ખાડામાં નહાવા પડ્યા બાદ ડૂબવા લાગ્યા: બૂમાબૂમ થતા લોકો દોડ્યા
જામનગર જિલ્લાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના ત્રણ પિતરાઈ ભાઈઓ ગઈકાલે મસીતીયા રોડ પર આવેલા એક પાણીના ખાડામાં નહાવા માટે પડ્યા હતા અને ત્રણેય ડૂબવા લાગ્યા હતા. જે સમયે બૂમાબુમ થવાથી આસપાસના લોકોએ એકત્ર થઇ બે પિતરાઈ ભાઈઓને બચાવી લીધા હતા, પરંતુ એક નવ વર્ષના નાના ભાઈનું ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ નિપજયુ હતું. પિતાએ નવી સાઇકલ ખરીદી આપી હોવાથી તેનું ચક્કર લગાવવા અને ન્હાવા પડતાં એક ભાઈએ જીવ ગુમાવ્યો છે.
આ બનાવને લઇને મૃતકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ જામનગરમાં દરેડ જીઆઇડીસી ફેસ-૩ શેડ નંબર ૪૩૦૪ માં રહેતા અને મજૂરી કામ કરતા અજય કુમાર દોલતસિંહ પરિહાર (ખેંગાર રાજપુત)ના બે પુત્રો રિતિક અજય કુમાર પરિહાર (ઉં.વ. ૯) અને નિતીન અજય કુમાર પરિહાર (ઉં.વ.૧૨) તેમજ બંને ભાઈઓનો પિતરાઇભાઇ (રાજ ઉં.વ.૧૨) જે ત્રણેય બારેક વાગ્યાના અરસામાં અજય કુમારે નવી સાયકલ ખરીદ કરીને આપી હોવાથી ચક્કર લગાવવા માટે નીકળ્યા હતા અને મસીતીયા રોડ પર આવેલા એક પાણીના ખાડામાં નહાવા માટે પડ્યા હતા. જે દરમિયાન ખાડામાં પાણી ઊંડું હોવાના કારણે ત્રણેય પિતરાઈ ભાઈઓ પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા અને બૂમાબૂમ કરી હતી. આ સમયે ત્યાંથી પસાર થઇ રહેલા લોકોએ નિતીન તેમજ રાજ નામના બે પિતરાઇ ભાઇઓને પાણીમાંથી બહાર કાઢીને બચાવી લીધા હતા. પરંતુ ૯ વર્ષનો નાનો ભાઈ રિતિક ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો અને ડૂબી જવાના કારણે તેનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને રિતિકના મૃતદેહને પાણીમાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને મૃતદેહને તેના પિતાને સોંપી દીધો હતો. આ બનાવને લઇને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. અન્ય બે ભાઈઓને લોકોએ સલામત રીતે બહાર કાઢી લીધા હોવાથી બંનેનો બચાવ થયો છે.