મનપાના અણઘડ આયોજનથી પ્રજા ત્રાહીમામ
ગટર અને પાણીની લાઈનો માટે ખોદાયેલા રસ્તા બનાવવા સમય આપવો પડે: મ્યુ. કમિશ્નર
જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગોને તાત્કાલિક ધોરણે બનાવવાનું કામ શરૂ નહીં થાય તો, જનતામાં રોષ ફાટી નીકળશે. અને જૂનાગઢ મનપા જૂનાગઢની જનતાની ધીરજની વધુ કસોટી ન કરતા નવા રોડ બનાવવા કાર્યવાહી હાથ ધરે તેવી સમગ્ર વેપારી આલમ તથા જૂનાગઢની જનતા વતી માંગ કરતું ગઈકાલે જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જૂનાગઢ મનપા કમિશનરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી સંજય પુરોહિતની આગેવાની હેઠળ ગઈકાલે જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ, વેપારીઓ દ્વારા કમિશનરને એક આવેદનપત્ર પાઠવી જણાવવામાં આવ્યું હતું કે, એક વર્ષ જેટલા સમય પહેલા શહેરના જવાહર રોડ, જયશ્રી રોડ, તળાવ દરવાજા રોડ, દાતાર રોડ, નવા નગરવાળા વગેરેમાં લોક ડાઉન ના સમયગાળાનો ઉપયોગ કરી કામગીરી પૂર્ણ કરવાના બદલે ગત મે મહિનામાં શહેરના હૃદય સમા મુખ્ય માર્ગ એવો એમ.જી.રોડ પણ લોકોના વિરોધની અવગણના કરી, પૂર્વ આયોજન વગર ખોદી નાખવામાં આવ્યો હતો અને આજે આઠ મહિના જેવો સમય વિતી જવા છતાં હજુ આ રસ્તો તોડેલો અને અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે ચોમાસા દરમિયાન લોકોએ ખૂબ જ મુશ્કેલી વેઠી હતી અને દરરોજ ઘણા લોકો ઉબડખાબડ રસ્તામાં પડે આખડે છે, જે અંગેની મનપાને વારંવારની રજૂઆત બાદ પાણી છાંટવાની તથા રસ્તો ચાલવા લાયક કરવાની વાત થયેલ જે અંગે કોઇ જ કાર્યવાહી મનપા દ્વારા થયેલ નથી, અને પાણી પણ નિયમિતતા છટાતું નથી.
જૂનાગઢની જનતા, વેપારી વર્ગ તથા રાહદારીઓ રસ્તાની આ દુર્દશાથી ત્રાહિમામ પોકારી ગયા છે, અને આ સમસ્યા મનપાના અણઘણ આયોજન ને લઈને સર્જાય છે. ત્યારે જૂનાગઢની જનતાને ભૂગર્ભ ગટર મળશે પરંતુ કયા ભોગે ? તેવા પ્રશ્ન સાથે ચેમ્બર ઓફ કોમર્સે આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે, શહેરના મુખ્ય માર્ગોને તાત્કાલિક ધોરણે બનાવવાનું કામ શરૂ નહીં થાય તો જનતામાં રોષ ફાટી નીકળશે અને હવે જૂનાગઢની જનતાની ધીરજની વધુ કસોટી ન કરતા મનપા દ્વારા નવા રસ્તા બનાવવા જોઈએ તેવી માંગ આ આવેદનપત્રમાં કરવામાં આવી છે.
જો કે, આ આવેદનપત્ર બાદ જૂનાગઢ મનપાના કમિશનરે જણાવ્યું હતું કે, જૂનાગઢ મનપાની ભૂગર્ભ ગટર નેટવર્કની પરિસ્થિતિ અન્ય મનપા કરતા કંઇક અલગ છે, ત્યારે અહીં ભૂગર્ભ ગટર માટે રૂ. ૭૦ કરોડ અને બીજા ૩૦૦ કરોડ રૂપિયાનું કામ કરવાનું છે, ત્યારે પાણી અને ગટર જેવી આ બાબતે ખોલવામાં આવેલ આ રસ્તા થાય તે માટે સમય આપવો પડે છે અને જમીન સેટલ થઇ ગયા બાદ માં રોડ બને તે આવશ્યક હોય જેને લઇને રોડની કામગીરી હાલ પૂરતી કરી શકાય નથી.