ટેસ્ટ મેચમાં રહાણેની સુકાની ટીમ ઇન્ડિયાની ‘દશા અને દિશા’ બદલી નાખશે ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતની જીત થશે કે કેમ ? તે અંગે હાલ કોઈ સ્પષ્ટ ચિતાર રજૂ કરી શકાય નહીં પરંતુ હાલના તબક્કે એક બાબત ધીમે ધીમે સ્પષ્ટ થતી જઈ રહી છે. જે રીતે ઇન્ડિયા – ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલા પ્રથમ ટેસ્ટ મેચમાં સુકાની વિરાટ કોહલીની ટીમનું પ્રદર્શન શરમજનક રહ્યું અને ભારતની ટીમ ફક્ત ઐતિહાસિક રીતે ફક્ત ૩૬ રનમાં પેવેલિયન પરત ફરી ગઈ તેના કારણે કોહલીની કેપ્ટનશિપ પર સવાલો ઉઠ્યા છે. ત્યારે બીજી બાજુ અજિંક્યા રહાણેની સુકાનીમાં રમાયેલા બીજા ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભારતને આઠ વિકેટે વિજયી બનાવી હતી. જેથી રહાણેની કેપ્ટનશિપની ચોતરફી પ્રસંશા થઈ રહી છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી સુનિલ ગાવસ્કરે પણ રહાણેની કેપ્ટનશિપની પ્રસંશા કરી હતી. એક તરફ વિરાટનું કેપ્ટન તરીકે નબળું પ્રદર્શન અને બીજી બાજુ રહાણેની શ્રેષ્ઠ સુકાની ટીમ ઇન્ડિયાની દશા અને દિશા બંને બદલાવી નાખે તેવી શક્યતાઓ પણ હાલ પ્રબળ બની છે. પ્રથમ ટેસ્ટ મેચમાં કારમી હારનો સામનો કર્યા બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનું મનોબળ અમુક સમય માટે ચોક્કસ નબળું પડ્યું હતું. ત્યારે ટીમના સુકાની વિરાટ કોહલીની પેટરનિટી રજા અને ટીમ ઇન્ડિયાના મુખ્ય એન્જીન સમાન રોહિત શર્માની ઇજાને કારણે ટીમમાં ગેરહાજરીએ ખેલાડીઓને અસમંજસની સ્થિતિમાં મૂકી દીધા હતા. તેવા સમયે રહાણેને ટીમનું સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું. ખરા અર્થમાં આ સમય ટીમ ઇન્ડિયા માટે કસોટીનો સમય હતો કારણ કે, એકબાજુ ટીમનું મનોબળ ઊંચું લાવવુ જરૂરી હતું અને બીજી બાજુ મેચ જીતવો પણ અગત્યનું હતું. તેવા સમયે રહાણેએ પડકારરૂપી પરીક્ષા આપી ભારતને બીજા મેચમાં ભવ્ય વિજય અપાવી પરીક્ષામાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવી તેના નેતૃત્વના ગુણ પ્રકટ કર્યા હતા.
કોહલી અને રહાણે વચ્ચેનો મુખ્ય તફાવત
રહાણે અને કોહલી વચ્ચેના તફાવતની જો સમીક્ષા કરવામાં આવે તો કોહલી એગ્રેસીવ કેપ્ટન છે. કોહલીમાં ગુસ્સાનું પ્રમાણ ખૂબ જલ્દી જોવા મળે છે જેનું પરિણામ ઘણી વાર નકારાત્મક જોવા મળે છે. ઘણીવાર કોહલીના પરિપેક્ષમાં ’જોશમાં હોસ ખોઈ બેસવું’ કહેવત સાચી પડતી હોય છે જ્યારે રહાણે શાંત મિજાજી ખેલાડી છે. તે કોઈ પણ સંજોગોમાં ઉત્તેજિત થતો નથી. જે રીતે કેપ્ટન કૂલ હંમેશા શાંતિપૂર્વક નિર્ણયો લઈને વિપક્ષને થાપ ખવડાવી દેતો હતો તે જ રીતે રહાણે પણ શાંતિપૂર્વક નિર્ણય લઈને ટીમનું સંચાલન કરનાર ખેલાડી છે.
