એસ્ટેટ શાખાએ સેલ સંચાલકને ૧૦ હજારનો દંડ કર્યો
શહેરમાં કોરોનાની સ્થિતિ વચ્ચે નિયમોનો ઉલાળ્યો કરનારા પર એસ્ટેટ શાખાએ તવાઈ ઉતારી છે. જામનગર શહેરમાં જુદા જુદા હોટલ તેમજ હોલમાં સેલ ના નામે વેચાણ શરૂ થઈ ગયા છે, જ્યાં લોકોની મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવામાં આવે છે, અને સોશિયલ ડિસ્ટન્સ નો સરેઆમ ભંગ કરાય છે, તેવી માહિતીના આધારે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી એ ચેકિંગ હાથ ધર્યું હતું, જે ચેકિંગ દરમિયાન કામદાર વાડીના હોલમા ચાલી રહેલા કપડા તેમજ ઇમિટેશન જ્વેલરીના સેલમાં શહેરમાં કેટલાક લોકો માસ્ક પહેર્યા વિના જણાયા હતા, તેમજ મોટી સંખ્યામાં ભીડ હોવાથી સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થયેલો જોવા મળ્યો હતો.
આ સમયે એસ્ટેટ શાખાની ટુકડી એ તાત્કાલિક અસરથી સીટી બી ડિવિઝન પોલીસની ટીમને બોલાવી હતી, અને સેલ બંધ કરાવ્યું હતું. જ્યારે સેલના સંચાલક પાસેથી રૂપિયા ૧૦ હજારનો દંડ વસૂલ્યો હતો. ઉપરાંત સેલના સંચાલક સંજીવ દાસ સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલનો ગુનો પણ દાખલ કરાવ્યો છે.