ભારતમાં ૨ લોકોને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે એક તો બોર્ડર ઉપર ઊભા રહીને દેશની રક્ષા કરનાર જવાનને અને એક ખેડૂતને જે સંપૂર્ણ દેશને અન્ન પૂરું પાડે છે.
ભારત એક કૃષિપ્રધાન દેશ છે જ્યાંની ૭૦% વસ્તી કૃષિક્ષેત્ર પર નભે છે. એક ખેડૂત પરસેવો પાડીને ખેતરમાં સખત પરિશ્રમ કરે છે ત્યારે અનાજનું ઉત્પાદન થાય છે.તેમના ઉત્પાદન દ્વારા જ આપણે વિવિધ પ્રકારના ભોજનનું બનાવીને ખાઈ શકીએ છીએ.ભારતની અર્થવયવસ્થાની કરોડરજ્જુ ખેડૂતોને કહેવામાં આવે છે કારણકે ખેડૂત વગર દેશની કલ્પના કરવી પણ અશક્ય છે.
ખેડૂત જે અન્ન ઉગાડે તેના દ્વારા જ આપણને મોટાભાગની ખાદ્ય વસ્તુઓ મળી રહે છે.તેથી ખેડૂતોને આદર અને સન્માન આપવા માટે ૨૩ ડિસેમ્બર ૨૦૦૧ થી’ ખેડૂત દિવસ ‘ ઉજવવામાં આવે છે.
બધા જ દેશોમાં અલગ અલગ દિવસે ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે.ભારતમાં ખેડૂત દિવસ દેશના પાંચમા વડાપ્રધાનની યાદમાં ચૌધરી ચરણસિંહના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે.
ચૌધરી ચરણસિંહનો જન્મ ૨૩ ડિસેમ્બર ૧૯૦૨ માં એક ખેડૂત પરિવારમાં થયો હતો.ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે તેમણે ઘણા પ્રયત્નો કર્યા હતા કારણકે તેઓ પોતે એક ખેડૂત પરિવારનાં હતાં અને ખેડૂતોની પરિસ્થિતિ સારી રીતે સમજી શકતા હતા. ચૌધરી ચરણસિંહને ખેડૂતોનાં રક્ષક તરીકે ઓળખવામાં આવે છે.
ખેડૂતોની મોટી સમસ્યા છે સિંચાઇનું પાણી અને વીજળી.આજે દેશમાં મોટા ભાગના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી મળતું નથી.સામાન્ય રીતે વીજળી ૧૨ કલાક સુધી આપવાની હોય છે પરંતુ તેઓને ફકત ૬ કલાક જ વીજળી મળે છે. તેથી આ સમસ્યાઓનું સમાધાન જ ખેડૂત દિવસની યોગ્ય ઉજવણી થશે.
આ દિવસની મુખ્ય હેતુ ખેડૂતોમાં જાગૃતિ લાવવા અને અર્થ્યવસ્થામાં તેમની ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે. ખેડૂત દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો, ચર્ચાઓ, પરિસંવાદો, ક્વિઝ સ્પર્ધાઓ, ચર્ચાઓ, વર્કશોપ, પ્રદર્શનો, નિબંધ લેખન સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.