રહાણેએ ટીમમાં કરેલા બદલાવ ઓસ્ટ્રેલિયાને ભારે પડશે
યુવા પ્રતિભા અજિંક્યા રહાણેએ ટીમનું સુકાની સાંભળતાની સાથે જ ટીમમાં અનેક પરિવર્તન કર્યા હતા. પ્રથમ મેચમાં ઓપનિંગ કરનાર પુથ્વી શોનું પ્રદર્શન વામણું સાબિત થયું હતું ત્યારે તેની જગ્યાએ શુભમન ગિલને સ્થાન આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત યુવા બોલર મોહંમદ સીરાજને પણ ટીમમાં એન્ટ્રી આપવામાં આવી હતી. સૌરાષ્ટ્રના સાવજ રવિન્દ્ર જાડેજા અને રિષભ પંતને પણ એન્ટ્રી અપાઈ હતી. નવી ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના ધુરંધર ખેલાડીઓ સામે ટકી શકશે કે કેમ ? તે અંગે એ સમયે સવાલો પણ ઉદ્દભવ્યા હતા પરંતુ ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડીઓએ કાંગારુંને ધૂળ ચાટતું કરી દીધું હતું. ટીમ ઇન્ડિયાનો બીનો ટેસ્ટ મેચ જોઈને એ સમયની યાદ ચોક્કસ આવે જ્યારે વર્ષ ૨૦૦૭માં સાઉથ આફ્રિકા ખાતે રમાનારી ટી – ૨૦ મેચમાં ધોનીને ટીમનું સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું. તે સમયે ટીમ ઇન્ડિયાના ધુરંધર ખેલાડીઓ વામણા સાબિત થયા હતા તેવી વેળાએ ધોનીની આગેવાનીમાં નવી ટીમ ઇન્ડિયા વર્લ્ડ કો જીતવા મેદાને આવી હતી. ધોનીની નવી ટીમ ઇન્ડિયાએ ટી-૨૦ વર્લ્ડકપ જીતી ઇતિહાસ રચ્યો હતો. ત્યારે પણ ટીમ ઇન્ડિયાની પરિસ્થિતિ નબળી હતી અને યુવા પ્રતિભા સમાન કેપ્ટન કુલે નેતૃત્વના ગુણો પ્રકટ કર્યા હતા અને આજે પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે ધોનીની ભૂમિકામાં રહાણે આવ્યો છે અને જો રહાણેની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ટેસ્ટ મેચ સિરીઝ કબ્જે કરી શકી તો રહાણે ટીમ ઇન્ડિયાનો નવો ચહેરો બની શકે છે.
રહાણેની કેપ્ટનશિપની દેશ – વિદેશના ખેલાડીઓમાં ચર્ચા
સુનિલ ગાવસ્કરે કહ્યું હતું કે, અજિંક્યા રહણે હાલ ભારતીય ટીમ માટે સ્ટેન્ડ ઇન (અધિક) કેપ્ટનની ભૂમિકામાં છે. હાલ કોહલી રજા પર હોવાથી તેની અવેજીમાં રહાણે સુકાનીપદ સંભાળી રહ્યો છે પરંતુ રહાણેએ કોહલીના કમબેક બાદ પણ રહાણેએ તેના નેતૃત્વના ગુણ પ્રકટ કરી ટીમમાં રક ચોક્કસ સ્થાન મેળવવું પડશે. ઉલ્લેખનીય બાબત છે કે, રહાણેના પ્રદર્શન બાદ સુનિલ ગાવસ્કર સહિત રિકી પોન્ટિંગ, શેન વોર્ન, ડેવિડ વોર્નર, એડમ ગિલક્રિસ્ટ, માઇક હસી સહિતના પૂર્વ ખેલાડીઓએ વખાણ કર્યા હતા.