ચીનના નાપાક ઈરાદાઓ બાદ ભારતીય સેના વધુ સજાગ થઈ ગઈ છે. લદાખમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત હવે ચીનની બધી જ ચાલ ઉપર નજર રાખી રહ્યું છે.
લેહ અને લદાખની બોર્ડર પરિસ્થિતિને જોઈને જનરલ એમ એમ નરવણે એક દિવસના પ્રવાસ પર લેહ પહોંચ્યા અને ત્યાં તેમને ફાયર એન્ડ ફ્યુરી કોર્પની મુલાકાત લીધી અને તે કેવા પ્રકારની તૈયારીઓ કરે છે તેની સમીક્ષા કરી હતી.
આર્મીના ચીફે એલએસી પર હાલની તૈયારીઓ જોવા માટે ફાયર એન્ડ ફ્યુરી કોર્પના આગળના મોરચા રેચિન લાની મુલાકાત લીધી હતી. તેમને જીઓસી અને ફાયર એન્ડ ફ્યુરી કોર્પના અન્ય સ્થાનિક કમાન્ડરો દ્વારા ઓપરેશન માટેની તૈયારીઓની જાણકારી પણ આપવામાં આવી હતી.
નરવણેએ રેચીન લા ખાતે સૈનિકોની પ્રશંસા કરી હતી. તેમણે વાસ્તવિક નિયંત્રણ રેખાની બાજુમાં સૈન્યની તૈયારીને લગતા કેટલાક સૂચનો પણ આપ્યા હતા. આર્મી ચીફે લેહ ખાતે તૈનાત ટેન્કોનું પણ નિરીક્ષણ કર્યું હતું. લેહની કડકડતી ઠંડીમાં સૈનિકો ટેન્ક અને શસ્ત્રોથી સજજ થયેલા છે. આ ટેન્ક દુશ્મનોની કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે.