એકતરફ કોરોના મહામારી સામે કોરોના વોરિયર્સ જંગ કરી રહ્યા છે. બીજી તરફ એક પછી એક આંદોલન થઈ રહ્યાં છે તો ક્યાંક આંદોલનની ચીમકી અપાઈ છે. દરમિયાન ગુજરાતમાં સ્ટાઈપેન્ડ વધારાની માંગ સાથે ઈન્ટર્ન ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા હતાં.
ઈન્ટર્ન ડૉક્ટરો હડતાળ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીએ ઈન્ટર્ન ડૉક્ટરોની માંગણીઓવો ઉકેલ લાવવાની ખાતરી આપ્યા બાદ હડતાળ સમેટાઈ હતી. હવે નીતિન પટેલે ઈન્ટર્ન ડોક્ટર્સ સાથે બેઠક કરી હતી. જેમા આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ હાજર રહ્યાં હતાં. બાદમાં નીતિન પટેલે ઈન્ટર્ન ડૉક્ટરોના સ્ટાઈપેન્ડમાં 5200 રૂપિયાનો વધારો કરીને હવે 18 હજાર રૂપિયા સ્ટાઈપેન્ડ આપવાની જાહેરાત કરી છે.
નોંધનીય છે કે, ઇન્ટર્ન તબીબોની હડતાળનો મુદ્દો ખૂબ ચગ્યો હતો. ઈન્ટર્ન તબીબોને હડતાળ નહીં સમેટાય તો તેમની ફરજમાં ગેરહાજરી પુરવાની ચીમકી પણ આપી હતી. પરંતુ બાદમાં હડતાળના ત્રીજા દિવસે નીતિન પટેલે ઈન્ટર્ન ડૉક્ટરોની માંગણીઓનો ઉકેલ લાવવાની ખાતરી આપતાં હડતાળ સમેટાઈ હતી. જાહેરાત બાદ ઈન્ટર્ન ડોક્ટરોએ કહ્યું હતું કે સરકારે અમારી વાત સાંભળી જેથી હવે અમને સન્માન મળ્યું છે.