શનિવારથી ફરી વાર કાશ્મીરની ખીણમાં હિમવર્ષા થવાની હવામાન વિભાગની આગાહી
જમ્મુ કાશ્મીરમાં હાડ થીજાવતી ઠંડી શરૂ થઈ ગઈ છે. શ્રીનગરમાં આ ઠંડીની સૌથી વધુ અસર જોવા મળી હતી. અહીં તાપમાન આશરે ત્રણ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જમ્મુ-કાશ્મીર અને ખાસ કરીને શ્રીનગરમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે અને હજુ આગામી બે દિવસમાં હિમવર્ષા થાય તેવી શકયતા છે જેને પગલે તાપમાનનો પારો ગગડયો હતો અને ત્રણ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આ હિમવર્ષાની અસર થકી દેશના અન્ય ભાગોના તાપમાનમાં પણ શિયાળો આવી રહ્યાના ચિહ્નો જણાયા હતા.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ગુરુવારે જ હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી, જે ઉપરાંત આજે પણ જારી હતી. વહીવટી તંત્રે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. ખાસ કરીને રાત્રિના સમયે તાપમાનનો પારો નીચે પહોંચી જતો હોવાથી લોકોને સચેત કરી દેવામાં આવ્યા છે.
એવી આગાહી પણ કરવામાં આવી હતી કે, આગામી ૨૪ કલાકમાં જમ્મુ-કાશ્મીર ઉપરાંત હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ખીણ પ્રદેશમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતો પર માઠી અસર પહોંચાડી છે. હજારોની સંખ્યામાં સફરજનના બગીચા બરબાદ થઈ ગયા હતા.
જમ્મુ કાશ્મીરમાં થોડી ઘણી અંશે ઠંડીમાંથી રાહત મળી હતી જે બાદ ફરીવાર હિમવર્ષાને કારણે દેશભરમાં ફરીવાર ઠંડીનો કહેર જોવા મળે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન ખાતાની આગાહી મુજબ શનિવારથી ફરીવાર કાશ્મીરની ખીણમાં બરફ વર્ષા શરૂ થઈ શકે છે જેના પરિણામે દેશમાં ઠંડીનો પારો ગગડી શકે છે. દિલ્લી ખાતે શિતલહેરને કારણે મોસમનું લઘુતમ તાપમાન ૫ ડીગ્રી સેલ્શિય નોંધાયું છે. આગામી બે દિવસમાં દિલ્લી ખાતે ઠંડીનો કહેર વધે તેવી શકયતા પણ હાલ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઠંડીના કારણે રાજધાનીમાં ધૂમમ્સનું પ્રમાણ પણ વધ્યું છે જેના કારણે વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશના ઉત્તરના રાજ્યો જેવા કે, કાશ્મીર, હિમાચલ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર તેમજ પશ્ચિમી રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં પણ શિતલહેર જોવા મળી રહી છે. દેશના અનેક રાજ્યોમાં સવારના સમયે ગાઢ ધૂમમ્સ પણ જોવા મળી રહી છે જેના કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ખેડૂતોએ કહ્યું હતું કે, નવેમ્બરના પહેલા સપ્તાહમાં આ પ્રકારની હિમવર્ષા અમે પહેલી વખત જોઈ છે. ઘાટીમાં અનેક ખેડૂતોના સફરજનના વૃક્ષોને ભારે નુકસાન પહોંચ્યું છે.
પંજાબ – હરિયાણાના અનેક વિસ્તારોમાં ઠંડીનો પારો શૂન્યની નજીક
પંજાબ અને હરિયાણામાં પણ ઠંડીનો પારો સતત ગગડતો જોવા મળી રહ્યો છે. પંજાબના આદમપુર ખાતે લઘુતમ તાપમાન ૧.૬ ડીગ્રી સેલ્શિયસ નોંધાયું હતું જ્યારે લુધિયાના ખાતે ૨.૧ ડીગ્રી સેલ્શિયસ નોંધાયું હતું. હરિયાણા શહેર, અંબાલા, કરનાલ, નારનોલ, રોથક, ભિવાણી અને સિરસાનું તાપમાન અનુક્રમે ૫.૭, ૨.૯, ૪.૬,૫.૨ અને ૬.૩ નોંધ્યું હતું.
હિમાચલનું કીલોન્ગ માઇનસ ૮.૪ ડીગ્રી સેલ્શિયસ સાથે સૌથી ઠંડુગાર
ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારો જેવા કે, કીલોન્ગ, કલ્પા અને મંડી વિસ્તારોમાં તાપમાનનો પારો શૂન્ય ડીગ્રી સેલ્શિયસ નોંધાયું છે. ઉલ્લેખનીય બાબત છે કે, હિમાચલનું કીલોન્ગ સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું જ્યાં માઇનસ ૮.૪ ડીગ્રી સેલ્શિયસ નોંધાયું હતું.