પ્રવાસીઓને આરોગ્ય વનમાં ઉછેરવામાં આવેલ રોપાની ઝીણવટભરી માહિતી અપાય છે
કેવડિયા હોલિસ્ટિક ટુરિઝમ ડેવલપમેન્ટ, વિશ્વ એકતાનું પ્રતિક બની વૈશ્વિક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનવા સાથે સ્થાનિક આદિવાસી યુવક-યુવતિઓ માટે ઘર આંગણે જ રોજગારી આપવાનું ઉત્તમ માધ્યમ બન્યું છે. આરોગ્ય વનમાં ૩૭ સ્થાનિક યુવક-યુવતીઓ રોજગારી મેળવી રહ્યા છે.
આજે વાત કરવી છે દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષિત કરતા અને ભારતની ઔષધીય વૈભવને ઉજાગર કરતા અને જ્યાં વિવિધ ઔષધિય રોપાની સાથે ભારતની પ્રાચીન આયુર્વેદિક નિરોગીતાની પ્રણાલિકા તથા ઉત્તમ આરોગ્ય અંગેની જાણકારી પ્રાપ્ત કરવાનું સુંદર સ્થળ એટલે કેવડિયા સ્થિત આરોગ્ય વન
પ્રવેશ કરો એટલે આપણને મધુર સ્વરે સુસજ્જ પરિવેશમાં અહીંના સ્થાનિક ગાઈડ મીઠો આવકાર આપવા સાથે આરોગ્ય વનમાં ઉછેરવામાં આવેલ ઔષધિય રોપા વિશે ઝીણવટભરી અને વિસ્તૃત માહિતી પૂરી પાડે છે. આ યુવક યુવતીઓ કોઈ મોટા શહેરોના નથી પરંતુ કેવડીયા અને તેની આસપાસના વિસ્તારના યુવક યુવતીઓને તેમની લાયકાત મુજબ અહીં રોજગારી પૂરી પાડવામાં આવી છે. સ્થાનિક યુવાઓને અહી રોજગારી મળતા તેઓ પોતાની ખુશી વ્યક્ત કરે છે.
આરોગ્ય વનમાં ગાર્ડન ઓફ કલર્સમાં ફરજ બજાવતા ફૂલવાડીના ભાવેશભાઈ તડવી માત્ર ધો.૧૨ પાસ છે. એક સમયે તેઓ અહીં આરોગ્ય વન નિર્માણ માં રોજમદાર તરીકે કામ કરતા હતા. આજે તેઓ આરોગ્ય વનમાં આવતા પ્રવાસીઓને ગાર્ડન ઓફ કલર્સ વિશે એક ગાઈડ તરીકે વિગતવાર જાણકારી આપે છે. ભાવેશ તડવી કહે છે હું અહી મજૂરી કરતો હતો, પરંતુ મારી લાયકાત મુજબ વનવિભાગ દ્વારા મારી ગાઈડ તરીકે પસંદગી કરવામાં આવી તેનો મને આનંદ છે. એટલું જ નહિ હવે મારે હવે રોજગારી માટે અન્ય સ્થળે જવું પડતું નથી. મને સ્થાનિક ઘરઆંગણે રોજગારી પ્રાપ્ત થઈ છે જેને પરિણામે મારૂ આર્થિક જીવનધોરણ ઊંચુ આવ્યું છે. સમશેરપુરાની રવિના તડવીની વાત જ કંઇક અલગ છે. ધો.૧૨ પાસ કર્યા બાદ રવિનાએ કમ્પ્યુટરનો કોર્સ કર્યો, પરંતુ ક્યાંય રોજગારી ન મળી. રવિના આરોગ્ય વનમાં ગાઈડ ઉપરાંત ગોલ્ફ કાર્ટ પણ ચલાવે છે. રવિનાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને ગોલ્ફ કોર્ટમાં ફેરવવાનો મોકો મળ્યો હતો તેની ખુશી વ્યક્ત કરતાં કહે છે કે મારા જેવી સામાન્ય ઘરની યુવતી માટે આ ખૂબ જ આનંદની પળ હતી.
આરોગ્યવનમાં ૮૦ ડ ૪૦ લંબાઈ-પહોળાઈમાં ઔષધ માનવનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઔષધ માનવ વિશે માત્ર ધો.૮ પાસ રવિરાજ તડવી માનવીના પગથી લઈ મસ્તક રોગોમાં ઉપયોગી ઔષધિય વનસ્પતિ અંગેની જાણકારી આપે છે. દરેક વનસ્પતિની ઔષધિય ઉપયોગિતા અને ખાસયિતો એની જીભના ટેરવે છે. અહીંના આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ર્ડાકટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે. આરોગ્ય વનમાં પ્રવાસીઓ શારિરીક સુખાકારી સાથે કુદરત સાથે તાદમ્ય પણ અનુભવે છે