શહેરમાં ૩૦૦થી વધુ ખાનગી સ્કૂલોને મળશે વેરા ઘટાડાનો લાભ: સ્કૂલોના વેરાનું ભારણ ૨ થી ૧.૫૦ જ્યારે કોર્પોરેટ કંપનીઓના વેરાનું ભારણ ૧૦ થી ઘટાડી ૮ કરાયું
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૩ વર્ષ પૂર્વે ૪૦ વર્ષ જૂના કર માળખામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં મિલકત વેરાની આકારણી કાર્પેટ આધારીત પદ્ધતિથી કરવામાં આવી રહી છે. ખાનગી સ્કૂલોના સંચાલકો અને કોર્પોરેટ કંપનીઓ દ્વારા વેરાના ભારાંકમાં ઘટાડો કરવાની રજૂઆત કરાયા બાદ કોર્પોરેશન દ્વારા ભારાંકમાં ઘટાડો કરવાનો ઠરાવ જનરલ બોર્ડમાં મંજૂર કરી રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી અર્થે મોકલવામાં આવ્યો હતો. ખાનગી શાળા અને કોર્પોરેટ કંપનીના
વેરામાં ઘટાડો કરવાની કોર્પોરેશનની દરખાસ્તને રાજય સરકાર દ્વારા મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે.
આ અંગે ટેકસ બ્રાંચના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કાર્પેટ આધારીત વેરા આકારણી પધ્ધતિની અમલવારી કરાયા બાદ ખાનગી શાળાઓના સંચાલક મંડળ અને અલગ અલગ બેંકો તથા પ્રા.લી. કંપની દ્વારા વેરામાં ઘટાડો કરવા અંગે કોર્પોરેશન સમક્ષ અનેક વખત લેખીત તથા મૌખીતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઈ કોર્પોરેશન દ્વારા ખાનગી શાળાઓના વેરાનો ભારાંક જે અગાઉ ૨ નિયત કરવામાં આવ્યો હતો તે ઘટાડી ૧.૫૦ કરવામાં આવ્યો હતો. જ્યારે બેંકો, કોર્પોરેટ કંપનીઓ, સંસ્થાઓ, પબ્લિક લી.કંપનીઓ તથા બોર્ડ નિગમમાં વેરાનો ભારાંક ૧૦ હતો તે ઘટાડી ૮ કરવામાં આવ્યો હતો. આ ઠરાવ જનરલ બોર્ડમાં મંજૂર કરાયા બાદ રાજ્ય સરકાર સમક્ષ આખરી મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો હતો. જેને તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વેરામાં ઘટાડો થવાથી તેનો લાભ શહેરમાં આવેલી અંદાજે ૩૦૦ જેટલી ખાનગી સ્કૂલો અને અનેક કોર્પોરેટ ઓફિસને મળશે. આ ઘટાડાથી મહાપાલિકાની તિજોરી પર વાર્ષિક ૨૦ કરોડથી પણ વધુનો ઘટાડો થવાનો અંદાજ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં ટેકસ બ્રાંચને રૂા.૨૬૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જેની સામે આજ સુધીમાં ૧૪૬ કરોડની આવક થવા પામી છે. હાલ બાકીદારોને ડિમાન્ડ નોટિસ બજવણી સહિતની કામગીરી ચાલી રહી છે. નવા વર્ષ અર્થાત જાન્યુઆરીથી ટેકસ બ્રાંચ હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરશે. જેમાં બાકીદારોના નળ જોડાણ કાપવા, ડ્રેનેજ જોડાણ કાપવા, મિલકત ટાંચમાં લેવી, મિલકત સીલ કરવી કે જાહેર હરાજી કરવા સહિતની આકરા પગલા લેવામાં આવશે.