છરી લાકડી સોડાની બોટલો ઉછળતા બે મહિલા સહિત સાત વ્યકિતઓ ઇજાગ્રસ્ત
બે વર્ષ પહેલાના મનદુ:ખને કારણે ઝગડો થયો
બોટાદના બાબારકોટ ચોકડી પાસે બે જુથ વચ્ચે જુના મનદુ:ખને કારણે ધબડાટી બોલી જતાં લાકડી, સોડાની બોટલ અને છરી ઉલળતા બે મહીલા સહિત સાત વ્યકિતઓ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવ અંગે પોલીસે રાયોટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ બોટાદ ના બાબરકોટ ચોકડી પાસે સાંજના સુમારે બે જુથ વચ્ચે ચકમક ઝરતાં મામલો ગરમાયો હતો. બાદમાં ઉગ્ર બોલાચાલી થતા સામ સામા સોડાની બોટલના ઘા થતાં અને લાકડી વડે એકબીજા પર તુટી પડતા ધબકાટી બોલી જવા પામી હતી. ડખ્ખામાં બે વ્યકિતઓ છરીના ઘા થી ઇજાગ્રસ્ત બની હતી.
ઘટનાની જાણ થતાં દોડી આવેલી પોલીસે ઇજાગ્રસ્ત બનેલા ઇર્શાદભાઇ, રૂકશાનબેન, નઝમાબેન નરેશભાઇ તથા સામા પક્ષના જગદીશભાઇ, ખોડાભાઇ તથા ભવાનભાઇને સારવાર માટે હોસ્પિટલે ખસેડયા હતા.બનાવના કારણ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બે વર્ષ પહેલા નઝમા ઉર્ફે પુરીબેન બોટાદથી જગદીશભાઇ બોળીયાની રીક્ષામાં પેસેન્જર તરીકે બેઠા હતા. દરમ્યાન સબંધીનો ટેમ્પો આવતા રીક્ષામાંથી ઉતરી જતા આ બાબતે બોલાચાલી થવા પામી હતી. બનાવ અંગે પોલીસ ફરીયાદ પણ થઇ હતી. આ બાબતે સમાધાન માટે એકઠા થયેલા બન્ને જુથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ માથાકુટ સર્જાઇ હતી.
બના અંગે બોટાદ રહેતા જગદીશભાઇ અરજણભાઇ બોળીયાએ પાળીયાદના રાહેલ ઘાંચી, ઇકબાલભાઇ આરીફભાઇ નરેશભાઇ, ઇર્સાદભાઇ ઘાંચી અને બોટાદ રહેતા મહમદ ઉર્ફે લાલો, અશિષ ઉર્ફે લાલો રૂકશાનબેન, નઝમા ઉર્ફે પુરીબેન સામે ફરીયાદ કરી હતી.
સામાપક્ષે બાબરકોટ રહેતા આરીફ મહમદભાઇ કળગથરાએ બોટાદ રહેતા ખોડાભાઇ જોગરાણા, વાલાભાઇ બોળીયા, રાજુભાઇ બોળીયા, મુન્ના ઉર્ફે ભરતભાઇ, ભરત બોળીયા, જગદીશ બોળીયા, લાલ જોગરાણા, ભરત નાગજીભાઇ, ભવાન અલગોતર અને લાલા બોળીયા સામે ફરીયાદ કરતા પાળીયાદ પોલીસે રાયોટ સહિત ગુન્હો નોંધી પીએસઆઇ રાણાએ તપાસ હાથ ધરી છે.