જીટીયુ નવી આઈટી પોલીસી લાગુ કરાશે તથા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે સીડ મની પ્રોજેક્ટ શરૂ કરાશે
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ખાતે તાજેતરમાં જ બોર્ડ ઑફ ગવર્નન્સની બેઠક યોજાઇ હતી. જેમાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટેના વિવિધ હિતલક્ષી નિર્ણયો લેવામાં આવ્યાં છે. આ ઉપરાંત આગામી પદવીદાન સમારંભના ઓનલાઈન આયોજન બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડ ઑફ ગવર્નન્સની બેઠકમાં લેવાયેલા અગત્યનાં નિર્ણયોમાં યુનિવર્સિટી ખાતે ફરજ બજાવતા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફનું દર વર્ષે મૂલ્યાંકન થાય તે માટે એક સમિતિની રચના કરવામાં આવશે. કરાર આધારીત અને રોજમદા કર્મચારીઓ માટે નિમણૂંક અંગેની નવી નીતિને પણ મંજૂરી આપવામાં આવી છે. જાહેર જનતાના લાભ માટે પબ્લિક ટેસ્ટીંગ લેબોરેટરી વસાવવા માટેના સાધનો ખરીદવા માટે રૂપિયા ૧.૨૦ કરોડની જોગવાઇ પણ મંજૂર કરવામાં આવી છે. આગામી સત્રથી જીટીયુ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડેટા સાયન્સ, એમ. ઈ. ઈન આઈઓટી અને એમ. ઈ. ઈન બાયોટેક એન્જિનિયરીંગના ૩ નવા કોર્સ શરૂ કરવામાં આવશે.
નિયત સમય મર્યાદામાં કોઈ કારણોસર વિદ્યાર્થી અભ્યાસક્રમ પૂર્ણ કરી શક્યા ન હોય તો, તેવા કિસ્સામાં નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત આગામી દિવસોમાં અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે વધુ એક તક આપવા માટેનો અગત્યનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. સામાજીક , આર્થિક કે સ્વાસ્થ સંબધીત કારણોસર ડિગ્રીના ૩૦૦૦૦ અને ડિપ્લોમાના ૨૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કરી શક્યા નથી. ડિગ્રી અને ડિપ્લોમાના ૫૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસક્રમ પૂર્ણ કરવાની વધુ એક તક મળવાપાત્ર રહશે. રાજ્યમાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ ધરાવતી જીટીયુ એકમાત્ર ટેક્નોલોજીકલ યુનિવર્સિટી છે. આ વિદેશી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી ખાતે ડાયરેક્ટર ઇન્ટરનેશનલ રિલેશનની જગ્યા પણ આગામી સમયમાં ભરવામાં આવશે. યુનિવર્સિટીમાં ફરજ બજાવતાં મહિલા સ્ટાફ માટે ખાસ કરીને વુમન સેક્સસ્યુઅલ હેરેસમેન્ટ મોનિટરિંગ કમિટીની પોલીસીને પણ મંજૂરી આપવામાં આવી છે. યુનિવર્સિટી ખાતે કામધેનું ચેરની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ તમામ પ્રકારે વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટેના વિવિધ હિતલક્ષી નિર્ણયો બેઠકમાં લેવામાં આવ્યા હતાં.