કોરોના મહામારીના વૈશ્વિક કપરાકાળમાં ભારતે આત્મનિર્ભર બળે આફતને અવસરમાં બદલવાની સફળતા મેળવીને ‘હાર કે જીતને વાલે કો બાજીગર કહેતે હૈ’ કહેવત યર્થાથ ઠેરવી
વિશ્ર્વભરમાં ૨૦૨૦ની વિદાય અને ૨૦૨૧ના આગમન અને આવકારની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આગામી વર્ષ ભારતનું બની રહેશે. આજે વર્ષના અંતિમ ચરણમાં ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલીયા સામે ભારે ખંતપૂર્વક અને આયોજનબદ્ધ રીતે ક્રિકેટનું કૌવત દેખાડીને ઓસ્ટ્રેલીયા સામેના પરાજયને વિજયમાં પલ્ટાવીને ગયેલો ગરાસ પાછો લઈ લીધો. ક્રિકેટ વિશ્ર્વમાં ૨૦-૨૦માં ભારતનો દબદબો રહેવા પામ્યો છે. પ્રથમ વર્લ્ડકપ પણ ભારતે જીતીને ૨૦-૨૦ પર પ્રભુત્વ સિદ્ધ કર્યું છે. તેવી જ રીતે અર્થતંત્ર અને મુડી બજાર અને વિકાસની દ્રષ્ટિએ ૨૦-૨૧ પણ ભારતનું જ બની રહેશે.
ભારતીય મુડી બજાર, ઔદ્યોગીક વિકાસથી લઈ આત્મનિર્ભર સંકલ્પથી ભારત અત્યારે વિશ્ર્વ માટે એક પ્રેરક અને ઉમદા નેતૃત્વ ધરાવતો દેશ બની રહ્યો છે. વિશ્ર્વ જ્યારે કોરોનાના સકંજામાં આવીને આર્થિક પ્રવૃતિઓ ઠપ્પ થઈ જવાથી અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા માટે સંઘર્ષમય હતું તેવા સંજોગોમાં ભારતે પોતાની તાકાતથી કોરોનાની મહામારીના કપરા કાળની આફત પણ અવસરમાં બદલી દીધી હતી. આજે ઓસ્ટ્રેલીયા સામે ગયેલી મેચ હારીને ફરી જીતીને ભારતે ‘હાર કે જીતને વાલે કો બાજીગર કહેતે હૈ’ની કહેવત સાચી પુરવાર ઠેરવી છે.
કોરોનાની મંદી અને બંધ પડેલી ઔદ્યોગીક અને વ્યવસાયીક પ્રવૃતિની આફતને ભારતે અવસરમાં બદલીને મલ્ટીનેશનલ કંપનીઓ વોલમાર્ટ, સેમસંગ જેવી કંપનીઓને પણ ભારતના બજારોમાં કામ કરવા માટે મજબૂર બનાવી હતી. ભારતીય શેરબજારથી લઈને ઔદ્યોગીક ઉત્પાદન અને નિકાસમાં ભારતે તેની મુળભૂત સાંસ્કૃતિક આર્થિક પ્રવૃતિઓની મદદથી અર્થતંત્રને ધબકતું રાખ્યું. વિશ્ર્વમાં જ્યારે ઔદ્યોગીક ઉત્પાદન બંધ હતું ત્યારે ભારતનું હસ્તકલા, ઉદ્યોગ, ઘી, માસ્ક, સેનેટાઈઝર અને ખેતીની જણસની નિકાસ કરીને ભારતે મંદીમાં પણ મબલખ આવક રળીને આત્મનિર્ભર ભારતના સારા પરિણામો દુનિયાને દેખાડ્યા. અત્યારે ભારતનો આર્થિક વિકાસ દર પોઝિટિવ ચાલી રહ્યો છે. ફૂગાવો નિયંત્રણમાં છે અને ભારતના શેરબજારમાં મબલખ રોકાણ આવી રહ્યું છે. અમેરિકન સરકારે જારી કરેલા ૬૬ લાખ કરોડના ફંડથી અમેરિકાની સંભવિત ફૂગાવીની સ્થિતિ અને ડોલરની હાલક ડોલક સ્થિતિનો પણ ભારતને ફાયદો થશે. ભારતનું શેરબજાર અત્યારે જે રીતે હરિયાળી-હરિયાળી કરી રહ્યું છે તે ૨૦૨૧માં પણ ટનાટન તેજીનું વર્ષ બનાવીને રહેશે. ભારત આફતને અવસરમાં બદલનારૂ રાષ્ટ્ર બની રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના સ્કીલ ઈન્ડિયાથી લઈને આત્મનિર્ભર ભારત સુધીના તમામ અભિયાનોએ વર્ષ ૨૦૨૦માં ભારતને એક સંઘર્ષમય રાષ્ટ્ર તરીકે સતત ઉભરતું આવ્યું છે.
સરકારે આગામી બજેટના નિર્માણમાં પણ કોઈપણ સંજોગોમાં ફૂગાવો ન થાય અને અર્થતંત્રમાં નક્કર વિકાસ થાય તેવી રણનીતિ અપનાવી રહ્યું છે. અમેરિકાના ડોલરની સંભવિત પીછેહટ ભારતના અર્થતંત્ર માટે ફાયદારૂપ બનશે. અમેરિકા અને બ્રિટનના આર્થિક પરિબળોનો સીધો લાભ ભારતને થશે. યુરોપમાં બ્રેક્ઝિટ ફેકટરથી યુરોપના આંતરીક દેશોના વેપાર-વ્યવહારમાં ઉભા થયેલા અવરોધો અને એકબીજાના બંધ થયેલા વેપાર-વ્યવહારથી ભારતે યુરોપની સાથે સાથે અમેરિકાનો અને ચીનનો વિકલ્પ પણ દુનિયાના ખરીદદાર દેશોને આપ્યો છે. ભારતનું અર્થતંત્ર કૃષિ આધારિત છે, તેને લઈ દેશનું આંતર માળખાકીય અર્થતંત્ર અને વિશ્ર્વ વેપારમાં ઉત્પાદનલક્ષી વિકાસ અને નિકાસમાં ભારતે હાથ ધરેલી સફળતા ભારતને ૨૦૨૧માં વધુ મજબૂત બનાવશે. ટી ૨૦-૨૦ ક્રિકેટ ફોર્મેટમાં ભારત સૌથી આગળ છે. તેનાથી આગળ વિચારીએ તો ભારત આર્થિક ઉન્નતિમાં ૨૦-૨૧માં પણ સૌથી આગળ રહેશે. આવનારુ વર્ષ આર્થિક સામાજિક અને રાજદ્વારી રીતે વૈશ્ર્વિક મંચ પર ભારતનું વર્ષ બની રહેશે.