આઈએલઆર પ્રકારના ચાર ફ્રીજ કોર્પોરેશનને ફાળવતી રાજ્ય સરકાર
દેશવાસીઓ જેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.તે કોરોનાની રસી હવે ખૂબ જ નજીક હોવાના સંકેતો રહ્યા છે.ગુજરાત સહિત દેશના અલગ-અલગ ચાર રાજ્યોમાં કોરોના વેકસીન માટેની મોકડ્રીલ પણ આ પુરી કરી લેવામાં આવી છે.દરમિયાન કોરોના વેક્સિનને સાચવવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને આઈએલઆર પ્રકારના ૪ ફ્રીજની ફાળવણી કરવામાં આવી છે.જે શહેરમાં આવી પહોંચ્યા છે અને મનુબેન ઢેબર સેનેટોરીયમ ખાતે રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત મંગળવારે કોર્પોરેશન દ્વારા કોરોનાની વેક્સિન માટે અલગ-અલગ પાંચ સ્થળે મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી.અને ૧૨૫ હેલ્થવર્કરો પર મોકડ્રીલ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ જવા પામી છે .પ્રથમ તબક્કે ૧૩ હજારથી વધુ હેલ્થ વર્કરોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે.જ્યારે બીજા રાઉન્ડમાં શહેરમાં ૫૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓ અને અસાધ્ય બીમારી આવતા એક લાખ એસી હજાર લોકોને વેક્સિન આપવા માટેની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે.
વેકસીન કઈ રીતે આપવી અને તેની આડઅસર થાય તો શું કરું તેની સંપૂર્ણ તૈયારી મહાનગરપાલિકા દ્વારા કરી લેવામાં આવી છે. દરમિયાન કોરોનાને સાચવવા માટે રાજ્ય સરકાર દ્વારા બે મોટા અને બે નાના સહિત કુલ ચાર આઈએલઆર પ્રકારના ફ્રીજની રાજકોટ મહાનગર પાલિકાને ફાળવણી કરવામાં આવી છે.આ ફ્રિજમાં માત્ર કોરોનાની વેક્સિન જ નહીં પરંતુ તમામ પ્રકારની વેક્સિન સાચવી શકાય છે.હાલ મનુબેન ઢેબર સેનેટોરીયમ ખાતે આ ફ્રીજ રાખવામાં આવ્યા છે. જેમાં કોરોનાની વેક્સિનનો સંગ્રહ કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ થી અલગ અલગ આઠ જિલ્લાઓને કોરોનાની વેક્સિન ફાળવવામાં આવનાર છે.