શહેરના અલગ અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ: 950 કિલો શાકભાજીનો જથ્થો જપ્ત કરાયો: 1.33 લાખનો દંડ વસુલાયો
કોર્પોરેશનની દબાણ હટાવ શાખા પર રેંકડી ધારકે છરી વડે હુમલો કર્યાની ઘટના બાદ રાજમાર્ગો પર દબાણ કરનાર તત્વોને ઝેર કરવા માટે ખુદ ડે.મ્યુનિ.કમિશનર એ.આર.સિંહે મામલો પોતાના હાથ પર લઈ લીધો છે અને રોજ અલગ અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ દરમિયાન રેંકડી, કેબીનો સાથે માલ-સામાન જપ્ત કરી દબાણકર્તા પાસે દંડ વસુલ કરવામાં આવી રહ્યાં છે. ગત સપ્તાહે 71 રેકડી-કેબીન જપ્ત કરવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા ગત સપ્તાહે પુષ્કરધામ મેઈન રોડ, યુનિવર્સિટી રોડ, નાના મવા રોડ, સંતકબીર રોડ, ધરાર માર્કેટ, રામદેવપીર ચોકડીથી રૈયાધાર વિસ્તાર, જ્યુબેલી માર્કેટ, ક્ધયા છાત્રાલય, મવડી રોડ, બાપાસીતારામ ચોક, છોટુ નગર, રૈયા રોડ, તિરૂપતિ નગર, કાલાવડ રોડ, પરાબજાર, સત્યસાંઈ રોડ, ભીમનગર રોડ અને શિતલપાર્ક ચોકમાંથી 71 રેંકડી-કેબીન જપ્ત કરવામાં આવી હતી. ચાર માર્કેટમાંથી 950 કિલો શાકભાજી, ફળ અને ફૂલનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. સંતકબીર રોડ, મોરબી રોડ, કુવાડવા મેઈન રોડ, મવડી મેઈન રોડ, જે.કે.ચોક, પારેવડી ચોકમાંથી મંજૂરી વગર મંડપ નાખી તેના આસામી પાસેથી રૂા.76,812નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. જ્યારે અલગ અલગ રાજમાર્ગો પર દબાણ દેખાતા દબાણકર્તા પાસેથી રૂા.1.33 લાખનો દંડ વસુલ કરાયો છે. અને 33 પરચુરણ માલ-સામાન જપ્ત કરી લેવામાં આવ્યો હતો. દબાણકર્તાઓને સબક શિખવાડવા માટે હવે ખુદ ડીએમસી એ.આર.સિંહ અલગ અલગ વિસ્તારમાં ટીમો સાથે ત્રાટકી રહ્યાં છે.