાઇ કોટેચા, વિક્રમભાઇ દવે, રોહીતભાઇ પટેલ, સતિષભાઇ ગમારા સહીતના કોંગી આગેવાનો અને કાર્યકરો સહીત ૨૦૦થી લોકો અમદાવાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલયે ધસી ગયા હતા.
જ્યાં પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાને રજૂઆત કરતા જણાવ્યું હતું કે અગાઉ જિલ્લાના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી હતી અને તેના જે રિપોર્ટ સોંપવામાં આવ્યા હતા તેનાથી વિપરીત નિર્ણય જોવા મળી રહ્યાં છે. આગામી સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણીઓ આવી રહી છે તેવા સમયે આવા નિર્ણયથી સંગઠનમાં અસંતોષની લાગણી ફેલાઇ છે જેની સીધી અસર આગામી ચૂંટણીઓના પરીણામ પર પડશે. આથી પ્રદેશ કક્ષાએથી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી હતી.
સેન્સની ‘નોનસેન્સ’ થતા સ્થાનિક આગેવાનો આગબબૂલા
શહેર કોંગ્રેસ પ્રમુખની નિમણૂંક પૂર્વે પક્ષ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે પ્રક્રિયા માટે રાજકોટના કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂત અને વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ સુરેન્દ્રનગર આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આ સેન્સ પ્રક્રિયામાં પાલિકાના ૨૬ પૈકી ૨૦થી વધુ કોર્પોરેટરોએ પૂર્વ પ્રમુખ કમલેશભાઇ કોટેચાનું નામ આપ્યું હતું તેમ છતાં પક્ષ દ્વારા ગીરીરાજસિંહ ઝાલાને પ્રમુખપદ સોંપવામાં આવ્યું હતું. આ સેન્સની પ્રક્રિયામાં નોનસેન્સ વેળા થતા સ્થાનિક આગેવાનો આગબબૂલા થયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
હોદ્દા માટે નહીં પક્ષને મજબૂત બનાવવા માટે રજૂઆત કરાઇ: પૂર્વ પ્રમુખ કમલેશ કોટેચા
સુરેન્દ્રનગર-વઢવાણ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ કમલેશ કોટેચાએ જણાવ્યું કે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે અમે રજૂઆત કરી છે કોઇ હોદ્દા માટેની રજૂઆત ન હતી. પરંતુ નિરીક્ષકો દ્વારા લેવાયેવી સેન્સ અને સ્થાનિક કક્ષાએથી આગેવાનો અને કાર્યકરો દ્વારા અપાયેલા અભિપ્રાયની વિપરીત નિર્ણય આવતા અમે પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી હતી અને આગામી ત્રણ દિવસમાં જિલ્લાના ૫ કે ૭ આગેવાનો સાથે બેઠક કરી સંતોષકારક નિર્ણય કરવાની તેમણે ખાત્રી આપી છે.
બે દિવસમાં સમગ્ર મામલો થાળે પડી જશે: જિલ્લા પ્રમુખ રૈયાભાઇ રાઠોડ
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, નિમણુંક અંગેનો નિર્ણય પ્રદેશ કક્ષાએથી લેવાયો છે, જે આંતરીક બાબતે છે. આજે અમુક આગેવાનો અને કાર્યકરો રજૂઆત કરવા ગયા હોવાની મને જાણ છે પરંતુ આ અંગે આગામી બે દિવસમાં જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરી સમગ્ર મામલે સમાધાન થઇ જશે.