વાદળોની રચના માટે આધારભૂત પરિબળ એટલે એરોસોલ; વરસાદ અને પૃથ્વીનું તાપમાન જાળવવામા મહત્વની ભૂમિકા
ભારત, પાકિસ્તાન, નેપાળ અને તીબેટમાં ફેલાયેલી હિમાલયન શ્રેણી ‘એરોસોલ ફેકટરી’ બની ગઈ છે. એરોસોલ કે જે હવામાં રહેલા સુક્ષ્મકણો છે જે ઘન કે પ્રવાહી સ્વપમાં વિખરાયેલા હોય છે. આ કણો ખાસ જંગલોમાં લાગતી આગ, બાયો કચરાનો નિકાલ, નદી-ઝરણામાંથી છૂટા પડી વાતાવરણમાં જોડાઈ પર્વતોની તળેટીએ પહોચે છે અને વાદળોની રચના કરે છે. વાદળોની રચનાના બીજ એટલે આ એરોસોલ એમ કહિ શકાય. એરોસોલની રચના સૌથી વધુ હિમાલયની તળેટી પર થઈ રહી છે. જે વાતાવરણ માટે આર્શિવાદ અને અભિશાપ એમ બંને સાબિત થઈ શકે છે.
એરોસોલ અંગે આમ, જોઈએ તો સંપૂર્ણ કોયડો, વૈજ્ઞાનિકો પણ ઉકેલી શકયા નથી. પરંતુ એટલું ચોકકસપણે કહી શકાય કે આ એરોસોલના કારણે જ વાદળો બને છે. એરોસોલ સૂર્યના કિરણોને શોષી વિખેરાય છે. જેના કારણે આકાશમાં વાદળો એકદમ તેજસ્વી દેખાય છે. તો ઘણીવાર કાળા ડિબાંગ વાદળો છવાય છે જે વરસાદ લાવવા માટે આધારભૂત બને છે.
ફીનલેન્ડ, ઈટલી, સ્વીટઝલેન્ડ, અમેરિકા, ફ્રાંસ, ઈસ્ટોનિયા અને ચીનના ૨૯ જેટલા વૈજ્ઞાનિકોએ સંયુકતપણે એક અહેવાલ ગત અઠવાડિયે પ્રકાશિત કર્યો હતો. જેમાં નેપાળનાં સ્થિત હિમાલય શ્રેણી પર (દરિયાઈ સપાટીથી ૫૦૭૯ મીટર ઉંચાઈએ) એરોસોલને લઈ નીરીક્ષણ કરવામાં આવ્યું હતુ. જેમાં વૈજ્ઞાનિકો દ્વારા જણાવાયું હતુ કે, હિમાલય, એરોસોલ માટેની ફેકટરી બની ગયું છે. વૃક્ષો, પર્વતો અને પવનોમાં રહેલા સુક્ષ્મ કણો પર ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરાયો હતો. જે પરથી આ ફલિત થયું હતુ.
વરસાદ અને તાપમાન જાળવવામાં એરોસોલની મહત્વની ભૂમિકા
હિમાલય પર એરોસોલની જે ફેકટરી બની છે તે વાતાવરણ માટે લાભદાયી અને નુકશાનકારક એમ બને નીવડી શકે છે. કારણ કે એરોસોલનું મુખ્ય કાર્ય વાદળોની રચના કરી પૃથ્વીના તાપમાનને યોગ્ય સ્તરે જાળવી રાખે છે. પરંતુ આ જો એરોસોલ થકી રચાયેલા વાદળા આછા એટલે કે પાતળા હોય, તો તે સૂર્યપ્રકાશનાં કિરણોને પાછા ધકેલી શકવામાં સક્ષમ રેતા નથી. આથી ઘણીવાર પૃથ્વીનું તાપમાન વધી જાય છે.જે ગ્લોબલ વોર્મિંગમાં પરિણમે છે. વાતાવરણને પ્રતિકુળ અસર કરે છે તો બીજી તરફ વરસાદ લ્યાવામાં વાદળોની જ અગત્યની ભૂમિકા હોવાથી વરસાદ માટે પણ મહત્વનો ફાળો ભજવે છે. આથી જો એરોસોલમાં ફેરફાર થાય તો, પૃથ્વીનું તાપમાન અને વરસાદમાં પણ ફેરફાર થઈ શકે છે. તો બીજી બાજુ એરોસોલ ઔદ્યોગિક કચરાનાં નિકાલ, વાહનો-કારખાનાનાં ધુમાડામાંથી પણ બનતા વાદળો પણ તે પ્રમાણે રચાય છે. અને એસિડ વર્ષામાં પણ પરિણમી શકે છે. તો અન્ય ઝેરી ગેસ માટે પણ જવાબદાર બને છે.
એરોસોલના પ્રકાર
એરોસોલ બે પ્રકારનાં હોય છે. એક કુદરતી અને બીજુ માનવસર્જિત એરોસોલ, કુદરતી પ્રક્રિયા દ્વારા જ નિર્માણ પામતા એરોસોલ ૯૦% છે. જયારે બાકીના ૧૦% એરોસોલ માનવ પ્રક્રિયા દ્વારા ઉદભવે છે. કુદરતી એરોસોલ કે જે જંગલો, દરિયો, નદી-ઝરણાનું પાણી, ફોગ,ધુળ, ગીઝર સ્ટીમ વગેરેથી બને છે.જયારે માનવસર્જિત એરોસોલ ઔદ્યોગિક કચરાનો નિકાલ, સ્મોકિંગ, કારખાનાં વાહનોનો ધુમાડામાંથી બને છે.
શું છે એરોસોલ ??
એરોસોલએ એક પ્રકારનાં સુક્ષ્મ કણ જ છે. જે હવામાં પ્રવાહી કે ઘન સ્વપે મોજુદ હોય છે. આ કણ જંગલો, ખીણ, દરિયાના પાણીમાંથી ઉપર ઉઠી હવા સાથે ભળે છે. અને પર્વતીય ટોચે પહોચી વાદળાનું નિર્માણ કરે છે. વાદળાની રચના માટે મુળભૂત પરીબળ આ એરોસોલ જ છે. અને વરસાદ લાવવામાં વાદળા જ મહત્વનો ભાગ ભજવે છે. આથી એમ કહિ શકાય કે, એરોસોલના લીધે જ વરસાદ પડે છે. એરોસોલ પૃથ્વીનું તાપમાન જાળવવામાં પણ મદદ કરે છે. તે ઘટદાર વાદળોનું નિર્માણ કરી સૂર્યના કિરણોને પૃથ્વી પરથી આવતાપાછા ધકેલે છે. તેથી પૃથ્વીનું તાપમાન વધુ ઉંચે જવાથી રોકાય છે. અને સામાન્યત: તાપમાન ઠંડુ રાખવામાં મદદ કરે છે.