મુંગાવાવડીના ગરાસીયા પરિવારને સુરેન્દ્રનગર ખાતે લોકીક ક્રિયાએ જતી વેળાએ સર્જાયેલી દુર્ઘટનાથી ક્ષત્રિય પરિવારમાં ગમગીની
વહેલી સવારે બીલીયાળા પાસે કપાસ ભરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાયા બાદ લાગી ભીષણ આગ
ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી: ટ્રાફીક જામના સર્જાયા દ્રશ્યો
ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ગોંડલથી પાંચ કિ.મી. દૂર બિલીયાળાના પાદરમાં વહેલી સવારે આઈટેન કર અને કપાસ ભરેલો ટ્રક સામસામા અથડાતા બંને વાહનોમાં આગ લાગતા અને આગ પ્રસરતા બંને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. કારમાં બેઠેલા ગોંડલનાં ત્રણ ગીરાસદાર મહિલા સળગીને ભડથુ થઈ જતા કારમાં જ તેમનાં કમકમાટી ભયા મોત નિપજયા હતા જયારે કાર ચાલકને ગંભીર હાલતમાં ગોંડલ સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવની જાણ થતા ગોંડલથી ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી જઈ ભડકે બળતા બંને વાહનો પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
ગોંડલના ક્ષત્રીય અગ્રણી અને મહારાજા ભોજરાજસિંહજી વિદ્યાર્થીગૃહ ટ્રસ્ટના પ્રમુખ ભીખુભા ભુરૂભા જાડેજાના પત્નિ રેખાબા ઉ.૬૪ તથા બાજુમાં રહેતા રસીકબા કિશોરસિંહ રાયજાદા ઉ.૭૮, મુકુંદબામહેશસિંહ રાયજાદા ઉ.૪૧ તથા મહેશસિંહ રાયજાદા વહેલી સવારે આઈટેનકાર લઈ સુરેન્દ્રનગર નજીક આવેલા ખેરાળી ગામે લૌકીક જવા નિકળ્યા હતા.
કાર સવારે ૬.૩૦ના સુમારે બિલીયાળા પાસે પહોચી ત્યારે બીલીયાળા ગામથી કપાસ ભરેલી ટ્રક રોડ પર આવી રહી હોય કાર અને ટ્રક સામસામા ધડાકાભેર અથડાતા આગ લાગતા જોત જોતામાં બંને વાહનો ભડકે બળવા લાગ્યા હતા ટ્રકમાં કપાસ ભર્યો હોય આગ ઝડપથી પ્રસરી હતી રોડ પર બંને વાહનો ભડકે બળતા હોય ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. આગને કારણે કાર ભડકે ભળી હોય કારમાં બેઠેલા રેખાબા, રસીકબા તથા મુકુંદબા નો કોઈ બચાવ નહી થતા પલભરમાં સળગીને ભડથુ બની ગયા હતા. અને કરૂણ મોત નિપજયા હતા. જયારે કાર ચાલક મહેશસિંહ ગંભીર રીતે દાજી જતા ગોંડલ સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવની જાણ થતા ગોંડલથી ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઠારવા પ્રયત્નો હાથ ધર્યા હતા. કારમાંથી ભડથુ બનેલા ત્રણેય મહિલાઓના મૃતદેહો બહાર કાઢી હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવની જાણ થતા ક્ષત્રીય સમાજનાં આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા. ગમખ્વાર ઘટનામાં ક્ષત્રીય સમાજના ત્રણ મહિલાઓ કાળનો કોળીયો બન્યા હોય ક્ષત્રીય સમાજ શોકમાં ગરકાવ થવા પામ્યો હતો.
રેખાબાના પતિ ભીખુભા મુળુ મુંગાવાવડીનાં અને છેલ્લા ઘણા વરસોથી ગોંડલ સ્થાઈ થયા હતા તેઓ જીઈબીમાં ફરજ બજાવતા હતા હાલ નિવૃત જીવન ગાળી સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે. સંગ્રામજી હાઈસ્કુલનાં મેદાનમાં આવેલ વેરાઈ હનુમાનજી મંદિરનું પણ સંચાલક કરી રહ્યા છે. તેમને સંતાનમાં ૧ પુત્ર અને ચાર પુત્રીઓ છે. રસીકબાના પતિ કિશોરસિંહ નિવૃત મામલતદાર હતા સંતાનમાં એક પુત્રી ત્રણ પુત્રો હતા. જયારે મુકુંદબાને સંતાનમાં બે દિકરા છે. અને તેમના પતિ મહેશસિંહ ડેરા શેરીમાં અમુલનું પાર્લર ચલાવે છે. વહેલી સવારે બનેલી દુર્ઘટનાના પગલે ગોંડલની સિવીલ હોસ્પિટલે કરૂણ દ્રશ્યો સર્જાયો હતા બનાવના પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહોને હોસ્પિટલે ખસેડી પી.એમ. માટે કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગરનાં ખેરાળી ગામે મહેશસિંહના સાસરીયામાં કોરોનાથી નિધન થયું હોય ત્રણેય મહિલાઓ સહત મહેશસિંહ ખરખરાના કામે જઈરહ્યા હતા પરંતુ ગોંડલથી માત્ર પાંચ કિ.મી.દૂર બીલીયાળાના પાટીયા પાસે કાળ આંબી ગયો હોય તેમ ગમખ્વાર ઘટનાના ત્રણ મહિલાઓ કારમાંજ સળગીને ભડથુ થઈ જતા અરેરાટી ફેલાઈ હતી. બંને વાહનો સળગી ઉઠતા આગની જવાળાઓ આકાશને આંબી હતી અને બંને વાહનો સળગીને ખાખ થઈ ગયા હતા.