વરરાજા પહેલા જાનૈયાઓનું આગમન
રાજકોટના રિજયોનલ વેક્સિન સ્ટોરમાં ૦.૫ મિલી ક્ષમતાની ૫ લાખ સિરિંજ આવ્યા બાદ તેને તુરંત અન્ય જિલ્લામાં વિતરણ કરી દેવાઈ
હાલ વેકસીનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં તંત્ર ઊંધામાથે થયું છે. આ તૈયારી વચ્ચે વરરાજા પહેલા જાનૈયા આવી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે. જેમાં વેકસીન માટેની ૫ લાખ સિરિંજનો જથ્થો રાજકોટ આવી પહોંચ્યો છે. જેને તમામ જિલ્લાઓમાં મોકલી આપવામાં આવ્યો છે.
રાજકોટમાં રિજ્યોનલ વેક્સિન સ્ટોર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાંથી ૮ જિલ્લાઓમાં વેકસીન મોકલવામાં આવનાર છે. આ સ્ટોરમાં તે ૦.૫ મિલિની ક્ષમતાની ૫ લાખ સિરિંજ પહોંચી ગઈ છે. સિરિંજ આવતા જ સ્ટોરમાંથી અલગ અલગ સેન્ટરમાં ફાળવી દેવાઈ છે અને હાલ સેન્ટર પાસે સિરિંજ નથી. બીજી તરફ રસીને સાચવવા માટે નવી ટેક્નોલોજીવાળા ૨૫ ઈનલાઈન રેફ્રિજરેટર મોકલ્યા છે જેમાંથી ૩ સ્ટોરમા રહેશે. બાકીના મથકોએ મોકલી દેવાશે.ગુજરાતમાં વેક્સિનેશન માટે તૈયારીઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ રસી આવી રહી છે તેનો નિર્દેશ રાજકોટ સ્થિત રિજ્યોનલ વેક્સિન સ્ટોરમાં જોવા મળ્યો છે.
રાજ્ય સરકારે વેક્સિન સ્ટોરને કોરોનાના વેક્સિનેશન કરવા માટે ૫ લાખ સિરિંજનો જથ્થો મોકલ્યો છે અને જથ્થો આવતાની સાથે જ તમામને અલગ અલગ સેન્ટર પર મોકલી દેવાયો છે જેથી હાલ વેક્સિન સ્ટોરમાં એકપણ સિરિંજ નથી. સિરિંજની કેપેસિટી ૦.૫ મીલી છે જેના પરથી એ પણ નિર્દેશ મળે છે કે કોરોનાની વેક્સિનનો એક ડોઝ ૦.૫ મીલી જેટલો અથવા તેનાથી ઓછો રહેશે.
ઉલ્લેખનીય છે કે હાલ સિરિંજનો જથ્થો આરોગ્ય વિભાગ દ્વારા મોકલાયો છે. ત્યારબાદ વેકસીન પણ જાન્યુઆરીમાં મોકલવામાં આવે તે પ્રમાણે હાલ તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. વેકસીનને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
સિરિંજનો એક વખત ઉપયોગ થયા બાદ તે લોક થઈ જશે
એક વખત સિરિંજમાં રસી ભર્યા બાદ અપાય એટલે તે લોક થઈ જાય છે જેથી તે બીજી વખત વાપરી શકાતી જ નથી. બાળકોના રસીકરણમાં આવી જ ૦.૫ મિલિની સિરિંજ આવે છે પણ કોરોનાની વેક્સિનનો ડોઝ કેટલો હશે તે કોઇ સ્પષ્ટતા આવી નથી તેથી કહી શકાય નહીં કે સિરિંજ આખી ભરાશે કે થોડી બાકી રાખવામાં આવશે.
ક્યાં જિલ્લાને કેટલી સિરિંજ મોકલાઈ?
રાજકોટના રિજયોનલ વેકસીન સ્ટોરમાં સિરિંજ પહોંચ્યા બાદ તેને તુરંત જ અન્ય જિલ્લાઓમાં મોકલી દેવામાં આવી છે. જેમાં રાજકોટ ગ્રામ્યમાં ૧,૧૧,૦૦૦, રાજકોટ શહેરમાં ૬૭,૦૦૦, દ્વારકા જિલ્લામાં ૩૬,૦૦૦, પોરબંદર જિલ્લામાં ૩૬૦૦૦, જામનગર ગ્રામ્યમાં ૪૬,૦૦૦, જામનગર શહેરમાં ૩૩,૦૦૦, મોરબી ગ્રામ્ય માટે ૪૮,૦૦૦ અને ભુજ જિલ્લા માટે ૧,૨૩,૦૦૦ સિરિંજ મોકલી દેવામાં આવી છે.