શેરબજાર રોકાણનું સાધન ગણવામાં આવે છે. રિયલ એસ્ટેટ જેવા અન્ય રોકાણના સાધનોમાં શેરબજાર જેટલી તરલતા રહેતી નથી, તેથી નાનાથી લઈ મસમોટા રોકાણકારો શેરબજારના દરિયામાં ડૂબકી લગાવે છે. જોકે, આવા રોકાણકારોમાંથી ઘણા રોકાણકારો લાલચમાં આવીને ઓપરેટર જેવી શાર્કનો શિકાર બની જાય છે.
શેરબજારમાં ઓપરેટરોના તેજી-મંદીના ખેલ અને રોકાણકારોને નુકસાન પહોંચાડી ચૂક્યા છે. સામાન્ય રીતે ઓપરેટર દ્વારા રોકાણકારને કેટલીક સ્ક્રિપ્ટમાં ફસાવી દેવાઇ છે. રોકાણકાર આવી સ્થિતિમાં ફસાય તે માટે ઓપરેટર એસએમએસ, ચેટ અથવા તો ટેલિફોનિક રીતે જે-તે સ્ટોકના ના પોઝિટિવ ન્યૂઝ બજારમાં ફેલાવે છે. અલબત્ત આ ન્યૂઝ સદંતર ખોટા હોય છે. વારંવાર ન્યુઝ મળતા રોકાણકાર પણ આવા સ્ટોકમાં પૈસા રોકવા લલચાઈ જાય છે.
ઓપરેટરો ક્યારેક રોકાણકાર સમક્ષ ખોટા આંકડા પણ જાહેર કરે છે. કોઈ કંપનીને મોટો ઓર્ડર મળ્યો છે તેવી વાત ફેલાવે છે અથવા તો ફાઈનાન્સિયલ ટર્નઓવર મોટું હોવાની અફવા પણ ઉડાડે છે. આવી સ્થિતિમાં લલચાઈ ગયેલો રોકાણકાર જે તે સ્ટોકમાં રોકાણ કરી નાખે છે. એક સાથે ઘણા રોકાણકારો પૈસા રોકતા હોવાથી આપોઆપ માંગ વધે છે અને થોડા સમય માટે સ્ટોકના ભાવ ઊંચા પણ જાય છે. આવું સતત ચાલુ રહે છે જ્યારે ઓપરેટરે પોતે નક્કી કરેલો ટાર્ગેટ નજીક દેખાય એટલે તે એકાએક પોતાના સ્ટોકને વેચવા લાગે છે અંતે ભાવ સદંતર નીચે સરકી જાય છે. આ પ્રકારના કૌભાંડમાં ઓપરેટર સાથે કેટલીક વખત પ્રમોટર પણ સામેલ હોવાની બાબતો બહાર આવી છે. આવી જ રીતે બિયર કાર્ટલ્સ તરીકે પંકાયેલા કેટલાક તત્વો જે તે સ્ટોકને વેચવા માટે પ્રયત્નશીલ હોય છે. તેઓ શોર્ટ સેલિંગનો ઉપયોગ કરે છે. બજારમાં કોઈ કંપની વિશે અફવા ફેલાવે છે કંપનીનું રીઝલ્ટ ખરાબ છે અથવા કોઈ તકલીફ ઉભી થઈ છે તેવી અફવા ના ડરે રોકાણકાર સ્ટોક વેચી નાખે છે ઘણા બધા રોકાણકારે સ્ટોક કાઢી નાખ્યા હોવાથી શેરનો ભાવ નીચે આવી જાય છે અંતે બિયર કાર્ટલ્સ શોર્ટ સેલિંગનો લાભ લઇ જાય છે. આવા પ્રમોટરોથી બચવાની તાતી જરૂર છે. દર વર્ષે અને રોકાણકારોને પ્રમોટરો પોતાના ફંદા ફસાવી લેતા હોય છે.
આવી ૬ કાળજી રાખવી જરૂરી જાણીતી કંપનીઓના ટોપમાં જ રોકાણ કરવું
અજાણ્યા ચોખા કરતા જાણીતી જાર ખાવી સારી’ કહેવત પણ શેરબજારમાં ઘણી વખત સાર્થક થઈ જાય છે. સામાન્ય રીતે કોઈ મેસેજ વાંચીને અથવા સાંભળીને સીધે સીધું રોકાણ કરવું નહીં. પોતાની રીતે એનાલિસિસ કરી મોટા પ્રમાણમાં વોલ્યુમ હોય તેવા જાણીતા સ્ટોકમાં રોકાણ કરવું હિતાવહ હોય છે આવા સ્ટોકને સરળતાથી મેન્યુપ્લેટ કરી શકાતા નથી.
હોટ ટિપ્સ ઉપર વિશ્વાસ ના કરવો
ઘણી વખત એસએમએસ અથવા ફોન ના માધ્યમથી રોકાણકારને એકદમ હોટ ટીપ છે તેવું જણાવી દેવાય છે. આવી હોટ ટીપની જાળમાં ફસાવું નહીં. જે તે કંપનીના મેનેજમેન્ટની ગુણવત્તા અને બેલેન્સશીટને જોઈ લેવી.
લાલચને કાબૂમાં રાખો
ક્યારેય કોઈ સ્ટોકમાં આંખ બંધ કરીને રોકાણ કરવું નહીં. ફંડામેન્ટલ સારી ન હોય તેવી કંપનીઓથી બચીને રહેવું. લાંબા સમય સુધી કોઈ કંપનીની સ્ક્રિપ્ટનું પૃથક્કરણ કરવું. એકાએક વળતર મળી જશે તેવી આશા રાખ્યા કરતા લાલચને કાબૂમાં રાખવી જોઈએ.
ચેતતા રહેવું
ક્યારેય બ્રોકરે આપેલી સલાહ મુજબ સ્ટોકમાં તુરંત ઝંપલાવવું નહીં. ઘણી વખત બ્રોકર પણ કોઈ અન્ય વ્યક્તિના લાભ માટે રોકાણકારને ખોટી ટિપ્સ આપી બેસે તેવી પણ ભીતી રહેલી છે.
નુકસાનમાં ’બચત’ કરતા શીખો
રોકાણકારને હંમેશા લો કટ કરતું રહેવું જોઈએ સ્ટોપલોસ ને કડકાઇથી અમલ માં મુકવા જોઇએ જ્યારે જ્યારે સ્ટોક ખરીદેલી કિંમત કરતા ૨૦ ટકાથી નીચે સરકી જાય ત્યારે તે સ્ટોક વેચી નાખવો જોઈએ તેવું માનવામાં આવે છે.
પોતાની રીતે રિસર્ચ કરવું
જે તે કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા કરતા રોકાણકારે પોતાની રીતે જ રિસર્ચ કરવું જોઈએ કોઈ કંપની ઉપરથી સારી દેખાય અને અંદર ગોટાળા હોય તો રોકાણકારને ફસાઇ જવાની ભીતિ રહે છે માટે હંમેશા ક્રોસ ચેકિંગ કરવું હિતાવહ છે.
(શેરબજારમાં રોકાણ સંબંધિત નિર્ણય લેતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે)