સામાન્ય સભામાં ચાલુ વર્ષનું સુધારેલું બજેટ મંજુર: 2021-22નું અંદાજપત્ર મોકૂફ
આગામી વર્ષના બજેટને મંજૂરી આપવાનો હક્ક નવી ચૂંટાયેલી પાંખને મળવો જોઇએ તેવુ માનીને સર્વાનુમતે બજેટ મંજૂરી આપવાનું માંડી વાળ્યું, માત્ર ચાલુ વર્ષના સુધારેલા બજેટને મંજૂરી
જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજરોજ મળી હતી. ટર્મની અંતિમ સામન્ય સભામાં આગામી વર્ષના બજેટ મંજૂરીનો મુદ્દો મુખ્ય હતો. પરંતુ બજેટને મંજૂરી આપવાનો હક્ક નવી ચૂંટાયેલી પાંખને હોય તેઓની પાસેથી આ હક્ક ન છીનવવો જોઈએ તેવું માનીને હોદ્દેદારોએ સર્વાનુમતે બજેટ મંજૂરીનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો અને ચાલુ વર્ષના સુધારેલા બજેટને મજૂરી આપી દીધી હતી. જિલ્લા પંચાયતની ટર્મનો આજે છેલ્લો દિવસ હોય છેલ્લા દિવસે જ અંતિમ સામાન્ય સભા યોજાઈ હતી. પ્રમુખ અલ્પાબેન ખાટરીયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સામાન્ય સભામાં નવા કારોબારી ચેરમેનને આવકાર આપ્યો હતો. આ સામાન્ય સભામાં વર્ષ 2021-22ના બજેટને મજૂરી આપવા રજૂ કરાયું હતું. પણ સભ્યોએ સર્વાનુમતે આ હક્ક આવનાર નવી પાંખને હોય તેવું માનીને બજેટ મંજૂરીનો મુદ્દો મોકૂફ રાખ્યો હતો. સામે ચાલુ વર્ષના બજેટને સર્વાનુમતે મજુરી આપવામાં આવી હતી. આમ બજેટનો મુખ્ય મુદ્દો જ મોકૂફ રહી ગયો હતો. આમ આ બેઠક ખાધું પીધું ને રાજ કર્યા જેવી બની રહી હતી.
માત્ર પ્રમુખની ચેમ્બર જ 15 દિવસ માટે ખુલ્લી રહેશે
જિલ્લા પંચાયતમાં વહીવટદાર સાશન આવ્યું છે. જેથી પદાધિકારીઓના ચેમ્બરોને હવે તાળા લાગી જવાના છે. જો કે આજના દિવસે સામન્ય સભા હોય આજે ચેમ્બરો અંતિમ દિવસ માટે ખુલ્લી રહેશે. બાદમાં નિયમ મુજબ હવે માત્ર પ્રમુખની ચેમ્બર 15 દિવસ માટે ખુલ્લી રહેશે. બાકીની ચેમ્બરો બંધ જ રહેશે.
કોટડા સાંગાણી પંથકમાં સિંહોએ ફાડી ખાધેલા પશુઓના માલિકોને વળતર આપો: અર્જૂનભાઈ ખાટરીયા
પૂર્વ કારોબારી ચેરમેન અને હાલના સભ્ય અર્જુનભાઇ ખાટરિયાએ સભામાં જણાવ્યું હતું કે કોટડા સાંગાણી પંથકમાં સિંહોના આટાફેરા છે. પાંચથી છ પશુઓનું સિંહોએ મારણ કર્યું છે. તે પશુપાલકોને વળતર ચૂકવવા સભા સમક્ષ અર્જુનભાઇ ખાટરિયાએ રજુઆત કરી હતી. આ સાથે અર્જુનભાઇ ખાટરીયાએ જિલ્લા પંચાયત હસ્તકના રેસ્ટ હાઉસની વિગતો આપતા જણાવ્યું હતું કે તમામ તાલુકામાં તેમજ જિલ્લા પંચાયત કેમ્પસમાં રેસ્ટ હાઉસો આવેલા છે. મોટાભાગના રેસ્ટ હાઉસોની સ્થિતિ ખરાબ છે. આ મામલે ભૂતકાળમાં અનેક વખત રજુઆત પણ કરવામાં આવી છે.