વોર્ડ નંબર ૧૨માં ટીપી સ્કીમ નંબર ૨૧ (મવડી)માં શનેશ્વર પાર્કના સ્થાનિક લતાવાસીઓએ ૧૫ મીટરના ટીપી રોડને જોડતા ૯ મીટરના રસ્તા પર ગેરકાયદે બાંધકામો ખડકી દીધા હોવાની ફરિયાદ મળતા કોર્પોરેશન બુલડોઝર સાથે ત્રાટક્યું
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે શહેરના મવડી વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શનેશ્વર પાર્કના સ્થાનિક લતાવાસીઓએ ટીપીના રોડ પર ખડકી દીધેલા દબાણ દૂર કરવા સવાર સવારમાં બુલડોઝરબની ધણધણાટી બોલાવવામાં આવી હતી. નવ મીટરનો ટી.પી.રોડ ખુલ્લો કરવવા પાંચ મકાન સહિત આઠ બાંધકામોને જમીનંદોસ્ત કરી દેવામાં આવ્યા હતા.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું કે શહેરના વોર્ડ નંબર ૧૨માં ટીપી સ્કીમ નંબર ૨૧ (મવડી)માં નવ મીટર ટી.પી.રોડ વૈકુંઠધામ કિસાનપાર્ક પાછળ રાધે હોટલની બાજુમાં રિંગ રોડ મવડી વિસ્તારમાં આવેલો છે ત્યાં સ્થાનિક લતાવાસીઓએ ૧૫ મીટરના રોડને જોડતા આ નવ મીટરના ટીપી રોડ પર પાઇપ, પથ્થરો, ફેન્સીંગ નાખી રસ્તો બંધ કરી લીધો હોવાની ફરિયાદ મળતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ બાદ આજે સવારથી વેસ્ટ ઝોન કચેરી ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીપીના નવ મીટરના રોડ પર અંદાજે ૨૦૦ ચોરસ મીટર જમીન પર ખડકાયેલા પાંચ મકાન એક બાથરૂમ અને બે કમ્પાઉન્ડ વોલ સહિત આઠ બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો હતો.ડિમોલિશન કામગીરીમાં વેસ્ટ ઝોન કચેરીના એટીપી આર.એમ.મકવાણા અને અજય વેગડ સહિતનો કાફલો ત્રાટકયો હતો. ચુસ્ત વિજિલન્સ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હોય કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.